Entertainment
રણદીપહુડા એ રીલલાઇફમાં સરબજીતની બહેનને આપેલું વચન નિભાવી તેને રીયલ બનાવ્યુ
બોલીવૂડમાં સંખ્યાબંધ બાયોપીક બને છે અને ઘણીવાર કલાકારો રિયલ લાઈફના કેરેક્ટરને સારી રીતે નિભાવવા તે વ્યક્તિ તથા તેના પરિવારજનો સાથે હળતા મળતા હોય છે. પરંતુ, અમુક કિસ્સામાં આ સંબંધો માત્ર ફિલ્મી જરુરિયાત ના બની રહેતાં વાસ્તવિક ઋણાનુબંધમાં પલ્ટાઈ જાય છે. આવી ઘટનામાં ફિલ્મ સરબજીતમાં તેની ભૂમિકા ભજવનારા એક્ટર રણદીપ હુડાએ સરબજીતની રિયલ લાઈફ સિસ્ટર દલબીરને આપેલું વચન નિભાવ્યું હતું અને તેની અંતિમવિધિમાં હાજર રહી મુખાગ્નિ આપી હતી.
પાકિસ્તાનની જેલમાં શહીદ થયેલા ભારતીય જાંબાઝ સરબજીત પરથી બનેલી બાયોપિક ૨૦૧૬માં રિલીઝ થઈ હતી. તેમાં સરબજીતનું પાત્ર રણદીપ હુડાએ ભજવ્યું હતું. અને તેની બહેન દલબીર કૌરનું પાત્ર ઐશ્વર્યા રાયે ભજવ્યું હતું. સરબજીતના છૂટકારા માટે દલબીરે કરેલા સંઘર્ષની વાત આ ફિલ્મમાં દર્શાવવામાં આવી હતી.
તે ફિલ્મ નિમિત્તે દલબીર અને રણદીપ હુડા વચ્ચે ખરેખર ભાઈ બહેન જેવા ગાઢ સંબંધો બન્યા હતા. આ ફિલ્મ રિલીઝ થયાના ત્રણ વર્ષ બાદ એક ઇવેન્ટમાં દલબીરે કહ્યું હતું કે તેને રણદીપમાં વાસ્તવમાં સરબજીત દેખાય છે.દલબીરે ત્યારે રણદીપને કહ્યું હતું કે સરબજીતને તો પોતે ગુમાવી ચુકી છે પરંતુ જ્યારે મારું મોત થાય ત્યારે તું સરબજીતની ફરજ નિભાવવા આવજે અને મને કાંધ આપજે. મારો સરબજીત મને કાંધ આપશે ત્યારે મારા આત્માને શાંતિ મળશે.
અમૃતસર નજીકના ભીખીવિંદ ગામે દલબીરનુ હાર્ટ એટેકથી મોત થયાની જાણ થતાં રણદીપ હુડા તત્કાળ મુંબઈથી ત્યાં પહોંચ્યો હતો. તેણે દલબીરને કાંધ આપી હતી અને મુખાગ્નિ અર્પણ કરી તેનો દેહ પંચમહાભૂતને સમર્પિત કર્યો હતો.
દલબીરે પોતાના ભાઈને પાકિસ્તાનની જેલમાંથી છોડાવવા માટે બહુ લાંબો સંઘર્ષ ખેડયો હતો. પાકિસ્તાની સત્તાવાળાઓએ તેને ફાંસીની સજા આપી હતી. જોકે, સરબજીતની મુક્તિ થઈ શકે તે પહેલાં જ ત્યાંની જેલમાં કેદીઓએ કરેલા હુમલામાં તેનું મોત નીપજ્યું હતું.