Surat
સુરતમાં કોરોનાં પોઝિટિવ દર્દીનાં ઘરની બહાર ફરી એકવાર ક્વોરેન્ટાઇનનાં બોર્ડ લાગ્યાં

(પ્રતિનિધિ સુનિલ ગાંજાવાલા સુરત)
સુરત શહેર – જિલ્લામાં છેલ્લા એક પખવાડિયાથી કોરોનાના કેસોમાં સતત વધારાને પગલે વહીવટી તંત્ર સાબદું થઈ ચુક્યું છે. હાલ સુરત શહેરમાં જ કોરોનાના એક્ટીવ કેસોની સંખ્યા 50ને પાર પહોંચી ચુકી છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા લિંબાયત અને રાંદેર ઝોન વિસ્તારોમાં પોઝીટીવ દર્દીઓના ઘરે ક્વોરોન્ટાઈનના બોર્ડ મારવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.રવિવારના રોજ સુરત શહેરમાં વધુ આઠ દર્દીઓનો કોવિડ-19નો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો અને તેની સાથે જ વધુ એક વખત શહેરમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા 50 પર પહોંચી ચુકી છે. સતત વધી રહેલા કેસોને પગલે આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને સાવચેત રહેવાની સાથે સાથે શરદી – ઉધરસ જેવા લક્ષણો જોવા મળે તો કોવિડ-19નો રિપોર્ટ કઢાવવા માટે અપીલ કરવામાં આવી રહી છે.
આ સિવાય હવે કોરોનાગ્રસ્ત દર્દીઓને ક્વોરોન્ટાઈન કરવાની સાથે – સાથે ઘરની બહાર બોર્ડ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આજે સવારથી સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા અલગ – અલગ ઝોન વિસ્તારમાં આવેલા પોઝીટીવ દર્દીઓના ઘરે ક્વોરોન્ટાઈનના બોર્ડ લાગતાં આસપાસના રહેવાસીઓમાં વધુ એક વખત કોરોનાને લઈને ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. અલબત્ત, મનપા દ્વારા પોઝીટીવ દર્દીના સંપર્કમાં આવેલા પરિવારજનોનું ટેસ્ટિંગ પણ કરવામાં આવી રહ્યું છે અને સંક્રમણને અટકાવવા માટે જ સાત દિવસ સુધી દર્દીઓ અને પરિવારજનોને ક્વોરોન્ટાઈન રહેવા માટે જણાવવામાં આવી રહ્યું છે.