Gujarat
જૂનાગઢમાં ગંભીર અકસ્માત : બેકાબૂ કાર કૂવામાં પડી, બે યુવકોના મોત
ગુજરાતના જૂનાગઢના કોડીનારમાં એક દર્દનાક અકસ્માત સર્જાયો છે. વાસ્તવમાં, ગઈકાલે રાત્રે એક ઝડપી કાર કૂવામાં પડી હતી. આ ઘટના સમયે કારમાં બે યુવકો હાજર હતા. આ અકસ્માત પેટ્રોલ પંપ પાસે થયો હતો, જેને જોઈને આસપાસના લોકો તેમને બચાવવા દોડી આવ્યા હતા.
છ કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન ચાલુ રહ્યું
જૂનાગઢ જિલ્લાનાં કોડીનારનાં ફાચરીયા ગામ પાસે આવેલ પેટ્રોલ પંપ સામે ગત રાત્રે 10 વાગ્યાનાં સુમારે આ ઘટના બની હતી. સ્થળ પર હાજર લોકોએ તરત જ આ અંગે પોલીસને જાણ કરી હતી. આ પછી પોલીસ અને ફાયર વિભાગની ટીમે યુવકને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. મળતી માહિતી મુજબ, આ બચાવ કામગીરી સવારે 4 વાગ્યા સુધી ચાલુ રહી હતી. જો કે આટલો લાંબો સમય લાગવા છતાં માત્ર કાર અને બંને યુવકોના મૃતદેહ જ કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના નજીકના પેટ્રોલ પંપ પર લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.
ગામમાં શોકનો માહોલ
વાહનમાં સવાર બંને યુવકો મહેસાણાના વડનગર ગામના રહેવાસી હોવાનું પોલીસે જણાવ્યું હતું. વાહન ચલાવી રહેલા યુવકે અચાનક વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો અને તેના કારણે તે કૂવામાં પડી ગયો હતો. આ બનાવથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે અને મૃતકના ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. હાલ પોલીસ ઘટનાની વધુ તપાસ કરી રહી છે.