Gujarat
SBM યોજનામાં ખનખનીયા ખલાસ ગ્રાંટના નાણાં ન મળતા સરપંચો આર્થિક તંગી માં
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
સરકાર દ્વારા ભારતને સ્વચ્છ બનાવવા માટે ઝુંબેશ ઉપાડી ગામડે ગામડે સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું છે. જેમાં એસબીએમ યોજના હેઠળ વિકાસના કામો જેવા કે એગ્રેશન શેડ, સોફ્ટ કીટ, કમ્પોઝ પીસ બનાવી કચરાનો નિકાલ કરવા માટેની વિવિધ યોજનાઓ અમલવારીમાં છે. પરંતુ છોટાઉદેપુર જિલ્લાના જેતપુરપાવી તાલુકામાં છેલ્લા છ મહિનાથી SBM યોજનાની ગ્રાન્ટ ન આવતા સરપંચો આર્થિક ભીંસમાં મુકાયા છે. સરપંચોએ ગ્રાન્ટ આવશે તેવી આશાએ ગાંઠના પૈસા ખર્ચી ગામને સ્વચ્છ રાખવા માટે કામો કર્યા હતા.
કેટલાક સરપંચોએ હાથ ઉછીના કે વ્યાજે પૈસા લાવી એસ.બી.એમ. યોજનાના કામો કર્યા હતા. તે કામો પૂર્ણ પણ કરી દીધા છે તાલુકાના અધિકારીઓએ આ કામોની ખરાઈ પણ કરી છે પરંતુ હજુ સુધી આ યોજનાના નાણા સરપંચોને ચૂંકવાયા નથી જેના કારણે આર્થિક રીતે નબળા સરપંચો પાયમાલ થવાને આરે ઉભા છે.
સરપંચો દ્વારા આ બાબતે વારંવાર તાલુકા પંચાયત ખાતે પહોંચી અધિકારીઓને ગ્રાન્ટ વિશે વાત કરી હતી પરંતુ અધિકારીઓ દ્વારા હજુ સુધી ગ્રાન્ટ આવી નથી તેથી નાણાંની ચુકવણી હાલ પૂરતી થઈ શકે તેમ નથી તેવા જવાબો મળતા સરપંચોએ અધિકારીઓ તેમજ સ્થાનિક નેતાઓ સામે નારાજગી દર્શાવી હતી. અન્ય જિલ્લાઓમાં આ યોજનાના નાણાં સમયસર ચૂકવાઇ જાય છે પરંતુ છોટાઉદેપુર જિલ્લા સાથે ઓરમાયું વર્તન કેમ? શું સરકારી તિજોરીમાં નાણાંની અછત છે ? કે પછી નેતાગીરી કે વહીવટી તંત્રમાં દમ નથી રહ્યો ?
જિલ્લામાં નકલી કચેરીમાં કરોડો રૂપિયાના કામો આપ્યા અને એ કામો અધૂરા કે પૂર્ણ છે તે તપાસ કર્યા વિના તેના નાણાં પણ સમયસર ચૂકવાઇ ગયા પરંતુ પ્રામાણિક રીતે ગાંઠના પૈસે તથા ઉંછી ઉધારા કરીને કામ પૂર્ણ કરી ગામને સ્વચ્છ બનાવનાર સરપંચોના નાણાં આપવામાં તંત્ર તદ્દન નિષ્ફળ ગયું છે છોટાઉદેપુર જિલ્લામાં સાંસદ થી લઇ ધારાસભ્ય પણ ભાજપના છે સરપંચો પણ ભાજપ સાથે ખભે ખભા મિલાવી દરેક યાત્રાઓનું સ્વાગત કરી ગાંઠના પૈસા ખર્ચી ગ્રામજનોને ભેગા કરે છે અને સરકારની યોજનાઓ ઘરે ઘરે પહોંચાડે છે ત્યારે એસબીએમ યોજના ના નાણાં સમયસર મળતા નથી ત્યારે આ વિસ્તારના સરપંચો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે એક તરફ જેની પાસેથી સામાન ઉધાર લાવ્યા હોય તે વેપારીઓ પૈસાની ઉઘરાણી કરી રહ્યા છે અને બીજી તરફ સરકાર આ નાણાં ન ચૂકવી સરપંચોને પાયમાલ કરવા બેઠી છે જો આવું જ રહ્યું તો સરપંચોને આગામી સમય ઝેર ખાવાનો વારો આવે તેવી પરિસ્તીથીનું નિર્માણ થઈ રહ્યું છે