Gujarat
વડોદરા શહેર જિલ્લામાં યોજાયેલ નેશનલ લોક અદાલતમાં ૩૮,૮૭૬ કેસોનો ઉકેલ
લોક અદાલતમાં સમાધાનથી રૂ.૧૦૦.૬૮ કરોડની રકમનું સેટલમેન્ટ કરવામાં આવ્યું
વડોદરા જિલ્લા કાનૂની સેવા સતા મંડળ દ્વારા નેશનલ લીગલ સર્વિસિસ ઓથોરીટીના નેજા હેઠળ ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસિસ ઓથોરીટીના માર્ગદર્શન હેઠળ તેમજ વડોદરાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિકટ જજ અને ડિસ્ટ્રિકટ લીગલ સર્વિસ ઓથોરિટીના ચેરમેન જે. એલ. ઓડેદરાની અઘ્યક્ષતામાં આ વર્ષની ત્રીજી મેગા નેશનલ લોક અદાલતનું શનિવારે યોજાઈ હતી.વડોદરા શહેર જિલ્લાની કોર્ટમાં યોજાયેલ નેશનલ લોક અદાલતમાં ૩૮,૮૭૬ કેસોનો સુખદ ઉકેલ કરવામાં આવ્યો છે.એટલું જ નહીં લોક અદાલતમાં સમાધાનથી રૂ.૧૦૦,૬૮,૪૫,૫૦૪/- રકમનું સેટલમેન્ટ કરવામાં આવ્યું હોવાનું વડોદરા જિલ્લા કાનુની સેવા સતા મંડળના સેક્રેટરી વિશાલ ગઢવીએ જણાવ્યું છે.
આ લોક અદાલતમાં કુલ ૪૧,૪૮૭ કેસો મુકવામાં આવ્યા હતા. જેમાંથી મોટર અકસ્માતના કુલ ૧૩૫ કેસો, એન.આઈ. એટકના કુલ ૨૯૨૫ કેસો મળી સમાધાન લાયક કુલ ૩૭૬૨ કેસોમાં સમાધાન થયું છે. ૩૫,૧૧૪ કેસ સ્પેશીયલ સીટીંગ સહિત વડોદરા જિલ્લાના પેન્ડીંગ કેસોમાંથી કુલ ૩૮,૮૭૬ કેસોનો ઉકેલ કરવામાં આવ્યો છે. હજુ સુધી કોર્ટમાં નથી આવ્યા તેવા પ્રિલીટીગેશનના કેસો જેવા બેન્કોના બાકી લેણાં, ગેસ બીલ, બીલ ચુકવણીના તથા ટ્રાફીક ચલણના કેસો મળી કુલ ૧૯,૭૯૨ કેસમાં સમાધાનથી પૂર્ણ કરવામાં આવ્યા છે. લોક અદાલતની જાગૃતતાથી ટ્રાફીક નિયમ ભંગના બાકી નીકળતા કુલ ૧૭,૧૮૩ ચલણની રકમ ભરપાઈ થઈ છે.
આ લોક અદાલતમાં ચીફ જયુડીશીયલ મેજિસ્ટ્રેટ, વડોદરાની કોર્ટમાં ૧૪ વર્ષ જુના પારિવારિક મિલકતના વિભાજનના સીવીલ દાવા અને સાવલી ખાતે પ્રિન્સીપાલ સીવીલ કોર્ટમાં ૧૮ વર્ષ જુના વિવાદના ત્રણ સીવીલ દાવામાં સમાધાન થયું છે.