Vadodara
વડોદરાની ૧૨૦ સરકારી શાળાઓમાં નિસ્વાર્થ ભાવે સાચા અર્થમાં શિક્ષણ સેવા આપતા નિવૃત પ્રાચાર્ય ડૉ. ગોપાલભાઇ શર્મા
વડોદરાને વ્યસનમુક્ત કરવા માટે ૨૦૧૯ થી હંમેશા તત્પર રહેતા ગોપાલભાઈ શર્મા
સમાજને નિર્વ્યસની બનાવવા લોકોએ પણ આંતરિક પહેલ કરવી જોઇએ-ગોપાલભાઈ શર્મા
વડોદરામાં સ્થાયી થયેલા તેમજ મૂળ દાહોદના વતની એવા નિવૃત પ્રોફેસર ગોપાલભાઈ શર્મા પોતે અત્યારે ૬૫ વર્ષના હોવા છતાં વડોદરા શહેરની વડોદરા કોર્પોરેશન સંચાલિત ૧૨૦ જેટલી શાળાઓમાં જઈને વિદ્યાર્થીઓને વ્યસનથી થતી જીવલેણ અસરોથી વાકેફ કરાવે છે.
વર્ષ ૨૦૧૩-૧૪ થી એકલા હાથે વડોદરાને વ્યસનમુક્ત કરવાની ઝુંબેશ ચલાવનાર નરેન્દ્રભાઈ ગાંધી અત્યારે ૮૦ વર્ષની ઉંમરે પણ શારીરિક રીતે સંપૂર્ણ સ્વસ્થ છે. નરેન્દ્રભાઈ ગાંધી પોતે અગાઉ ગોરજ કેન્સર હોસ્પિટલ ખાતે કેન્સરના દર્દીઓ માટે કાઉન્સિલર તરીકે સેવા આપતા હતા. તેઓ આગ્રહ રાખે છે કે વ્યસન આપણને મૃત્યુ તરફ જલ્દી ખેંચી જાય છે તેથી જેમ બને એમ જલ્દી સમાજમાં જો માતાપિતા જ વ્યસન છોડી દે તો આવનાર પેઢી પણ વ્યસનમુક્ત રહેશે પરંતુ શરૂઆત પોતાનાથી જ કરવી મહત્વની છે.
વર્ષ ૨૦૧૯ થી ગોપાલભાઈ શર્મા નિવૃત થઈને પોતાના દીકરા અભિષેક કે જેઓ ડૉક્ટર તરીકેની સેવા આપે છે તેમને ત્યાં વડોદરા ખાતે કાયમી સ્થાયી થતાં થોડા સમય જતાં એમનો સંપર્ક નરેન્દ્રભાઈ ગાંધી સાથે થયો અને તેઓ પણ આ ઝુંબેશમાં જોડાયા. ગોપાલભાઈ શર્માએ પોતે પોતાના સેવા કાળ દરમ્યાન અનેક કોલેજોમાં પ્રોફેસર અને પ્રિન્સિપાલ તરીકેની તેમજ એન. સી. સી. ઓફિસર અને કમાન્ડર તરીકે પણ સેવા આપી છે.
વ્યસનમુક્તિની ઝુંબેશ એમણે ૨૦૧૯ થી નરેન્દ્રભાઈ ગાંધીના ચિતરેલા માર્ગે ચાલુ કરી હતી. તેઓ બન્ને મળીને વડોદરા કોર્પોરેશનની ૧૨૦ શાળાઓમાં જઈને એક પિરિયડ જેટલો સમય વ્યસનથી થતી જીવલેણ અસરો વિશેની માહિતી આપે છે. તેઓ મોટેભાગે ધોરણ ૬થી ૮ ના વિદ્યાર્થીઓની પસંદગી વધુ કરે છે. તેઓનું કહેવું છે કે, આ ધોરણના વિદ્યાર્થીઓ આ બાબત સમજવા અને પોતાના માતાપિતાને સમજાવવા માટે યોગ્ય હોય છે.
વ્યસનની દુનિયાનો રસ્તો જ તમાકુથી થતો હોય છે જે ધીમે ધીમે પુરા શરીરને પોતાના વશમાં કરી લે છે પછી વ્યક્તિ એનાથી છુટકારો મેળવવા મથે તો એને પોતાને પણ ઘણી તકલીફ થતી હોય છે. તમાકુથી ફકત મોઢાનું જ કેન્સર થાય એવું નથી પરંતુ તમાકુનું સેવન કરનાર દરેક વ્યક્તિને અનેકો બીમારી થઇ શકે છે, જેમકે, શ્વરપેટી, અન્ન્નળી, પેશાબની નળી, કિડની, ગર્ભાશય, બ્લડ પ્રેશરનું વધવું ઘટવું, મગજ સુધી લોહીનું ભ્રમણ ન થવું, પગની આંગળીઓ ખવાઈ જવી, ટીબી, ફેફસા, અસ્થમા તેમજ નસોનું પાતળા થવું જેવી અનેકો બીમારીઓ ૯૯ ટકા સંભવિત છે, તેમ બીડી કે સિગારેટના ધુમાડાથી અન્ય વ્યક્તિ કે જે તમાકુનો બંધાણી જ નથી તેના શ્વાસ દ્વારા પણ જયારે આ ધુમાડો એનામાં પ્રવેશે ત્યારે એ વ્યક્તિને પણ કેન્સર થવાની પુરેપુરી શક્યતા છે, આથી તમાકુ એ એના વ્યસની અને સાથે અન્યનું જીવન પણ બરબાદ કરવા પૂરતું છે.
અંગ્રેજી, હિન્દી કે ગુજરાતી માધ્યમની વી.એમ. સી. ની તમામ શાળાઓમાંથી ૧૧૫ જેટલી શાળાઓની મુલાકાત તેઓ લઈ ચુક્યા છે. વિદ્યાર્થીઓને વાર્તાલાપ, ચર્ચા-વિચારણા તેમજ પોસ્ટર દ્વારા તમાકુના વ્યસનથી થતી ગંભીર અને દર્દનાક બીમારીઓથી વાકેફ કરવામાં આવે છે અને જો તેઓના માતાપિતા જો આવું વ્યસન કરતાં હોય તો આ બાળકોને ઘરે ગયા પછી તેઓના માતાપિતાને આ અંગે સમજાવવાનું હોય છે.
બાળકો તરફથી સારો પ્રતિસાદ મળે છે. તેમના માતાપિતા મુખ્યત્વે મજૂરી કરતાં હોવાથી તેઓમાં આ પ્રકારનું વ્યસન વધુ જોવા મળે છે, તેથી આ વિદ્યાર્થીઓને મુખ્યત્વે દારૂ-તમાકુના સેવનથી થતા જીવલેણ રોગોની માહિતી પોસ્ટરના માધ્યમથી અને ઉદાહરણ રજૂ કરીને સમજાવવામાં આવે છે એમ ગોપાલભાઈ શર્માએ વિગતે જણાવ્યું હતું.
આ કાર્ય કરવા માટે અમે વડોદરા શિક્ષણ સમિતિ દ્વારા લેખિતમાં પરમિશન આપવામાં આવી હતી જેના કારણે જ આ ઉમદા કાર્ય અમે કરી રહ્યા છીએ. ઉપરાંત દરેક શાળાઓના આચાર્ય તેમજ સ્ટાફે અમને જોઈતો સહકાર આપ્યો છે જે અમને આ કાર્ય કરવા પ્રેરણા આપે છે. આ કાર્ય અમે માનવતાના ધોરણે, સ્વખર્ચે તેમજ નિસ્વાર્થ ભાવે કરીએ છીએ જેનો મુખ્ય હેતુ આવનાર પેઢીનું ભવિષ્ય તમાકુની પડીકીઓમાં બંધ ના થાય એ જ રહ્યો છે. આપણે જ્યારે કોઈ સારી ખાણી પીણીની વસ્તુ લેવા જઈએ ત્યારે એની એક્સપાયરી ડેટ ચેક કરવાનો આગ્રહ કરીએ તો જ્યારે શાકભાજી કે ફ્રૂટ્સ ખરીદીએ ત્યારે એને ચારેબાજુથી ફેરવી તોલીને લઈએ તો પછી આ તમાકુ-બીડીના પેકેટ પર તો ચોખ્ખું લખેલું અને જાણકારી આપેલી જ હોય છે કે આ વસ્તુ જાનલેવા છે તો પછી એ બાબત મહત્વની હોવા છતાં કેમ આપણે આટલું બધું ઇગ્નોર કરીએ છીએ…! આપણા સમાજને નિર્વ્યસની બનાવવા દરેકે આંતરિક પહેલ કરવી જોઇએ એમ વધુમાં ગોપાલભાઈ શર્માએ જણાવ્યું હતું.