Chhota Udepur
છોટાઉદેપુરમાં ઘેલવાટ ગ્રામ પંચાયતથી સંકલ્પ રથ યાત્રાની શરૂઆત કરવામાં આવશે
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
રાજયના છેવાડાના માનવી સુધી રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની પાત્રતા ધરાવતા તથા નબળા વર્ગના લાભાર્થીઓને લાભ મળી રહે તે માટે રાજય સરકાર દ્વારા પ્રજા કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ નાગરીકો સુધી પહોંચાડવા અને જાગૃતિ ફેલાવવા રાજયના અનુસૂચિત આદિજાતિ વિસ્તારમાં જનજાતિય ગૌરવ દિનથી એટલેકે તા.૧૫ નવેમ્બરથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાની શરૂઆત છોટાઉદેપુરના ઘેલવાંટથી થઈ રહી છે. અન્ય જિલ્લાઓમાં નવેમ્બર-૨૦૨૩ના તૃતિય સપ્તાહથી એટલેકે ૨૨ નવેમ્બરથી વિકસીત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંકલ્પ રથ આપણા જીલ્લામાં ૨ મહિના સુધી ભ્રમણ કરવાનો છે. આ માટે કેન્દ્ર સરકારના કોલ મંત્રાલયના સયુંકત સચિવ ભબાની પ્રસાદ પાતીને ત્રણ જીલ્લાનો પ્રભારી તરીકેનો ચાર્જ સોપવામાં આવ્યો છે આ માટે તેઓ ખાસ દિલ્હીથી દાહોદ, છોટાઉદેપુર અને નર્મદા જીલ્લાના પ્રવાસે આવેલા છે. ભબાની પ્રસાદના અધ્યક્ષસ્થાને સેવા સદનમાં એક રીવ્યુ મિંટીંગ મળી હતી.
છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી સચિવ દ્રારા દરેક ડીપાર્ટમેન્ટની થયેલી કામગીરીની સમિક્ષા કરી રિવ્યુ લઈ જરૂરી માર્ગદર્શન આપી રચનાત્મક સૂચનો આપ્યા હતા. ઉપસ્થિત લાઈઝનીંગ અધિકારીઓને ઇનોવેટીવ આઈડિયા પર કામ કરવા સૂચનો આપ્યા હતા.
આ અભિયાનમાં ૧૭ યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યોજનાઓના શહેરી તથા ગ્રામીણ વિસ્તારમાં નિદર્શન, પ્રદર્શન, પ્રચાર-પ્રસાર અને અન્ય આનુષાંગિક કામગીરી કરવામાં આવશે. જયારે ગ્રામીણ કક્ષાએ રથના ભ્રમણ દરમિયાન વડાપ્રધાનનો સંદેશ તથા સંકલ્પ વિડિયો પ્રસારિત કરાશે. વિકસિત યાત્રા અન્વયે પ્રારંભિક મુવીનું પ્રસારણ, સાંસ્કૃતિક પ્રદર્શન, સ્થળ પર યોજનાકીય ક્વિઝ અને એવોર્ડ વિતરણ, લાભાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ, સફળ મહિલાઓ તેમજ સ્થાનિક રમતવીરનું સન્માન, ગ્રામ પંચાયતની સિધ્ધિઓ – લેન્ડ રેકોર્ડનું ૧૦૦ ટકા ડીઝીટાઇઝેશન, ઓડીએફ સ્ટેટસ, જલ જીવન મિશનના લાભ, પ્રાકૃતિક ખેતી સફળતાપૂર્વક કરનાર ખેડૂતો સાથે વાર્તાલાપ, સોઇલ હેલ્થ કાર્ડની કામગીરી વગેરે કરવામાં આવશે. આ સાથે ગ્રામ પંચાયત દ્વારા ગ્રામયાત્રા, ગ્રામસભાનું આયોજન, જનભાગીદારી સાથે સ્વચ્છતાના કાર્યક્રમ, શાળા-કોલેજો ખાતે સ્પર્ધાનું આયોજન, સ્થળ ઉપર યોજનાઓના લાભ આપવા કેમ્પનું આયોજન કરવામાં આવનાર છે ત્યારે દરેક ડીપાર્ટમેન્ટના લાઈઝનીંગ અધિકારીઓની થઈ રેહલી કામગીરીની સમિક્ષા બેઠક યોજાઈ હતી. આ માટે જીલ્લા કક્ષાનો કંટ્રોલ રૂમ જીલ્લા સેવા સદન ખાતે શરુ કરવામાં આવશે. આ રથનો રૂટ, અલગ અલગ જવાબદારીઓની ફાળવણી, કાર્યક્રમની વિગતો તૈયાર કરી લેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો મુખ્ય હેતુ યોજનાઓનો લાભ મળવાપાત્ર હોય તેવા તમામ લાભાર્થી સુધી પહોંચીને યોજનાઓનો લાભ આપવો, પ્રચાર-પ્રસાર દ્વારા રાજ્યની સર્વે યોજનાઓની માહિતી તમામ લોકો સુધી પહોંચાડવી, યાત્રા દરમિયાન લાભ મળવાપાત્ર હોય એવા લાભાર્થીઓની નોંધણી કરવી, વિવિધ યોજનાકીય કામગીરીના યોગ્ય પ્રચાર – પ્રસાર થકી રાજયની જનતાની સામાજિક અને આર્થિક પ્રગતિને ઉજાગર કરવી તેમજ કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત સહાય વિતરણનો છે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહ, પ્રાયોજના વહીવટદાર, નિવાસી અધિક કલેક્ટર, પ્રાંત અધિકારીઓ સહિત જિલ્લાના લાઈઝનીંગ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.