Chhota Udepur
છોટાઉદેપુર જીલ્લામાં ક્ષય કેન્દ્ર દ્વારા ટીબી રોગને જડમૂળમાંથી દુર કરવા કલેકટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક કરવામાં આવી.

પ્રતિનિધિ, કાજર બારીયા
છોટાઉદેપુર, તા.૦૯
જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય ક્ષય નિવારણ અભિયાનને અનુલક્ષીને છોટાઉદેપુર કલેકટર સુશ્રી સ્તુતિ ચારણના અધ્યક્ષ સ્થાને સ્વાથ્ય વિભાગના જીલ્લા ક્ષય કેન્દ્રના અધિકારીઓ, ડીડીઓ ગંગાસિંહ, અન્ય ડોક્ટરો, મહત્વની સેવાભાવી સંસ્થાઓના પ્રતિનિધિઓ અને વિવિધ કર્મચારીઓની બનેલી કમિટીની એક ફોરમ મીટીંગ આજે કલેકટર કચેરીમાં યોજવામાં આવી હતી. જેમાં કલેકટર અને ડીડીઓ સહીત સી.ડી.એચ.ઓ ડો.સી.બી ચોબીસા, આર.સી.એચ.ઓ ડો. એમ.ટી છારી, ડી.ટી.ઓ ડો.બીએમ ચૌહાણ, સી.ડી.એમ.ઓ ડો. યોગેશ પરમાર, ટી.એચ.ઓ ડો.મોહન રાઠવા, એમ.યુ.ડી.ટી.સી ડો.કુલદીપ શર્મા, ડી.પી.સી કુલદીપસિંહ ગોહિલ તેમજ દીપક ફાઉન્ડેશન, શ્રીરંગ સેવા તીર્થ ફાઉન્ડેશન, ચારભુજા સેવા ટ્રસ્ટ, ધોળકિયા સેવા ટ્રસ્ટ, અપેક્ષા ટ્રસ્ટના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. ક્ષય કેન્દ્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પ્રધાનમંત્રીના ટીબી મુક્ત ભારત અભિયાન-૨૦૧૮ના આભિયનને વેગ આપવા માટે કેટલાક સ્ટેપ્સ લેવા જરૂરી છે.
ભારતમાં ફક્ત એક વર્ષમાં ૪.૫ લાખ જેટલા મૃત્યુ ફક્ત ટીબીને લીધે થાય છે. કલેકટરે જણાવ્યું હતુકે એસ.ડી.જીના ૨૦૩૦ સુધીમાં ટીબીના રોગને વૈશ્વિક ધોરણે ૯૦% સુધી ઘટાડવાનો લક્ષ્યાંક છે જેની સામે આપણા દેશે ૨૦૨૫ સુધીમાં જ આ લક્ષયાંક હાસિંલ કરવાનું બીડું ઝડપેલું છે. ટીબીને નાથવા માટે ૪ સ્ટેપ્સની વ્યૂહરચના પ્રમાણે અનુસરવું પડશે. જે ડિટેકટ, ટ્રીટ, બીલ્ડ એન્ડ પ્રીવેન્ટના સિદ્ધાંત મુજબ કાર્ય કરે છે. ૨૦૨૨ના વર્ષમાં છોટાઉદેપુર જીલ્લામાં પ્રાઈવેટ અને સરકારી બંને કક્ષાએ થઈને ટીબીની સારવારમાં ૮૯-૯૦ ટકા જેટલી સફળતા મળી છે. જયારે ગત વર્ષ પ્રિવેન્ટીવ થેરાપી ટોટલ ૫૦૫ પેશન્ટને આપવામાં આવી હતી. ગુજરાત સરકારના સ્વાથ્ય વિભાગના પ્રચાર પ્રસારને લીધે અલીરાજપુર, ઇન્દોર, અને રતલામ સુધીના પટ્ટામાંથી લોકો સારવાર લેવા અહી આવતા હોય છે.
આપણા જીલ્લામાં ટીબીને લીધે મૃત્યુ આંકનો દર ૫% છે. દરેક ટીબી પેશન્ટને નીક્ષય પોષણ યોજના અંતર્ગત રૂ.૫૦૦ની સહાય પણ આપવામાં આવે છે. જીલ્લામાં ટોટલ ૨૯ જેટલા અસાધ્ય રોગ માટેના મશીનરી છે, કલેકટરે આ તમામની મરમત્ત અને દેખરેખ અને ચાલુ હાલતમાં રહે તેના માટે માટે પણ સલાહ સુચન કર્યા હતા. ટીબીને ભારત માંથી હટાવવા તેમજ લોકોને સ્વાથ્યવર્ધક પોષણયુક્ત આહાર મળે તે માટે મહત્વની સેવાભાવી સંસ્થાઓ અને પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ ચાલતી નીક્ષય મિત્ર યોજનાના સૌજન્યથી ટીબીના પેશન્ટોને કીટ વિતરણ કરવામાં આવ્યું હતું.
ટીબીના પેશન્ટને પોશણયુક્ત ખોરાક આપવાથી અને જાગૃતિ અભિયાનથી ટીબીના ફેલાવાથી ઘટાડો થયો છે અને ટીબીના દર્દીઓમાં રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થઈ તેમના વજનમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ક્ષય કેન્દ્રની ટીમ દ્વારા આ અંગે એક પાવરપોઈન્ટ પ્રેઝેન્ટેશન રજુ કરવામાં આવ્યું હતું જેમાં તમામ આંકડાકીય માહિતી અધ્યક્ષ સ્થાને રહેલા કલેકટરને રજુ કરવામાં આવી હતી. આગામી વર્ષમાં છોટાઉદેપુર જીલ્લામાં ટીબીને લઈને કેવી વ્યૂહરચના કરવી તેમજ તમામ તાલુકામાં કેવી રીતે અમલવારી કરવી તેની સમીક્ષા કરી હતી.