Chhota Udepur
સ્વચ્છતાની શ્રેષ્ઠ કામગીરીમાં ભિખાપૂરાની પસંદગી સરપંચનું સન્માન
(પ્રતિનિધિ, કાજર બારીયા)
છોટાઉદેપુર જિલ્લામાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે જિલ્લા કલેક્ટર અનિલ ઘામેલીયા અને સાંસદ જશુભાઈ રાઠવાની પ્રેરક ઉપસ્થિતમાં દરબાર હોલ ખાતે “સ્વચ્છતા દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ૧૫૪ માં જન્મદિન નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ તા.૧૫ સપ્ટેમ્બર થી તા.ર ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા કેમ્પેઈનની ઉજવણી કરવામાં આવી હતી. આ કેમ્પેઈનની ઉજવણીની પૂર્ણાહુતિના ભાગરૂપે સરપંચોને સ્વચ્છતાને લગતી ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યાં હતા. ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં પણ સ્વચ્છતાની શ્રેષ્ઠ કામગીરી કરનારા સરપંચોનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ સ્વચ્છતાની થીમ પર ગ્રામ પંચાયતોમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા કલેકટરનાં માર્ગદર્શન હેઠળ જિલ્લાના ગામોમાં બીજી ઓક્ટોબરને સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો.
છોટાઉદેપુરના દરબાર હોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર અનીલ ઘામેલિયા, સાંસદ જશુભાઈ રાઠવા, જિલ્લા પ્રમુખ, જિલ્લા વિકાસ અધિકારી, ઉપસ્થિત રહ્યા હતા. અને તેમના હસ્તે સ્વચ્છતાની સેવા’ મિશન અંતર્ગત શાનદાર કામ કરનારા જેતપુરપાવી તાલુકાના ભીખાપૂરા ગામનાં સરપંચ મુખલીબેન મનસુખભાઈ રાઠવાને સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યાં હતા.
સ્વચ્છતા તેમજ વૃક્ષારોપણ, શાળામાં સ્વચ્છતા અને વિધાર્થીઓ દ્વારા સ્વચ્છતાલક્ષી વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. આ ઉપરાંત વહેલી સવારે ગ્રામજનો દ્વારા, પ્રભાતફેરી શાળાના બાળકો દ્વારા સ્વચ્છતા રેલી તેમજ સરપંચો પદ અધિકારીઓને ગ્રામજનો સાથે સ્વચ્છતા સંવાદ યોજી સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવામાં આવ્યાં હતા.