Chhota Udepur
કમલમ્ ફળની પ્રાકૃતિક ખેતી કરી પર્યાવરણના જતનનો સંદેશ આપતા નાની દુમાલીના ખેડૂત રાવજીભાઇ પટેલ
પ્રતિનિધિ, કાજર બારીયા
છોટાઉદેપુર: તા. ૦૬:
- પરંપરાગત ખેતી છોડી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપતા ડ્રેગન ફ્રુટની ખેતી તરફ વળ્યા રાવજીભાઇ પટેલ
સમયના બદલાતા પ્રવાહોની સાથે કૃષિમાં પણ આમૂલ પરિવર્તન આવી રહ્યું છે. રાજયના ખેડૂતો હવે પરંપરાગત ખેતી છોડી અવનવા પાકોની ખેતી તરફ વળી રહ્યા છે. ટેકનોલોજીના વિકાસની સાથે સ્માર્ટ ફોન જેવા હાથવગા સાધનથી ખેડૂતો કૃષિના વૈશ્વિક પ્રવાહો સાથે જોડાઇને ખેતીને માત્ર આજીવિકા તરીકે નહીં પણ વ્યાપાર તરીકે વિકસાવી રહ્યા છે.
વિશિષ્ઠ ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા છોટાઉદેપુર જિલ્લો પણ કૃષિના બદલાયેલા પરિમાણોથી પર નથી. છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો પણ હવે પરંપરાગત ખેતી છોડી આધુનિક ખેતી તરફ વળી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો પણ કમલમ્(ડ્રેગન ફ્રુટ) જેવા પાકો લેતા થયા છે.
મિત્રો, અહીં વાત કરવી છે છોટાઉદેપુર જિલ્લાના નાની દુમાલી ગામના પ્રગતિશીલ રાવજીભાઇ પટેલની કે જેઓ પરંપરાગત ખેતી છોડી કમલમ્ ફળની ખેતી કરી રહ્યા છે. તેઓ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી થકી ડ્રેગન ફ્રુટની ખેતી કરે છે. માહિતી ખાતાની ટીમ સાથે વાત કરતા રાવજીભાઇ પટેલે જણાવ્યું હતું કે, ડ્રેગન ફ્રુટની ખેતી અંગે અમને જાણકારી મળતા અમે આ પાકની ખેતી અંગે માહિતી મેળવવા ભાવનગર સુધી જઇ આવ્યા હતા.
વાતનો દોર આગળ ચલાવતા તેમણે જણાવ્યું હતું કે, અમે પહેલા શાકભાજીની ખેતી કરતા હતા. શાકભાજીની ખેતીમાં સૌથી મોટો પ્રશ્ન મજૂરોનો રહેતો હતો. કમલમ્ ફળની ખેતીમાં ઓછા મજૂરોથી ખેતી થઇ શકે છે. આ ઉપરાંત ટપક સિંચાઇ પદ્ધતિથી પિયત આપવામાં આવતી હોવાથી મજૂરોનો પ્રશ્ન રહેતો નથી.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અમે આ પાકમાં કોઇ કેમિકલ ફર્ટિલાઇઝરનો ઉપયોગ કરતા સંપૂર્ણ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરીએ છીએ. જીવામૃત સહિતના અન્ય ગૌમૂત્ર અને ગોબરમાંથી બનતા દ્રવ્યોથી ખેતી કરવામાં આવે છે એમ જણાવ્યું હતું. વધુ વાત કરતા રાવજીભાઇએ જણાવ્યું હતું કે, કમલમ્ ફળની છુટક કિંમત ૨૦૦ રૂપિયા પ્રતિકિલો સુધી મળી રહે છે. એ રીતે જોતા ચારેક વર્ષ સુધીમાં આ ખેતીમાં થયેલું રોકાણ મળી રહે છે. આ ઉપરાંત આ ખેતી એવી છે કે, જે. તમને વીસ વર્ષ સુધી આવક રળી આપે છે એમ ઉમેર્યું હતું.
રાવજીભાઇએ ડ્રેગન ફ્રુટ રોપા તૈયાર કરવા માટે પણ એક નાની એવી નર્સરી તૈયાર કરી છે. તેઓ જણાવે છે કે, અમે વાવેલા છોડ થોડા મોટા થઇ જાય પછી એના સ્ટમ્પ બનાવીને ઉછેરીએ છે. જેનો એક રોપ(પ્લાન્ટ) ત્રીસથી પાંત્રિસ રૂપિયામાં વેચાય છે એમ તેમણે જણાવ્યું હતું. મધ્યપ્રદેશ અન મહારાષ્ટ્રની સરહદને અડીને આવેલા છોટાઉદેપર જિલ્લામાં રાવજીભાઇ સહિત અન્ય ખેડૂતો પણ આ નવતર ખેતીમાં જોડાઇને મબલક કમાણી કરી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લા જેવા છેવાડે આવેલો જિલ્લો રાજયના અન્ય ખેડૂતો માટે પણ એક દિવાદાંડીની ભૂમિકા ભજવી રહ્યો છે એમ કહેવામાં જરાય અતિશયોકતિ લેખાશે નહીં.