Gujarat
સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે સી-પ્લેન સેવા બંધ, વર્ષ 2020માં થયું હતું ઉદ્ઘાટન; કારણ જાણો
ગુજરાત સરકારે ગુરુવારે વિધાનસભામાં જણાવ્યું હતું કે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ અને સ્ટેચ્યુ ઑફ યુનિટી વચ્ચેની સી-પ્લેન સેવા ઊંચા ઓપરેશનલ ખર્ચ અને જાળવણીને કારણે બંધ કરવામાં આવી છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઉદ્ઘાટન 2020માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું.
કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ દ્વારા અમદાવાદ અને કેવડિયા વચ્ચેની સેવાની વર્તમાન સ્થિતિ અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં રાજ્યના નાગરિક ઉડ્ડયન મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે એપ્રિલ 2021થી આ સેવા બંધ કરવામાં આવી છે. રાજપૂતે તેના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે ઉચ્ચ ઓપરેશનલ ખર્ચ અને વિદેશી રજિસ્ટર્ડ એરક્રાફ્ટને હેન્ડલ કરવામાં મુશ્કેલીઓને કારણે સેવા બંધ કરવામાં આવી હતી.
પીએમ મોદીએ સી પ્લેન સેવાનું ઉદ્ઘાટન કર્યું
તમને જણાવી દઈએ કે 31 ઓક્ટોબર, 2020ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા નજીક સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ વચ્ચે સી પ્લેન સેવા શરૂ કરી હતી. તેમણે સરદાર વલ્લભભાઈ પટેલની 145મી જન્મજયંતિ નિમિત્તે સરદાર સરોવર ડેમ પાસે વિમાનમાં બેસીને સેવાનું ઉદ્ઘાટન કર્યું હતું.
‘રાજ્ય સરકારે 22 કરોડની ફાળવણી કરી હતી’
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈત્રા વસાવાના પ્રશ્નના જવાબમાં રાજપૂતે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે છેલ્લા બે નાણાકીય વર્ષો દરમિયાન આ પ્રોજેક્ટ માટે રૂ. 22 કરોડ ફાળવ્યા હતા. તેમણે કહ્યું કે આ સેવાથી રાજ્યને કંઈ જ મળ્યું નથી.
સી પ્લેન સેવા શરૂ કરવાની યોજના
મંત્રીએ ગૃહને માહિતી આપી હતી કે રાજ્ય સરકાર અન્ય ઘણા પ્રવાસન સ્થળોને જોડવા માટે સી-પ્લેન સેવા શરૂ કરવાની યોજના બનાવી રહી છે. જેમાં ભાવનગર જિલ્લામાં શેત્રુંજી ડેમ, દક્ષિણ ગુજરાતમાં સાપુતારા તળાવ, સુરતમાં ઉકાઈ ડેમ અને ઉત્તર ગુજરાતમાં ધરોઈ ડેમનો સમાવેશ થાય છે.
રાજપૂતે જણાવ્યું હતું કે ધરોઈ ડેમ પાસે જમીન પસંદગીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે, જ્યારે અન્ય સ્થળોએ સેવા શરૂ કરવા માટે આવી કોઈ પ્રક્રિયા શરૂ કરવામાં આવી નથી.