Panchmahal
હાલોલ અને કાલોલ નગરપાલિકાની ચૂંટણી માટે “આપ” દ્વારા સમિક્ષા બેઠકો યોજાઇ
ગુજરાતમાં કેટલીક નગરપાલિકાની પેટા ચૂંટણી આવી રહી છે ત્યારે પંચમહાલ જિલ્લામાં પણ હાલોલ અને કાલોલમાં નગરપાલિકાની પેટા ચૂંટણી યોજાશે જેથી રાજકીય પક્ષો પોતપોતાની રીતે તૈયારી કરવામાં લાગી ગયા છે.
આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા હાલોલ અને કાલોલમાં આ નગરપાલિકાની ચૂંટણી સમિક્ષા કરવા માટે જિલ્લા, તાલુકા અને શહેરના પદાધિકારીઓ સાથે બેઠકો રાખવામાં આવી હતી. ગુજરાત પ્રદેશ નગરપાલિકા ચૂંટણી પ્રભારી ગોપાલભાઈ ઇટાલિયા, દક્ષિણ ઝોન કાર્યકારી પ્રમુખ ચૈતરભાઇ વસાવા, પ્રદેશ ઉપાધ્યક્ષ પ્રો. અર્જુનભાઈ રાઠવા ની અધ્યક્ષતામાં આ સમિક્ષા બેઠક યોજાવાની હતી પરંતુ કોઈ કારણસર આ તમામ નેતાઓ આવ્યા નહતા. તેથી પદાધિકારીઓ તથા કાર્યકરોમાં નારાજગી પણ જોવા મળી હતી.
પરંતુ દક્ષિણ ઝોન સંગઠનમંત્રી જયેશભાઇ સંગાડા તથા જિલ્લા પ્રમુખ દિનેશભાઈ બારીઆની સંયુક્ત આગેવાનીમાં હાલોલ અને કાલોલમાં સમિક્ષા બેઠકો યોજવામાં આવી હતી. હાલોલ સર્કીટ હાઉસ ખાતે મળેલી બેઠકમાં નગરપાલિકાના પ્રભારી, સહપ્રભારી, જિલ્લા ઉપ પ્રમુખ, જિલ્લા મહામંત્રી તથા હાલોલ, ઘોઘંબા, મોરવા હડફ તાલુકાના તાલુકા પ્રમુખ સહિત વિવિધ પદાધિકારીઓ હાજર રહ્યા હતા. દક્ષિણ ઝોન સંગઠનમંત્રીએ જણાવ્યું હતું કે, આપણે પુરી તાકાતથી આ ચૂંટણી લડવાની છે અને જીતવાની છે તેથી સૌને મહેનત કરવા લાગી જવાનું કહ્યું હતું.
જિલ્લા પ્રમુખ દ્વારા પણ વિસ્તૃત માર્ગદર્શન અને સંગઠનલક્ષી માહિતી આપવામાં આવી હતી. તથા જે કાર્યકરો ચૂંટણી લડવા માગતા હોય તેઓના નામની પણ નોંધણી કરી હતી. સાથે સાથે સંગઠનલક્ષી કામગીરી બાબતે ટકોર કરી હતી કે, પંચમહાલ જિલ્લાનું તાલુકા,શહેર સંગઠન પ્રદેશ કક્ષાએથી સમયસર જાહેર કરવામાં આવે તો કાર્યકરોમાં ઉત્સાહ જળવાઈ અને કામગીરીમાં ઝડપ વધે. આજ રોજ ઘોઘંબા, હાલોલ અને મોરવા હડફ તાલુકાની તાલુકા સમિતિની જાહેરાત કરવામાં આવનાર હતી પરંતુ પ્રદેશના મુખ્ય પદાધિકારીઓની ગેર હાજરીના કારણે જાહેરાત થઈ શકી નહતી તેથી પણ કાર્યકરોમાં નારાજગી જણાતી હતી.
જ્યારે કાલોલ ખાતે પણ સર્કિટ હાઉસમાં સમિક્ષા બેઠક ઝોન સંગઠનમંત્રી તથા જિલ્લા પ્રમુખ ની સંયુક્ત અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી જેમાં નગરપાલિકા ચૂંટણી પ્રભારી, સહ પ્રભારી, જિલ્લા ઉપ પ્રમુખ, જિલ્લા મહામંત્રી, પ્રદેશ માઇનોરીટી ઉપાધ્યક્ષ, પ્રદેશ કિસાન ઉપાધ્યક્ષ, જિલ્લા શ્રમિક સંગઠન પ્રમુખ, જિલ્લા કિસાન પ્રમુખ, જિલ્લા યુવા પ્રમુખ, જિલ્લા માયનોરીટી પ્રમુખ, જિલ્લા માયનોરીટી મહામંત્રી, કાલોલ તાલુકા પ્રમુખ, મોરવા હડફ તાલુકા પ્રમુખ સહિત વિવિધ પદાધિકારીઓ તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
કાલોલ નગરપાલિકાની ચૂંટણી સંદર્ભે જિલ્લા પ્રમુખ દિનેશભાઈ બારીઆએ જણાવ્યું હતું કે, કાલોલ શહેરમાં મુખ્ય સમસ્યા ટ્રાફિક સમસ્યા છે. કાલોલ શહેરમાંથી પસાર થતાં હાઇવે રસ્તા ઉપર ખુબ ટ્રાફિક સમસ્યા સર્જાય છે તેથી શહેરીજનો, દુકાનદારો, રાહદારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે તેથી જો આ જગ્યાએ ફ્લાઇ ઑવર બનાવવામાં આવે તો ભારે વાહનો અડચણરૂપ ના બને અને ટ્રાફિક સમસ્યા દુર થઇ જાય તેથી તેની રજુઆત સરકારને કરવાની વાત મુકી હતી.
કાલોલ નગરપાલિકાની ચૂંટણી બાબતે કાલોલ શહેરમાં શહેર સંગઠન તથા વોર્ડ સંગઠન બનાવવામાં આવી રહ્યું છે સાથે સાથે જે પણ કાર્યકરો આ ચૂંટણી લડવા માગતા હોય તેઓએ પોતાના બાયોડેટા સહિતનું ફોર્મ ભરી જિલ્લા પ્રમુખ પાસે જમા કરવાની પણ સૂચના આપવામાં આવી હતી. આમ આજ રોજ આમ આદમી પાર્ટી પંચમહાલ દ્વારા હાલોલ અને કાલોલ નગરપાલિકાની ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને સમય અંતરે સમિક્ષા બેઠકો થતી રહેશે તેવું જિલ્લા પ્રમુખ દિનેશભાઈ બારીઆએ જણાવ્યું હતું