Gujarat
જોખમી રમત: પતરાનો ડબ્બો મૂકીને સૂતળી બોમ્બ ફોડ્યો પતરુ ઉડીને વાગતા 10 વર્ષના બાળકનું મોત
* ખંભાતના વટાદરામાં દિવાળી પૂર્વે ઘટના બનતા પરિવારજનોમાં ગમગીની છવાઈ
દિવાળી પૂર્વે ફટાકડા અને બોમ્બ ફોડતા બાળકો અને વાલીઓને સાવધાન કરતી દુઃખદ ઘટના સામે આવી છે.ખંભાતના વટાદરા ગામે સોમવારે સાંજે 10 વર્ષીય બાળક સૂતળી બોમ્બ ઉપર મસાલાનો પતરાનો ડબ્બો મૂકી ફોડતો હતો. તે સમયે અચાનક બોમ્બ ફૂટી જતાં પતરાનો ડબ્બો જાંઘના ભાગે ધડાકાભેર વાગી જતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેને ખંભાતની જનરલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પરિવારમાં દિવાળી પૂર્વે ભારે ગમગીની છવાઈ ગઈ છે.
આ અંગેની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ખંભાતના વટાદરા ગામે સ્વામી નારાયણ મંદિર પાસેના ટેકરી વિસ્તારમાં રહેતા અલ્પેશભાઈ ઠાકોરનો 10 વર્ષીય પુત્ર નિર્મલ સોમવારે સાંજે છ વાગ્યાની આસપાસ પોતાના મિત્ર સાથે નજીક પડતર જમીનમાં ફટાકડા ફોડતા હતા. જે દરમિયાન નિર્મલે સુતળી બોમ્બને સળગાવ્યા બાદ તેના પર મસાલાના પતરાંનો ડબ્બો ઢાંક્યો હતો. જેથી તુરંત જ સૂતળી બોમ્બ ધડાકાભેર ફૂટતા પતરાનો ડબ્બો ફાટી ગયો હતો અને નજીકમાં ઉભેલા બાળકના જાંઘના ભાગે ઘુસી ગયો હતો. લોહી લુહાણ હાલતમાં તે ત્યાં જ ઢળી પડ્યો હતો. આ બાબતે જાણ થતાં પરિવાર સહિત ગ્રામજનો ઘટના સ્થળે દોડી ગયા હતા. ત્યારબાદ તેને ખંભાતની જનરલ હોસ્પિટલ ખસેડ્યો હતો.જ્યાં ફરજ પરના તબીબે તપાસ કર્યા બાદ મૃત જાહેર કર્યો હતો.દિવાળી પૂર્વે જ બાળકના મોતને પગલે ગામમાં ગમગીની છવાઈ ગઈ છે.
નોંધનીય છે કે, આ ઘટનામાં પરિવારે બાળકના મૃતદેહને પી.એમ ન કરવા અંગે પોલીસ મથકે એફિડેવિટ રજૂ કરી છે તેવી માહિતી મળી છે. મંગળવારે સવારે બાળકની અંતિમવિધિ કરી દેવાઈ છે. દિવાળી પૂર્વે જ દરજી કામ કરીને ગુજરાન ચલાવતા અલ્પેશભાઈ ઠાકોરના પરિવારે એકનો એક પુત્ર, જ્યારે 7 વર્ષીય નાનકડી બહેને પોતાનો ભાઈ ગુમાવી દેતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી.
મોતનું કારણ : જાંઘની મુખ્ય નસ ફાટી જતાં કાર્ડિઆક એરેસ્ટ આવ્યો
ખંભાત જનરલ હોસ્પિટલના મહિલા તબીબ ડો. ઝૈબાએ આ કરૂણ ઘટના અંગે વાત કરતા જણાવ્યું હતું કે, દર્દીના સગા જ્યારે હોસ્પિટલ લાવ્યા ત્યારે તેને શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. પરંતુ તેના મૃત્યુનું ચોક્કસ કારણ એ જ હતું કે પતરૂં જે ઉડીને તેના જાંઘના ભાગે વાગ્યું હતું તેમાં તેની મુખ્ય નસ જેને તબીબી ભાષામાં સ્મીરોલ આર્ટી કહેવાઈ છે તે જ કપાઈ ગઈ હતી. જેને પગલે લોહી બંધ થતું નહોતું. જેને પગલે તેને કાર્ડિઆક એરેસ્ટ આવ્યો હતો. અને તે તેનું મૃત્યુનું કારણ બની હતી.
તકેદારી : બાળકોએ પરિવારજનોની હાજરીમાં ફટાકડા ફોડવા જોઈએ
આણંદના ફાયરબ્રિગેડ ઓફિસર ધર્મેશ ગોરે જણાવ્યું હતું કે, દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે બાળકો જ્યારે ફટાકડા ફોડતા હોય ત્યારે મોટાઓએ ખાસ હાજરી આપવી જોઈએ. તેમની નજર હેઠળ જ ફટાકડા ફોડવા જોઈએ અને કોઈ પણ પ્રકારના અખતરા ન કરવા જોઈએ. જેમાં ખાસ તો કોઈ પણ વસ્તુની નીચે રાખીને બોમ્બ ન ફોડવા, હાથમાં હવાઈ રાખીને ન ફોડવી, રસ્તામાં દારૂખાનું ન ફોડવું તેમજ ખુલ્લામાં દારૂખાનું ફોડવું અને તે બાબતે તમામ તકેદારી રાખવી જોઈએ..