Gujarat
વડોદરા શહેરમાં UAV (માનવરહિત હવાઈ વાહન)ના ઉપયોગ સંદર્ભે નિયંત્રણો જાહેર
ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ અન્વયે વડોદરા શહેર પોલીસ કમિશનરે હુકમ બહાર પાડ્યો છે. વડોદરા શહેરમાં વાઇટલ ઇન્સ્ટોલેશન, આર્મી કેન્ટોનમેન્ટ, એરપોર્ટ, વીવીઆઇપી-વીઆઇપી રહેઠાણ તેમજ કચેરીઓ સહિતની જગ્યાઓ પર સુરક્ષા કરવામાં આવે છે. રિમોટ કંટ્રોલ સંચાલિત કેમેરા લગાડવામાં આવેલ ડ્રોન અથવા એરિયલ મિસાઇલ, હેલિકોપ્ટર, પેરાગ્લાઇડર જેવા સંસાધનોથી દેશ વિરોધી સંગઠનો, આંતકવાદીઓ અને ભાંગફોડીયા તત્વો ગેરલાભ લઇ શહેરની સુરક્ષાને હાનિ પહોંચાડી શકે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી. આ પ્રકારના સંશાધનોથી શહેરમાં આંતક ફેલાવી સુલેહ, શાંતિ તથા કાયદો અને વ્યવસ્થા જોખમાઇ તથા લોકોના જાન-માલને નુકસાન કરે તેવી શક્યતા રહે છે. જેથી શહેર પોલીસ કમિશનરશ્રીએ એક જાહેરનામું બહાર પાડીને પોતાના અંગત વ્યવસાય માટે UAV ઉપર નિયંત્રણો મૂક્યા છે અને પ્રતિબંધિત કૃત્યો જાહેર કર્યા છે.
રિમોટ કંટ્રોલ સંચાલિત કેમેરા લગાડેલા ડ્રોન અથવા એરિયલ મિસાઈલ, હેલિકોપ્ટર, રીમોટ કંટ્રોલ, માઈક્રોલાઈટ એરક્રાફ્ટ કે પેરાગ્લાઈડર ચલાવનાર સંચાલકો કે માલિકે આ UAV ની સંપૂર્ણ વિગતો સાથે DGCA ની DIGISKY એપ ઉપર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને નોંધણી કર્યા અંગેની માહિતી જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનમાં આપવાની રહેશે. અને એરપોર્ટ, આર્મી કેન્ટોનમેન્ટ, IOCL, RPCL ના ત્રણ કિલોમીટરના પરીઘમાં તેમજ વાઈટલ ઈન્સ્ટોલેશનના બે કિલોમીટરના પરીઘમાં આવેલ જમીન ઉપરના ગ્રાઉન્ડ સ્ટેશનના ફીક્ષ્ડ પ્લેટફોર્મના વિસ્તારમાં UAV માટે ”નો ફ્લાય ઝોન” જાહેર કરૂ છું.
વડોદરા શહેરના રેડ ઝોન અને યેલો ઝોન મળી કુલ-૮૧ ઝોનના વિસ્તારોને રીમોટલી પાઈલોટેડ એરક્રાફ્ટ સિસ્ટમ ડ્રોન-UAV ઉડાડવા અંગે પ્રતિબંધિત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં કોઈપણ સમયે ડ્રોન-UAV ઉડાડવા માટે લાગતા વળગતા અરજદાર/ઓપરેટરે૫૫૫ સંબંધિત કચેરી, વિભાગ તથા DGCA ની વેબસાઈટ ઉપર અપલોડ કરેલી વિગતે પરવાનગી લઈ ડ્રોન-UAV ઉડાડવાની કાર્યવાહી કરવાની રહેશે. તેમજ ડ્રોન-UAV નો ઉપયોગ કરતા૫ પહેલા ૨૪ કલાક અગાઉ જે વિસ્તારમાં ઉપયોગ કરવાનો હોય તે વિસ્તારના પોલીસ સ્ટેશનના થાણા ઈન્ચાર્જને જાણ કરવાની રહેશે.
આ હુકમનો અમલ તા.૨૨/૦૨/૨૦૨૪ સુધી વડોદરા શહેર પોલીસ કમિશનરની હકુમત હેઠળના સમગ્ર વિસ્તારમાં કરવાનો રહેશે. હુકમનો ભંગ કરનાર સામે ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાપાત્ર ઠરશે. સુરક્ષા એજન્સીના રીમોટ કંટ્રોલ માઈક્રો લાઈટ એરક્રાફ્ટને આ જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવી છે.