Chhota Udepur
કવાંટમાં લૂંટ વિથ મર્ડર, ૭૦ વર્ષીય વૃદ્ધ દંપતીને તીક્ષ્ણ હથિયારના ઘા મારી કરી હત્યા
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પિપલદા ગામે લૂંટ વિથ ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. જેમાં લૂંટારાઓ લૂંટ કરવા માટે વૃદ્ધ દંપતીની અત્યંત ક્રૂરતાપૂર્વક હત્યા કરીને લૂંટ કરીને ભાગી ગયા હોવાનું જાણવા મળ્યું છે. લૂંટારાઓએ પહેલા વૃદ્ધને ગળામાં તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યાં હતાં. અને વૃદ્ધા મહિલાના પગ કાપીને તેમના પગમાં પહેરેલાં કડાં લૂંટીને ભાગી ગયા હતા.
છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા બે દિવસમાં ત્રણ હત્યાના ગુના નોંધાયા છે. જેમાં એક ઉચાપાણ ખાતે પ્રેમીની હત્યા પ્રેમિકાના પિતાએ કરી હતી. સંખેડા ખાતે પુત્રએ પિતા પૈસા વાપરવા ન આપતા કોદાળી વડે ઘા કરી હત્યા કરી નાખી હતી અને ત્રીજી ઘટના કવાંટ તાલુકાના પિપલદા ખાતે થઈ છે.
વૃદ્ધ દંપતીની હત્યા કરી કડાં લૂંટીને લૂંટારા ભાગી ગયા પિપલદા ખાતે રહેતા ગનજીભાઈ ચીમનભાઈ (ઉં.વ.૭૦) અને તેમનાં પત્ની ચિમતીબેન રાત્રે ઘરે સૂઈ ગયાં હતાં. ત્યારે લૂંટના ઇરાદે આવેલા લૂંટારાઓએ તીક્ષ્ણ હથિયાર વડે વૃદ્ધ ગનજીભાઈને ગળાના પાછળના ભાગે ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા. ત્યાર બાદ નજીકમાં સૂઈ રહેલા ચિમતિબેનને પણ તીક્ષ્ણ હથિયાર વડે માથામાં તેમજ શરીરના અન્ય ભાગોમાં ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધાં હતાં. ચિમતિબેનના બન્ને પગ કાપીને પગમાં પહેરેલ કડાં કાઢીને લૂંટ કરીને ભાગી ગયા હતા.
આ અંગે કવાંટ પોલીસને જાણ થતાં કવાંટ પોલીસ ઘટના સ્થળે પહોંચીને મૃતક દંપતીની લાશનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે કવાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી છે. તેમજ લૂંટ વિથ ડબલ મર્ડરની ઘટના મામલે અજાણ્યા લૂંટારા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મહત્ત્વની વાત એ છે કે આ દંપતી ઘરમાં એકલું હતું અને આ વાત લૂંટારા જાણતા હોય એવું લાગી રહ્યું છે, જેથી જાણભેદુ દ્વારા જ હત્યા કરાઈ હોવાની હાલ શંકા સેવાઇ રહી છે.