Chhota Udepur
જીલ્લા બાળ સુરક્ષા એકમ-છોટાઉદેપુર દ્વારા કવાંટ તાલુકા બાળ સુરક્ષા સમિતિની ત્રિમાસિક બેઠક યોજાઈ
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
ગતરોજ તા.૨૬ જુલાઈના રોજ જિલ્લા બાળ સુરક્ષા એકમ છોટાઉદેપુર દ્વારા કવાંટ તાલુકા બાળ સુરક્ષા સમિતિની ત્રિમાસિક બેઠક તાલુકા પંચાયત હૉલ ખાતે યોજવામાં આવેલ. આ મીટીંગ તાલુકા પંચાયતના પ્રમુખ ના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં તાલુકા વિકાસ અધિકારી હર્ષિત પટેલ, કવાંટ હેલ્થ ઓફિસર ડો. પ્રશાંત વણકર, પ્રોગ્રામ ઓફિસર હર્ષાબેન વાઘ, તાલુકા કેળવણી નિરીક્ષક, સરપંચો વગેરે અધિકારીઓ જોડાયા હતા.
આ બેઠકમાં જીલ્લા બાળ સુરક્ષા અધિકારીએ તાલુકા બાળ સુરક્ષા સમિતિ તેમજ ગ્રામ્ય બાળ સુરક્ષા સમિતિની ભૂમિકા અને જવાબદારી વિશે માર્ગદર્શન આપ્યું હતું. સરકારની વિવિધ યોજનાઓ જેવી કે પાલક માતા-પિતા યોજના, દતક વિધાન યોજના, સ્પોન્સરશીપ યોજના, મુખ્યમંત્રી બાળસેવા યોજના, ફોસ્ટર કેર, આફટર કેર, શેરોપોઝીટીવ ઈલનેસ યોજનાઓ તથા સમાજ સુરક્ષા વિભાગની દિવ્યાંગ કલ્યાણકારી યોજનાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
અધ્યક્ષ સ્થાનેથી તાલુકા પ્રમુખ છાયાબેન રાઠવાએ બાળકોની કાળજી, રક્ષણ અને સંભાળની જરૂરિયાત વાળા અનાથ બાળકોને લાભાન્વિત કરવા માટે પ્રચાર કરવો તથા સરકારશ્રીના વિવિધ વિભાગો સાથે તેમજ સ્થાનિક સંસ્થાઓને સાંકળી લાભો અપાવવા બાબતે સુચન કર્યું હતું. ઉપરાંત મિશન વાત્સલ્ય યોજના, ચાઇલ્ડ હેલ્પ લાઇન ૧૦૯૮, બાળ સુરક્ષા એકમ અને સમાજ સુરક્ષા વિભાગની યોજનાઓ, ગ્રામ્ય બાળ સુરક્ષા સમિતીને સક્રિય કરવા, અને ગ્રામ્ય લેવલેથી બાળકોની વિવિધ યોજનાઓનું અમલીકરણ થાય તે અંગે સરપંચો, તલાટી કમ મંત્રીઓ, અને આશાવર્કરો અને સ્થાનિક આગેવાનોને સહભાગી બનાવી પ્રચાર-પ્રસાર કરવા તાલુકા પ્રમુખ દ્વારા સૂચનો કરવામાં આવેલા હતા.