Panchmahal
સરસવા પ્રાથમિક શાળાના આચાર્ય રાજેશકુમાર સંગાડાની બદલી થતાં જન સંવેદનાઓ સાથે વિદાય
ઘોઘંબા તાલુકાની સરસવા પ્રાથમિક શાળામાં છેલ્લા 14 વર્ષથી શિક્ષક તરીકે અને આચાર્ય તરીકે ફરજ બજાવી રહેલ રાજેશકુમાર સંગાડાની બદલી સુરત જિલ્લામાં થતા ગામ લોકો ભાવવિભોર થઈ ગયા હતા. શાળાનો શિક્ષક એ ગામનો અને સમાજનો પ્રાણ છે. સાથે સાથે ચાણક્ય પણ કહ્યું છે કે “શિક્ષક કભી સાધારણ નહીં હોતા , પ્રલય ઓર નિર્માણ ઉનકી ગોદમે પલતે હૈ”. ખરેખર આ વાક્યને સાર્થક કરતા શિક્ષકો આજે સમાજમા હૃદયની લાગણીઓ સાથે અને બાળકો સાથે ખૂબ જ આત્મીયતાથી જોડાયા છે.
આ શિક્ષક દ્વારા સમાજના લોકો સાથે,બાળકોના શિક્ષણ માટે, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ હોય કે રાજ્ય કક્ષાની જુદી જુદી સ્પર્ધાઓ હોય ગમે ત્યારે પણ વિદ્યાર્થીઓને ઊંચા આયામો સુધી પહોંચાડવાના પ્રયત્નો કર્યા છે. સાથે સાથે કન્યા કેળવણી, ડ્રોપ આઉટ રેસીયો, શિક્ષણના વિવિધ લાભો સાથે ઊંડાણમાં આદિવાસી વિસ્તારમાં આવેલી આ શાળાને તાલુકાને નામાંકિત શાળા બનાવેલ છે. શાળાના પ્રવેશદ્વારમાં સુંદર મજાનું સરસ્વતી માતાનું મંદિર બનાવી વિદ્યાર્થીઓમાં આધ્યાત્મિક શક્તિઓનો પ્રાણ પૂરેલ છે. શિક્ષક રાજેશભાઈ દ્વારા શાળાના વિદ્યાર્થીઓ ગામ લોકો અને આસપાસની શાળાના શિક્ષકો તથા સમાજ સાથે અને તાલુકા વહીવટી તંત્ર સાથે ખૂબ જ આત્મીયતાનો સંબંધ જોડાયેલો રહ્યો છે. ખરેખર ગુરૂની ઉપમા આવા શિક્ષકો દ્વારા સમાજમાં ઉપસી આવતી હોય છે.
વિદાય પ્રસંગના દિવસે શાળાના તમામ બાળકો સ્ટાફના શિક્ષકો અને ગામના તમામ લોકો ચોધાર આંસુએ રડ્યા હતા. ખરેખર આવા શિક્ષકો સમાજમાં હોય તો શિક્ષણ અને સમાજની સેવા તો ખરી પરંતુ એક અનોખા વ્યક્તિત્વ તરીકે પણ સમાજમાં આલેખાતા હોય છે. તાલુકા કક્ષાએ શિક્ષક સંગઠનો અને વહીવટી તંત્ર દ્વારા પણ સારુ કામ કરનાર શિક્ષકોની નોંધ લઈ વિદાય સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો.