Gujarat
સમુદ્ર સ્નાન સુવર્ણ સ્મૃતિ – ૨૦૨૪, માંડવીમાં જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં હર્ષોલ્લાસભેર ઉજવણી
શ્રી મુક્તજીવન સ્વામીબાપા સમુદ્ર સ્નાન સુવર્ણ સ્મૃતિ – ૨૦૨૪, માંડવીમાં આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં હર્ષોલ્લાસભેર ઉજવણી…
શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ સંતો હરિભક્તોની પ્રાર્થનાનો સ્વીકાર કરી તારીખ: ૧૬/૦૫/૧૯૭૪ ના ઐતિહાસિક અવિસ્મરણીય શુભ દિને માંડવી પધાર્યા હતા. ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપા સંતો હરિભક્તો સહિત કચ્છના દહીંસરા – ઘનશ્યામનગરથી માંડવી પધાર્યા હતા. ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપાને ૬૭ મું વર્ષ ચાલતું હતું અને યોગાનુયોગ ૬૭ ગાડી, ટ્રક વગેરે વાહનો હતાં. રસ્તામાં સર્વ વાહનોમાં કીર્તન ધૂન્ય ચાલુ જ હતા. કારણ સત્સંગનો કાફલો સાગર ભણી નદીની માફક દોડી રહ્યો હતો. આ એક ઐતિહાસિક યાત્રા હતી. માંડવી ગામમાં પસાર થઈને સર્વ જ્યાં શ્રી સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદીનું સ્થાન મીઠી કુઈ છે ત્યાં આવી પહોંચ્યા, ત્યાં આવીને ગાડીઓમાંથી સર્વ ઊતર્યા.
સંતોએ સ્વામીબાપા માટે એક પાલખી શણગારીને તૈયાર કરી. તેમાં સ્વામીબાપા વિરાજમાન થયા અને સર્વે સંતો તથા હરિભકતો સમુદ્રમાં સ્નાન કરવા માટેનો જોઈતો સામાન લઈને કીર્તન ભક્તિ કરતા આગળ ચાલ્યા. સર્વે સમુદ્રના પાણીની નજીક જ્યાં ભીની રેતી હતી ત્યાં વિશાળ સભામાં ગોઠવાઈ ગયા. દરિયાની મીઠી લહેરો સર્વને પ્રફુલ્લિત કરતી હતો. સમુદ્ર આનંદ ઊર્મિ સાથે પોતાના મોજાં ઉછાળી સ્વામીબાપાના ચરણકમળ પખાળવા અધીરો બની રહ્યો હતો. વાતાવરણ પણ શાંત શીતળ હતું. આજથી બરાબર પ૦ વર્ષ પૂર્વે ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ આશીર્વાદ આપતાં જણાવ્યું હતું કે, આજે આપણે તીર્થ સ્નાન કરવા માટે આવ્યા છીએ. ગંગા વગેરે બધી નદીઓના તીર્થ સમુદ્રને વિષે આવી જાય છે. માટે અહિં સ્નાન કરવા બધાંજ તીર્થો આવી જાય. સૌ મૂર્તિનું અનુસંધાન રાખીને સ્નાન કરજો.
કોઈ ભગવાનને ભૂલીને સ્નાન કરશો નહીં, ભર્યા થઈને સ્નાન કરશો. ભગવાન આપણી ભેળા છે એવો દિવ્યભાવ રાખી સ્નાન કરો. ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ શ્રી હરિકૃષ્ણ મહારાજને પંચામૃતથી સ્નાન કરાવ્યું. સૌએ જયનાદો કર્યા અને તાળીઓના ગડગડાટથી સમુદ્રની ગર્જના ઝાંખી થઈ ગઈ. ત્યારપછી સૌ સંતોએ સાથે મળી શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપાને પંચામૃતથી સ્નાન કરાવ્યું અને માંડવીના દરિયાને પાવનતા બક્ષી તીર્થ સ્થાન બનાવ્યું.
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજે ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ માંડવીમાં શ્રી હરિકૃષ્ણ મહારાજને પંચામૃત અભિષેક કરાવ્યો હતો તેને ચાલુ સાલે ૫૦ વર્ષ પૂર્ણ થાય છે તે સ્મૃતિ તાજી થાય તે માટે “શ્રી મુક્તજીવન સ્વામીબાપા સમુદ્ર સ્નાન સુવર્ણ સ્મૃતિ – ૨૦૨૪”નું આયોજન કરી આપ્યું છે.પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજની નિશ્રામાં ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપાને પાલખીમાં બિરાજમાન કરી સંતો હરિભક્તોના સમૂહ સહિત વાજતેગાજતે સભામંડપમાં પધાર્યા હતા.
પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજે ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપાનું પૂજન, અર્ચન કરી મહિમાગાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપાના દિવ્ય આશીર્વાદ સંભાળ્યામાં આવ્યા હતા. પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીજી મહારાજના વરદ હસ્તે રમતોત્સવમાં વિજેતા ટીમને ઈનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીજી મહારાજના આશીર્વાદ, સંધ્યા આરતી, સમૂહ આરતી વગેરે આધ્યાત્મિક સભર કાર્યક્રમો યોજાયા હતા.
ત્યારબાદ પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજે ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપાને શુધ્ધ જળ, કેશર સ્નાન, દૂધ, દહીં, સર્કરા, મધ વિગેરેથી પંચામૃત સ્નાન કરાવ્યું હતું. ત્યારબાદ સર્વોએ ભગવાનની સ્મૃતિ સહિત મહાપ્રસાદ ગ્રાહણ કર્યો હતો. આ દિવ્ય અણમોલ દર્શનનો લ્હાવો દેશ વિદેશના હરિભક્તોએ હર્ષોલ્લાસભેર લીધો હતો.
સં. શિ. ગુરુપ્રિયદાસજી સ્વામી