National
કેરળના પાંચ જિલ્લામાં વરસાદની આગાહી, હવામાન વિભાગે રેડ એલર્ટ કર્યું જાહેર
હવામાન વિભાગે દેશના દક્ષિણી રાજ્ય કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. જો કે કેરળના ઘણા ભાગોમાં ભારે વરસાદ ચાલુ છે. હવામાન વિભાગ (IMD) એ બુધવારે રાજ્યના પાંચ જિલ્લાઓ માટે ‘રેડ એલર્ટ’ જારી કર્યું છે અને ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પથાનમથિટ્ટા, અલપ્પુઝા, કોટ્ટાયમ, એર્નાકુલમ અને ઇડુક્કીમાં ‘રેડ એલર્ટ’ જારી કરવામાં આવ્યું છે.
કોઝિકોડ અને વાયનાડ માટે ‘ઓરેન્જ એલર્ટ’
જોકે અગાઉ અલપ્પુઝા, કોટ્ટાયમ અને એર્નાકુલમ માટે ‘ઓરેન્જ એલર્ટ’ જારી કરવામાં આવી હતી, પરંતુ IMD એ પછીથી ચેતવણી બદલીને ‘રેડ એલર્ટ’ કરી દીધી હતી. આ સાથે જ આ જિલ્લાઓમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. IMDએ જણાવ્યું કે તિરુવનંતપુરમ, કોલ્લમ, મલપ્પુરમ, કોઝિકોડ અને વાયનાડ માટે ‘ઓરેન્જ એલર્ટ’ જારી કરવામાં આવ્યું છે, જ્યારે કન્નુર અને કાસરગોડ માટે ‘યલો એલર્ટ’ જારી કરવામાં આવ્યું છે.
દરિયામાં ઊંચા મોજા ઉછળી શકે છે
અધિકારીઓએ જણાવ્યું કે ગુરુવારે રાત સુધીમાં કેરળના દરિયાકાંઠે દક્ષિણમાં વિઝિંજામથી ઉત્તરમાં કસરાગોડ સુધી 0.4 થી 3.3 મીટર સુધીના ઊંચા મોજાં ઉછળવાની અપેક્ષા છે. ‘રેડ એલર્ટ’ હેઠળ, 24 કલાકમાં 20 સે.મી.થી વધુ ભારેથી અતિ ભારે વરસાદની ધારણા છે, જ્યારે ‘ઓરેન્જ એલર્ટ’માં 11 સેમીથી 20 સે.મી.ના અત્યંત ભારે વરસાદની અપેક્ષા છે અને ‘યલો એલર્ટ’માં 6 સેમીથી 11 સે.મી. સેમી સુધી ભારે વરસાદની અપેક્ષા છે.
રોગચાળો અટકાવવા આરોગ્ય વિભાગ સતર્ક
આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે જણાવ્યું હતું કે સતત ભારે વરસાદને ધ્યાનમાં રાખીને, રોગચાળાને કાબૂમાં રાખવાની ગતિવિધિઓ તેજ કરવામાં આવી છે અને અહીં આરોગ્ય વિભાગના નિર્દેશાલયમાં રાજ્ય કંટ્રોલ રૂમ ખોલવામાં આવ્યો છે. તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે રોગચાળાને કાબૂમાં લેવા માટે વિભાગ દ્વારા રાજ્ય સ્તરીય ઝડપી પ્રતિસાદ ટીમની રચના કરવામાં આવી છે.