Vadodara
ડીડીયુ-જીકેવાયમાં ૩ મહિનાનો ક્રેડિટ પ્રોસેસિંગ અભ્યાસક્રમ પૂર્ણ કરી આત્મનિર્ભર બની વડોદરાની રંજીતા
- દરેકે આ યોજનાનો લાભ લઇ પોતાને સશક્ત બનાવવું જોઇએ-લાભાર્થી ગોહિલ રંજીતા
એક ગૃહિણી માટે હંમેશા પરિવારનું ભરણપોષણ કરવું, બાળકોને સારું શિક્ષણ આપવું અને એ દરેક બાબતોને પરિપૂર્ણ કરવા માટે અથાગ પ્રયત્નો કરવા એક મહત્વપૂર્ણ જવાબદારી હોય છે. વડોદરા શહેરની ગૃહિણી ગોહિલ રંજીતા પોતાને આ તક આપવા બદલ સરકારનો આભાર માની રહી છે. દીન દયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજનામાં ક્રેડિટ પ્રોસેસિંગ કોર્સ પૂર્ણ કર્યા પછી તેને તરત જ નોકરી મળી અને હવે તે તેના પરિવારને ટેકો આપી રહી છે. પરિવાર પણ તેને દરેક રીતે સપોર્ટ અને મદદ કરે છે.
ગોહિલ રંજીતા વડોદરા શહેરની છે અને લગ્ન બાદ હાલ વાઘોડિયાના નર્મદપુરા ગામે રહે છે. તેણે ધોરણ ૧૨ સુધીનો અભ્યાસ કર્યો છે તે પોતાને નોકરી કરતા જોવા માંગતી હતી. પહેલાં તે સખી મંડળમાં જોડાઈ અને તેમની સાથે સક્રિય રીતે કામ કર્યું હતું. પછી તેણે ડીડીયુ-જીકેવાય માં ૩ મહિનાના ક્રેડિટ પ્રોસેસિંગ કોર્સ અને ત્યાં તેણે વધારાના સોફ્ટ સ્કીલ, અંગ્રેજી અને કોમ્પ્યુટર કોર્સની તાલીમ મેળવીને તે પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ કરવા સક્ષમ બની છે. તેના પરિવારે શરૂઆતમાં તેને નોકરી માટે પરવાનગી આપવાનો ઇનકાર કર્યો હતો પરંતુ પછીથી તેઓ સંમત થયા અને હવે તેના રોજિંદા ઘરના કામોમાં મદદ કરીને તેને ટેકો આપે છે.
અહીં આવ્યા પછી મને મારા સપના પૂરા કરવાની તક મળી છે. સૌથી મહત્વની વાત એ છે કે તાલીમ પછી તેઓ ગેરંટીવાળી નોકરી મેળવવામાં મદદ કરે છે. મેં ૩ મહિનાની તાલીમ પછી એક કંપનીમાં કામ કરવાનું શરૂ કર્યું છે. હું પરિણીત છું અને ૨ બાળકોની માતા છું. મારા માટે કામ અર્થે બહાર જવાનું મુશ્કેલ છે. પરિવારજનોએ પણ શરૂઆતમાં મારા નોકરી કરવાના નિર્ણયનો વિરોધ કર્યો પરંતુ હું એમને સમજાવવામાં સફળ રહી છું. જૂન મહિનાની ૧૪ તારીખે મેં પહેલી વાર નોકરી માટે નીકળી જે દિવસ મારા માટે યાદગાર રહ્યો.
હું મારા પરિવારને ટેકો આપીને ખુશ છું, એક સંતોષ છે કે હવે હું મારા બંને પુત્રોને સારું શિક્ષણ આપી શકીશ. મારા પતિ એક ઓટો ડ્રાઈવર છે હવે અમે બંને સાથે કામ કરીને અમારા બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરી શકીશું. મારા પતિ, મોટા પુત્ર અને સાસરિયાં મારા પરિવારમાં મને ટેકો આપે છે. હું રોજેરોજ વડોદરામાં ઓફિસ જવા માટે અને સાંજે ઘરે જવા માટે કામ કરું છું. આ તાલીમ થકી મને નવી ઓળખ મળી છે. મારા બાળકોના શિક્ષણને તેમજ પરિવારને ટેકો આપી શકું છું. હું દરેક બહેનોને વિનંતી કરું છું કે આ યોજના આપણા માટે જ છે એનો લાભ લઇ તમારી જાતને સશક્ત બનાવો એમ વડોદરામાં નોકરીમેળા દરમિયાન પોતાનો અનુભવ જણાવતાં લાભાર્થી ગોહિલ રંજીતાએ કહ્યું હતું.