Gujarat
પ્રાકૃતિક કૃષિના ફાયદાઓ સમજી પ્રાકૃતિક ખેતી તરફ વળવું એ જ શ્રેષ્ઠ વિકલ્પ છે

પ્રાકૃતિક ખેતીના લાભો અને મહત્વથી આજે સૌ કોઈ પરિચિત છે. પરંતુ, તમે જ્યારે પાદરા તાલુકાના વિશ્રામપુરા ગામના પ્રગતિશીલ ખેડૂત ભગવાનભાઈ પરમારનો પ્રાકૃતિક ખેતી પ્રત્યેનો પ્રતિભાવ અને અભિપ્રાય સાંભળશો તો વધારે સારી રીતે સમજી શકશો. છેલ્લા ત્રણ વર્ષથી ત્રણ વીઘા જમીનમાં ભગવાનભાઈ પ્રાકૃતિક ખેતી થકી મબલખ આવક મેળવે છે. એટલે કે, ભગવાનભાઈ માટે તો પ્રાકૃતિક ખેતીએ આર્થિક સમૃદ્ધિના દ્વાર ખોલી નાખ્યા છે.
તેઓ ત્રણ વીઘા જમીનમાં શાકભાજીની ખેતી કરે છે. ભગવાનભાઈ પરમારે કહ્યું કે, ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળવાથી તેમને આરોગ્યપ્રદ ખોરાકશૈલી મળી છે. એટલું જ નહીં પરંતુ નજીકના સ્થાનિક બજારમાં તેની પેદાશો વેચીને તેની કમાણી પણ વધી છે. તેમણે અન્ય ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના લાંબા ગાળાના ફાયદાઓ વિશે જાણવા માટે કહ્યું હતું.
૬૫ વર્ષની ઉંમરે ભગવાનભાઈ તેમના પત્ની, પુત્ર અને પુત્રવધૂ સાથે રોજિંદી ખેતીની પ્રવૃત્તિઓમાં સક્રિયપણે સંકળાયેલા રહે છે. આ પરિવાર છેલ્લા ત્રણ વર્ષથી ગાય આધારિત કુદરતી ખેતી સાથે સંકળાયેલો છે અને તંદુરસ્ત અને રસાયણમુક્ત શાકભાજી ઉગાડવા માટે સખત મહેનત કરી રહ્યો છે.
પ્રાકૃતિક કૃષિ તરફ વળવા માટેની પોતાની વાર્તા કહી તેમણે કહ્યું કે, મારા પુત્ર મહેશ અને મેં વર્ષ-૨૦૧૯ માં ખેતરમાં ટીંડોરા, દૂધી અને ગલકા ઉગાડીને શરૂઆત કરી હતી. આ શાકભાજીને સ્થાનિક બજારમાં વેચીને તેઓ વાર્ષિક ૭૦ હજાર રૂપિયાની કમાણી કરે છે. આ સાથે જ તેઓ ખેતરમાં વિવિધ પ્રકારના શાકભાજી ઉગાડવાની યોજના પણ બનાવી રહ્યા છે.
આ ખેડૂતના પુત્ર મહેશ પિતાને બજારમાં ઉપજ વેચવા સહિતના તમામ કામમાં સહકાર આપે છે. ધો-૧૦ સુધી અભ્યાસ કર્યા બાદ તેમણે ૧૦ વર્ષ સુધી ખાનગી નોકરી હતી. અને ત્યારબાદ સરકારી ડેરી થકી ગાય આધારિત કુદરતી ખેતી અને તેમાં સરકાર દ્વારા મળતી સબસિડી વિશે સમજ અને જાણકારી મળતા, એ દિશામાં પ્રાકૃતિક કૃષિનો નિર્ધાર કર્યો હતો. મહેશભાઈ પરમાર હાલ પણ પોતાની સાથે અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક કૃષિના સેમિનાર અને વર્કશોપમાં સામેલ કરે છે.
ભગવાનભાઈ પરમારથી પ્રેરિત થઈને આસપાસના પાંચ ગામોના લગભગ ૧૧ ખેડૂતોએ પણ ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ વળવાની તૈયારી દર્શાવી છે.