Chhota Udepur
છોટાઉદેપુર જીલ્લાની શાળા કોલેજો બંધ રાખવામાં આવ્યા
પ્રતિનિધિ, કાજર બારીયા
અરબી સાગરમાં ઉદભવેલું બિપોરજોય વાવાઝોડું આગામી સમયમાં ચક્રવાતી તોફાનમાં વધુ તીવ્ર બને તેવી શકયતા હતી. વાવાઝોડાને કારણે છોટાઉદેપુર જિલ્લામાં પણ પવન ફુંકાવાની સાથે વરસાદ થવાની પ્રબળ શકયતાને ધ્યાને લઇ ભારે વરસાદ અને ચક્રવાતથી જાનમાલને નુકસાન થતું અટકાવવા માટે છોટાઉદેપુર જીલ્લાના કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ સુશ્રી. સ્તુતિ ચારણે જીલ્લામાં શાળા કોલેજો બંધ રાખવા માટે જાહેરનામું બહાર પાડી હુકમ કર્યો હતો.
જાહેરનામમાં જણાવ્યા અનુસાર વાવાઝોડા સામે તકેદારીના ભાગરૂપે સમગ્ર છોટાઉદેપુર જીલ્લામાં તા. ૧૬/૦૬/૨૦૨૩ના રોજ આંગણવાડી, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, આઇ.ટી.આઇ તથા કોલેજોમાં એક દિવસ પુરતું શૈક્ષણિક કાર્ય બંધ રાખવા જણાવ્યું હતું. આ હુકમના ભંગ ધ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ ૨૦૦૫ની કલમ ૫૫, ૫૬ હેઠળ કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તથા તે હેઠળ સજાને પાત્ર થશે એમ જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી જણાવાયું હતું.