Sports
રોહિત શર્માએ અફઘાનિસ્તાનને હરાવી કરી મહેન્દ્ર સિંહ ધોનીના આ રેકોર્ડની બરાબરી
ભારતે અફઘાનિસ્તાન સામેની ત્રણ મેચની ટી-20 શ્રેણી 3-0થી જીતી લીધી છે. ટીમ ઈન્ડિયાએ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સુપર ઓવરમાં અફઘાન ટીમને હરાવ્યું. રોહિત શર્માએ મેચમાં શાનદાર સદી ફટકારીને ઘણા રેકોર્ડ બનાવ્યા હતા. આ સિવાય તેણે કેપ્ટનશિપમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરી. રોહિત T20માં ભારતનો સંયુક્ત રીતે સૌથી સફળ કેપ્ટન બન્યો. તેણે પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના રેકોર્ડની બરાબરી કરી.
રોહિતની કેપ્ટન્સીમાં ભારતીય ટીમ 54મી વખત મેચ રમવા આવી હતી. તેમને 42મી જીત મળી છે. મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ પણ 42 મેચ જીતી છે. ધોનીની વાત કરીએ તો તેણે 72 મેચો સુધી ટીમની કમાન સંભાળી હતી. આ દરમિયાન ભારતે 42 મેચ જીતી હતી. બરોબરી કરવા માટે રોહિત શર્માને અફઘાન ટીમ સામેની તમામ મેચો જીતવી હતી અને એવું જ થયું. જો રોહિત ટી20 વર્લ્ડ કપમાં કેપ્ટનશીપ કરે છે તો તે ધોનીને પાછળ છોડી શકે છે.
મેચમાં શું થયું?
ભારતીય કેપ્ટન રોહિતે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં ચાર વિકેટે 212 રન બનાવ્યા હતા. જવાબમાં અફઘાનિસ્તાને પણ 20 ઓવરમાં છ વિકેટે 212 રન બનાવ્યા હતા. આ પછી મેચ સુપર ઓવરમાં પહોંચી હતી. પ્રથમ વખત ટીમ ઈન્ડિયાએ એક મેચમાં બે સુપર ઓવર રમવાની હતી.
અફઘાનિસ્તાને પ્રથમ સુપર ઓવરમાં 16 રન બનાવ્યા હતા. ભારતને 17 રન બનાવવાના હતા, પરંતુ રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ અને રિંકુ સિંહ મળીને માત્ર 16 રન બનાવી શક્યા હતા. આ પછી બીજી સુપર ઓવર થઈ. જેમાં ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરીને 11 રન બનાવ્યા હતા. આ વખતે રોહિત અને રિંકુ સિવાય સંજુ સેમસને બેટિંગ કરી હતી. અફઘાનિસ્તાનને 12 રનનો ટાર્ગેટ મળ્યો હતો. અફઘાન ટીમ માત્ર એક રન બનાવી શકી હતી. રવિ બિશ્નોઈએ બે વિકેટ લઈને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી.