Surat

રિક્ષામાં પેસેન્જરનાં સ્વાંગ રચી ખિસ્સા ખંખેરતી ટોળકીનાં સાત સાગરિત ઝડપાયાં

Published

on

(સુનિલ ગાંજાવાલા દ્વારા સુરત)

રિંગરોડ અને કાપડ માર્કેટ વિસ્તારમાં પેસેન્જર્સને રિક્ષામાં બેસાડી તેમની નજર ચૂકવી ખિસ્સામાંથી રોકડ રૂપિયા ચોરી કરી લેતી ટોળકી પકડાઈ છે. સાત સાગરિતો સાથે પોલીસે તેમની પાસેથી રિક્ષા-મોપેડ મળી કુલ 2.05 લાખનો મુદામાલ કબજે કરી બે ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા છે.સુરત શહેરમાં રીક્ષામાં પેસેન્જર્સની નજર ચૂકવી ચોરી કરતી ટોળકીની કરતૂત લગભગ કાયમી થઈ પડી છે. મોટાભાગના કિસ્સામાં કોઈ ફરિયાદ કરવા પણ નથી જતું. આ ટોળકી પેસેન્જરોને રિક્ષામાં બેસાડતી હતી અને બાદમાં આગળ પાછળ ખસવાનું કહી તેઓની નજર ચૂકવી રોકડ રકમ સહિતનો સમાન ચોરી કરી લેતી હોય છે. સલાબતપુરા પોલીસે આવી જ એક ટોળકીને ઝડપી પાડી છે.

Advertisement

પોલીસ સૂત્રોના કહેવા પ્રમાણે સલાબતપુરા પોલીસે બાતમીના આધારે લીંબાયત ખાતે રહેતા આસિફ ઉર્ફે ઐયા અઝીઝ શેખ, અફઝલ ઉર્ફે ખજૂર અલાઉદ્દીન શેખ અને સલાબતપુરા વિસ્તારમાં રહેતા ઇમરાન ઉર્ફે સોનુ સલીમ શેખને ઝડપી પાડ્યા હતા. આ ત્રણની પૂછપરછ કરી અન્ય ચાર મળી કુલ 7 આરોપીને પોલીસે ઝડપી પાડયા છે. સાતેયની આકરી પૂછપરછમાં તેમની પાસેથી 55 હજારની રોકડ, ગુનો કરવામાં ઉપયોગમાં લીધેલી 1 લાખની કિંમતની એક રિક્ષા તેમજ ગુનો કરવા માટે ઉપયોગમાં લીધેલી 50 હજારની એક મોપેડ મળી કુલ 2.05 લાખની મત્તા કબજે કરી હતી. પોલીસ તપાસમાં પુણા અને સલાબતપુરા પોલીસ મથકમાં આ પ્રકારના નોંધાયેલા બે ગુનાના ભેદ પણ ઉકેલાયા હતા.

Advertisement

Trending

Exit mobile version