Crime
સેવાલિયા પોલીસે મધ્યપ્રદેશ થી રાજકોટ લઈ જવાતું ડ્રગ્સ પકડી પાડ્યુ
MPથી રાજકોટ લઈ જવાતું રૂપિયા 14.90 લાખનું ડ્રગ્સ સેવલીયા પાસેથી પકડાયું, શંકાસ્પદ ઈસમને અટકાવી બેગની તલાસી લેતા ડ્રગ્સ મળ્યું
ડ્રગ્સ માફિયાઓ હવે આંતરરાજ્યથી બાય રોડ ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસાડી રહ્યા છે. ખેડા જિલ્લાના સેવાલીયા પાસેથી પરપ્રાંતીય ઈસમ પાસેથી રૂપિયા 14.90 લાખનું મેફેડ્રોન નામનું ડ્રગ્સ મળી આવ્યું છે. પોલીસે આ ઈસમની અટકાયત કરી આ ડ્રગ્સ કોને આપ્યું અને ક્યાં ડીલીવર કરવાનું હતું તે દિશામાં પુછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં આ ડ્રગ્સનો જથ્થો મધ્યપ્રદેશથી લાવી રાજકોટ શહેરમાં પહોંચાડવાનુ હોવાનો ઘટસ્ફોટ થયો છે. પોલીસે નાર્કોટિક્સ ડ્રગ્સ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સેવાલીયા પોલીસે અને ડાકોર સીપીઆઈએ ગુપ્ત બાતમીના આધારે ગતરોજ મોડી સાંજે એક ઓપરેશન પાર પાડ્યું છે. જેમાં ઉપરોક્ત પોલીસની ટીમને બાતમી મળી હતી કે, સેવાલીયા બસ સ્ટેન્ડ નજીક રેલવે કોલોની પાસે એક શંકાસ્પદ ઈસમ ડ્રગ્સ લઈને આવનાર છે. જેથી પોલીસે ત્યાં પહોંચતા ત્યાં હાજર શંકાસ્પદ ઈસમ જોવા મળ્યો હતો. પોલીસને શંકા જતા આ ઈસમને કોર્ડન કરી પુછપરછ આદરી હતી. સૌપ્રથમ નામઠામ પુછતા આ ઈસમે પોતાનું નામ ગોપાલ નઘુલાલ મહેર (રહે.દુધાલીયા, ઝાલાવાર, રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. વધુમાં પોલીસે આ ગોપાલ પાસે રહેલ બેગની તપાસ આદરતા અંદરથી પીળાશ પડતો ભૂકા જેવો પાવડર મળી આવ્યો હતો.
આ સાથે પોલીસની ટીમ સાથે આવેલ FSL આ પાવડરના જથ્થાનો પરિક્ષણ કરતા મેફેડ્રોન નામનું ડ્રગ્સ હોવાનો ખુલાસો થયો હતો. આ સાથે આ ગોપાલ મહેરને પોલીસ જાપ્તા સાથે સેવાલીયા પોલીસ મથકે લાવી બેગમાં મળી આવેલ ડ્રગ્સનુ વજન કરતા 149 .ગ્રામ જેની કુલ કિંમત રૂપિયા 14 લાખ 90 હજાર થાય છે. આ સાથે પકડાયેલા ઈસમ પાસેથી મોબાઇલ ફોન અને રોકડ રૂપિયા મળી પોલીસે કુલ 14 લાખ 97 હજાર 70 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આ ડ્રગ્સ કોને આપ્યું અને ક્યા લઈ જવાતું હતું તે દિશામાં તપાસ હાથ ધરી હતી.
જેમાં ઉપરોક્ત ડ્રગ્સનો જથ્થો મધ્યપ્રદેશના શ્યામગઢના સુવાસરા ખાતે રહેતા કૈલાશ ઉર્ફે માસી મહેરે આપ્યો હતો અને આ જથ્થો રાજકોટ ખાતે રહેતા અલ્પેશ રમેશ તન્નાને રાજકોટ ખાતે પહોચાડવાનો હોવાની કબૂલાત કરી છે. પોલીસે પકડાયેલા એક ઈસમ અને નામ ખુલેલા બે ઈસમો મળી કુલ 3 સામે નાર્કોટિક્સ ડ્રગ્સ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એફએસએલ દ્વારા સેમ્પલ લેવાયા છે જેના રિપોર્ટ બાદ ડ્રગ અંગે મોટો ખુલાસો થશે. આ ઈસમ અહીયા સેવાલીયા બસ સ્ટેન્ડ નજીક ચા પીવા ઉભો રહેતા પોલીસના હાથે પકડાઈ ગયો હોવાનું તપાસ અધિકારીએ જણાવ્યું છે.
(રિપોર્ટર: રીઝવાન દરિયાઈ ખેડા: ગળતેશ્વર)