Mahisagar
લુણાવાડાની સેશન્સ કોર્ટે બે લાંચીયા કર્મીઓને પાંચ વર્ષની સજા અને ૮૦ હજાર દંડ ફટકાર્યો
મહિસાગર એ.સી.બી. ધ્વારા વર્ષ ૨૦૧૬માં સીંચાઇ યોજનામાં ફરજ બજાવતા બે રાજયસેવક – સરકારી કર્મચારીઓને રૂા.૧,૦૦,૦૦૦/-ની લાંચના કેસમાં ઝડપી લીધો હતો જેમાં ફરીચાદીએ રાખેલ સરકારી કામના બીલોના નાણાંની ચૂકવણી કરવા માટે આરોપીઓએ લાંચની માંગણી કરેલ હતી. જે કેસમાં લુણાવાડાની સેશન્સ કોર્ટે બંને આરોપીઓને પાંચ વર્ષની કેદ તથા દંડ ફટકારતો હુકમ કરેલ છે.
આ કેસની વિગત મુજબ ફરીયાદી દક્ષેશકુમાર પરષોત્તમભાઈ પટેલ સરકારી કામોનો કોન્ટ્રાકટ રાખી કામ કરતાં હતા અને જુન ૨૦૧૫ માં તેઓનું ઓનલાઇન ટેન્ડર મંજુર થતાં વરધરી ગામે સ્વરૂપ સાગર સિંચાઇ તળાવ વેસ્ટ વિયરના રૂા.૨૮,૯૯,૯૩૮/-ના કામનો વર્ક ઓર્ડર તેમને આપવામાં આવેલ જેમાં બિલો કપાતાં રૂા.૧૯,૯૧,૯૬૭/- તેમને મળવા પાત્ર થતાં હતાં. તેથી તેમણે સપ્ટેમ્બર ૨૦૧૫ માં કામ ચાલુ કરી દીધેલ અને તેઓને પ્રથમ બિલ રૂપિયા પાંચ લાખ ઉપર મળેલ જેના પાંચ ટકા લેખે રકમ આરોપીઓ અનીલકુમાર હરીલાલ ટેલર તથા કરણકુમાર નવીનભાઇ પટેલ ધ્વારા રૂા.૨૯,૦૦૦/- લાંચ માંગેલી પરંતુ ફરીયાદીએ પૈસા આપેલા નહીં.
ત્યારબાદ બીજું બીલ નવ લાખ જેટલું થતુ હતુ પરંતુ અગાઉના બિલની ટકાવારીના પૈસા આપેલ ન હોવાના કારણે અટવાયેલું હતું. જેથી ફરીયાદીએ વીસ હજાર રૂપિયા આરોપીઓને આપેલા. તે પછી ત્રીજું અને ફાઇનલ બીલ બંને આરોપીઓએ અટકાવેલ હોઇ ફરીયાદીએ આ બિલ બનાવી મોકલી આપવા માટે આરોપીઓને વારંવાર મોબાઇલ ઉપર ફોન કરતા બંને આરોપીઓએ ટકાવારીના રૂ.૧,૦૯,૦૦૦/- ની વારંવાર માંગણી કરતાં હતાં. તે દરમ્યાન ફરીયાદીએ આરોપી અનીલકુમાર હરીલાલ ટેલર સાથે મોબાઇલ ફોન ઉપર વાત કરતાં તેઓએ અન્ય આરોપી કરણકુમાર નવીનભાઇ પટેલ જોડે વાત નક્કી થઇ ગયેલ છે તે મુજબનું ફરીયાદીએ પોતાના મોબાઇલ ફોનમાં રેકોર્ડીંગ કરી લીધેલ અને ફરીયાદી આ લાંચની રકમ આપવા માંગતાં ન હોઇ મહીસાગર એ.સી.બી પોલીસ સ્ટેશન, લુણાવાડા રૂબરૂ ફરીયાદ કરતાં પોલીસે સરકારી કર્મચારી પંચોની હાજરીમાં રૂા.૧,૦૦,૦૦૦/- ની ચલણી નોટો ઉપર યોગ્ય તે કાર્યવાહી કરી ફરીયાદીને લાંચના નાણાં આપવા લુણાવાડા કોટેજ ચોકડી ઉપર મોકલતાં આરોપી નં.૧ – અનીલકુમારે પંચ.ની હાજરીમાં ફરીયાદી સાથે કામ અંગે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ રૂા.૧,૦૦,૦૦૦/- ની માંગણી કરતાં ફરીયાદીએ આરોપી અનીલકુમારને નાણાં આપેલ જે સ્વીકારતાં લાંચના છટકા દરમ્યાન ઝડપાઇ ગયો હતો. આમ બંને આરોપીઓએ એકબીજાના મેળાપીપણાંમાં લાંચની માંગણી કરી, સ્વીકારી પોતાના રાજય સેવકના હોદ્દાનો દુરૂપયોગ કરી, ગેરવર્તણૂંક કરી લાંચરૂશ્વત નિવારણ અધિનિયમ મુજબનો ગુન્હો કર્યા અંગેની ફરીયાદ મહીસાગર એ.સી.બી પોલીસ સ્ટેશને નોંધાઈ હતી જેની તપાસ દરમ્યાન બંને આરોપીઓ વિરૂધ્ધ પુરતા પુરાવા હોઇ એ.સી.બી. પોલીસે બંને આરોપીઓ વિરૂધ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કર્યું હતું.
આ કેસ લુણાવાડાના સેશન્સ જજ એચ. એ. દવેની કોર્ટમાં ચાલી જતાં અદાલત સમક્ષ ફરીયાદપક્ષે ફરીયાદી, પંચો તથા તપાસ કરનાર અધિકારીઓ મળી કુલ ૯ સાક્ષીઓ તપાસવામાં આવ્યા હતાં તથા કુલ ૬૬ જેટલા દસ્તાવેજી પુરાવાઓનું આ કેસમાં અદાલત ધ્વારા મૂલ્યાંકન કરવામાં આવેલ હતું. આ તમામ માખિક તથા દસ્તાવેજી પુરાવાઓ ઉપરાંત સરકારી વકીલ સરજન ડામોરની દલીલોને ધ્યાને લઇ સેશન્સ જજ એચ. એ. દવેએ બંને આરોપીઓ અનીલકુમાર હરીલાલ ટેલર તથા કરણકુમાર નવીનભાઇ પટેલને લાંચરૂશ્વત નિવારણ અધિનિયમ ૧૯૮૮ ની કલમ ૭ મુજબના ગુના હેઠળ પાંચ વર્ષની સાદી કેદ અને રૂા.૫૦,૦૦૦/- દંડ તેમજ લાંચરૂશ્વત નિવારણ અધિનિયમ ૧૯૮૮ ની કલમ ૧૨ મુજબના ગુના હેઠળ ત્રણ વર્ષની સાદી કેદ અને રૂા.૧૦,૦૦૦/- દંડ તેમજ લાંચરૂશ્વત નિવારણ અધિનિયમ ૧૯૮૮ ની કલમ ૧૩(૧)(ઘ) સાથે વાંચતા કલમ-૧૩(૨) મુજબના ગુના માટે તકસીરવાન ઠરાવી પાંચ વર્ષની સાદી કેદ અને રૂા.ર૦,૦૦૦/- દંડ ફટકારેલ છે. આમ કોર્ટે બંને આરોપીઓને કુલ ૮૦-૮૦ હજારનો દંડ ફટકારેલ છે, સેશન્સ જજ એચ. એ. દવેએ નામદાર સુપ્રીમ કોર્ટ તેમજ નામદાર ગુજરાત હાઇકોર્ટના લાંચ રુશ્વત નિવારણ અધિનિયમને લગતાં વિવિધ ચુકાદાઓનો આધાર લઇ આરોપીઓ સામે તમામ પરીબળો સાબિત થતાં હોય આરોપીઓને તમામ કલમો હેઠળ તકસીરવાન ઠરાવી કાયદાની જોગવાઇઓ અનુસાર મહત્તમ સજા કરતો હુકમ સંભળાવ્યો હતો.
(સલમાન મોરાવાલા દ્વારા સંતરામપુર)