Panchmahal
બાગાયત વિભાગની મહિલાલક્ષી યોજનાઓનો લાભ લેવા અનુરોધ
પંચમહાલ જિલ્લાની તમામ મહિલાઓને જણાવવાનું કે, સરકાર દ્વારા ચાલતી “મહિલા તાલીમાર્થીઓને વૃત્તિકા (સ્ટાઇપેન્ડ)” આપવાની યોજના હેઠળ ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે તાલીમ મેળવવા માટે I-khedut portal (web site: www.ikhedut.gujarat.gov.in) પર ઓનલાઇન અરજી કરવા માટે i- khedut portal તા.૨૨/૦૪/૨૦૨૩ થી તા.૩૧/૦૫/૨૦૨૩ સુધી ખુલ્લુ મુકવામાં આવેલ છે. સદર યોજનામાં લાભ લેવા માંગતી મહિલા લાભાર્થીઓની ઉંમર ૧૮ થી ૬૦ વર્ષ સુધી હોવી જોઈએ અને રેશનકાર્ડ દીઠ એક મહિલાને લાભ મળવાપાત્ર થાય છે. i-khedut portal પર ઓનલાઇન અરજી કરી અરજીની નકલ સાથે બેંક પાસબુકની ઝેરોક્ષ/રદ કરેલ ચેક, રેશનકાર્ડ તથા આધારકાર્ડની નકલ સામેલ રાખી નાયબ બાગાયત નિયામકની કચેરી જીલ્લા સેવા સદન, રૂમ નબર ૯ થી ૧૨, બીજો માળ, ગોધરા જી; પંચમહાલ ખાતે રૂબરૂ અથવા ટપાલ મારફત મોકલી આપવા જણાવવામાં આવ્યું છે. ઉકત અરજી કચેરીમાં મળ્યા બાદ જ અરજી અંતર્ગત આગળની ઘટતી કાર્યવાહી કરવામાં આવશે.
આ તાલીમમાં ભાગ લેનાર મહિલાઓને વિવિધ ફળ અને શાકભાજીમાંથી બનતી વિવિધ બનાવટો જેવી કે જામ, જેલી, કેચપ, શરબતો, માર્મલેન્ડ, નેક્ટર, અથાણાં, મુરબ્બા, કેન્ડી વગેરે જેવી બનાવટોની થીયરી અને પ્રેક્ટીકલ સાથેની તાલીમ આપવામાં આવશે.
આ તાલીમનો સમયગાળો બે થી પાંચ દિવસનો રહેશે. ઉક્ત તાલીમ લેનાર તાલીમાર્થીઓને પ્રતિ દિન રૂ.૨૫૦/- લેખે વૃત્તિકા (સ્ટાઇપેન્ડ) આપવાની જોગવાઈ પણ કરેલ છે તેમ
નાયબ બાગાયત નિયામક ગોધરાએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
* ૩૧મી મે ૨૦૨૩ સુધીમાં આઇ-ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકાશે, મહિલાઓ માટે બાગાયત ખાતા દ્વારા તાલીમ કાર્યક્રમ પણ યોજાશે