International
રામ ચંદ્ર પૌડેલ બન્યા નેપાળના નવા રાષ્ટ્રપતિ, બમણાથી વધુ મતોથી જીત મેળવી
રામ ચંદ્ર પૌડેલ નેપાળના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં, પૌડેલે 33,802 મત મેળવ્યા હતા, જ્યારે તેમના પ્રતિસ્પર્ધી સુભાષ ચંદ્ર નેમ્બવાંગે 15,518 મત મેળવ્યા હતા. નેપાળના ચૂંટણી કમિશનરે આ માહિતી આપી હતી. મળતી માહિતી મુજબ વર્તમાન રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારીનો કાર્યકાળ 12 માર્ચે સમાપ્ત થઈ રહ્યો છે. ચૂંટણી પંચના અધિકારીઓના જણાવ્યા અનુસાર અહીં સંસદ ભવનમાં ગુરુવારે સવારે 10 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી મતદાન થયું હતું. આ પછી પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.
નેપાળી કોંગ્રેસે રામ ચંદ્ર પૌડેલ પર દાવ લગાવ્યો હતો
નેપાળની સૌથી મોટી પાર્ટી નેપાળી કોંગ્રેસે સંસદમાં તેના વરિષ્ઠ નેતા રામ ચંદ્ર પૌડેલને રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મેદાનમાં ઉતાર્યા છે. પૌડ્યાલની ઉમેદવારી નેપાળી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શેર બહાદુર દેઉબા, સીપીએન (યુનિફાઈડ સોશિયાલિસ્ટ) પ્રમુખ માધવ કુમાર નેપાળ, સીપીએન-માઓવાદી કેન્દ્રના વરિષ્ઠ ઉપાધ્યક્ષ નારાયણ કાજી શ્રેષ્ઠા, જનતા સમાજવાદી પાર્ટી ફેડરલ કાઉન્સિલના પ્રમુખ અશોક રાય અને જનમત પાર્ટીના પ્રમુખ અબ્દુલ ખાન દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવી હતી.