Panchmahal
એસ.એચ. વરીયા હાઇસ્કુલ ખાતે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ યોજાયો
ઘોઘંબા ખાતે આજ રોજ સવારે 11:00 કલાકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે સમગ્ર દેશમાં વિદ્યાર્થીઓની ઓનલાઈન ચર્ચા માટે ‘પરીક્ષા પે ચર્ચા’ નો કાર્યક્રમ ઘોઘંબા તાલુકા મથકે એસ.એચ. વરીયા હાઇસ્કુલે યોજવામાં આવ્યો. જેમાં કાલોલ વિધાનસભાના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ, ઘોઘંબા મામલતદાર બી, એમ, જોશી, જિલ્લા પંચાયત સદસ્ય ભીખાભાઈ સોલંકી, ઘોઘંબા તાલુકા ભાજપ પ્રમુખ ગુણવંતસિંહ ગોહિલ, ઘોઘંબાના સરપંચ નિલેશભાઈ વરિયા, હાઈસ્કૂલના આચાર્ય એમ.બી.પંડ્યા, રણજીત નગર હાઈસ્કૂલના પી.એસ. પરમાર, નરેન્દ્રભાઈ પરમાર, ઘનશ્યામભાઈ પરમાર, તથા વિદ્યાર્થીઓએ આ ઓનલાઇન પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
આગામી માર્ચ- એપ્રિલમાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે ત્યારે વિદ્યાર્થીઓમાં કોઈ પણ પ્રકારનો ડર અને સંકોચ ન રહે તે માટે દેશના વડાપ્રધાન વિદ્યાર્થીઓ સાથે સીધો વાર્તાલાપ કરી દરેક વિદ્યાર્થીને પરીક્ષામાં નિર્ભયતાપણે ભાગ લે અને ઉચ્ચકક્ષાનું રિઝલ્ટ મેળવી આ રાષ્ટ્ર નિર્માણને સમર્પિત બને તેવો અભિગમ વ્યક્ત કર્યો હતો. ગામડાના છેવાડાના વિદ્યાર્થીઓ સુધી શાળા છોડી જવાનું પરિણામ વધ્યું છે ત્યારે, તેઓને પણ વધારે પ્રમાણમાં પ્રોત્સાહન મળે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.
એસ.એચ. વરીયા હાઈસ્કૂલના તમામ બાળકો તથા શિક્ષકોએ ઉત્સાહભેર કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તથા ગામડામાં દીકરા- દીકરીઓ સામાજિક કારણોના લીધે અભ્યાસ છોડી દેતા હોય છે અને શિક્ષણની કારકિર્દી બગાડતા હોય છે ત્યારે આ કાર્યક્રમ થકી તેઓમાં ઉત્સાહ અને શિક્ષણ પ્રત્યેનું પ્રોત્સાહન મળ્યું છે.
કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.