Gujarat
ઠાસરા તળાવના ગંદા પાણી ફરી વળતા રહેણાંક વિસ્તારમાં ઢીંચણસમાં પાણી ભરાયા
ઠાસરામાં તળાવના ગંદા પાણી રહેણાંક વિસ્તારમાં ભરાઈ રહેતા રહીશો મુશ્કેલીમાં મુકાયા, ગંદા પાણીના કારણે લોકોમાં પાણીજન્ય રોગો થવાનું સંકટ..
ખેડા જિલ્લાના ઠાસરામાં તળાવનું ગંદુ પાણી રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવતા ત્યાં વસવાટ કરી રહેલા લોકો આ સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ઠાસરાના વોર્ડ નં ૩ માં આવેલ બળિયાદેવ વિસ્તાર તેમજ રામનગરના રહેણાંક વિસ્તારમાં તળાવના ગંદા પાણી ફરી વળવાથી ઢીંચણસમાં પાણી ભરાયા છે. જેને પગલે સ્થાનિકોને અવરજવર કરવામાં ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. જોકે, બીજી બાજુ કાંસ વિભાગ, મહિસિંચાઈ વિભાગ અને પાલિકાતંત્રએ આ કામ અમારામાં નથી આવતું તેમ કહી એકબીજા પર આક્ષેપો નાખી હાથ અધ્ધર કરી દીધા છે. સબંધિત તંત્ર દ્વારા આ સમસ્યાનો ઉકેલ લાવવામાં ભારે બેદરકારી દાખવતા હોવાથી અહીંયા વસતા લોકોનું આરોગ્ય ભગવાન ભરોસે થઇ ગયું છે.ઠાસરા શહેરના બળિયાદેવ ઝુપડપટ્ટી નજીક તળાવ આવેલું છે.જ્યાં 1200 થી વધુ વસ્તી વસવાટ કરે છે જ્યાં છેલ્લા 1 મહિનાથી આ તળાવનું ગંદુ પાણી એકાએક આસપાસના વિસ્તારમાં ફરી વળ્યું છે .
જેને પગલે રહેણાંક વિસ્તારોમાં ઢીંચણસમા પાણી ભરાઈ ગયાં છે.જેના કારણે અહીંયા વસવાટ કરતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. લોકોના જણાવ્યા મુજબ આ તળાવમાં 3 જેટલાં મગરોનો પણ વસવાટ છે જે રાત્રીના સમયે બહાર આવતા હોવાથી લોકોમાં જાનહાની થવાનો ભય સતાવી રહ્યો છે. સતત 1 મહિનાથી વધુ સમયથી ભરાઈ રહેલા આ ગંદા પાણીથી મચ્છરોના ઉપદ્રવ થવાથી લોકોના સ્વાસ્થ્ય પર પણ ગંભીર અસર થઇ રહી છે.સાથે જ તળાવનું ગંદુ પાણી પીવાના પાણી સાથે મિક્સ થવાથી આ ગંદુ પાણી પીવા માટે અહીંના લોકો મજબુર બન્યા છે.પાણી ભરાઈ રહેવાના કારણે શાળાએ જતા બાળકોને આ ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે જેને કારણે પાણીમાં રહેલા કોઈ ઝેરી જીવજંતુ કરડી જવાનો પણ લોકોમાં ફેલાઈ રહ્યો છે.ઘણાં સમય બાદ પણ પાણી ઉતરતું ન હોવાથી સ્થાનિકોએ આ મામલે ઠાસરા નગરપાલિકામાં રજૂઆત કરી હતી. પરંતુ, પાલિકાતંત્રએ આ કામ અમારામાં આવતું નથી આ કામ કાંસ વિભાગમાં આવતું હોવાનું જણાવ્યું હતું. જેથી સ્થાનિકોએ આ મામલે કાંસ વિભાગ અને મહિસિંચાઈ વિભાગમાં જાણ કરી હતી. પરંતુ આ બંને વિભાગોએ પણ આ કામ અમારામાં નથી આવતું તેમ કહી જવાબદારીમાંથી હાથ અધ્ધર કર્યાં હતાં. જેને પગલે સ્થાનિકો મુંઝવણમાં મુકાયા છે. સબંધિત તંત્રના વાંકે આ વિસ્તારના રહીશોને ઘર બહાર નીકળવામાં પણ મુશ્કેલીનો સામાનો કરવો પડી રહ્યો છે. રહીશોને નોકરી- કે ધંધા અર્થે જવું હોય તો પણ ઢીંચણસમા પાણી ઓળંગવા પડે તેવો ઘાટ સર્જાયો છે.ત્યારે સબંધિત તંત્ર દ્વારા યોગ્ય પગલાં લઇ આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે તેવી લોકોએ માંગણી કરેલી છે અને જો આ સમસ્યાનો અંત જલ્દી લાવવામાં નહિ આવે તો ગાંધીચિધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.
રિપોર્ટર: રીઝવાન દરિયાઈ
ખેડા: ઠાસરા