Entertainment
USમાં શૂટિંગ વખતે શાહરુખનનો અકસ્માત: લોહી બંધ ન થતાં સર્જરી કરવી પડી, મુંબઇ શિફ્ટ કરાયા
બોલિવૂડના કિંગ ખાન શાહરુખ ખાન હાલમાં પોતાની આગામી ફિલ્મ ‘જવાન’ને લઈને ચર્ચામાં છે. શાહરુખ પોતાની દરેક ફિલ્મના શૂટિંગ માટે ખૂબ જ મહેનત કરે છે. આવી સ્થિતિમાં, લોસ એન્જલસમાં તેનું એક શૂટ પૂર્ણ થવાની તૈયારી હતી, જો તે પૂર્ણ થાય તે પહેલાં, અભિનેતાને નાક પર ઈજા થઈ હતી. શાહરુખને નાક પર ઈજાના કારણે ફિલ્મની ટીમે તેને હોસ્પિટલમાં તાત્કાલિક દાખલ કર્યો હતો. જો કે, હાલ શાહરુખ પ્રાથમિક સારવાર બાદ મુંબઈ પરત ફર્યો છે. એવા અહેવાલો પણ છે કે અભિનેતાએ લોહી બંધ થતું ન હોવાથી નાની સર્જરી કરાવવી પડી હતી. તો આવો જાણીએ શું છે સમગ્ર મામલો.શૂટિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થયા કિંગ ખાન ‘ઇટાઇમ્સ’ના અહેવાલ પ્રમાણે, ‘શાહરુખ હાલ લોસ એન્જલસમાં પોતાના આગામી પ્રોજેક્ટનું શૂટિંગ કરી રહ્યો હતો. શૂટિંગ દરમિયાન શાહરુખ સાથે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં તેનું નાક ઈજાગ્રસ્ત થયું હતું. જેના કારણે તેણે તાત્કાલિક નાકની સર્જરી કરાવવી પડી હતી’. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શાહરુખ હોસ્પિટલ ગયા બાદ ડોક્ટર્સે એક્ટરની ટીમને જાણ કરી હતી કે, બ્લીડિંગ રોકવા માટે નાની સર્જરી કરાવવી પડશે. શાહરુખની હાલત સ્થિર હોવાનું કહેવાય છે.
અભિનેતાને નાકની સર્જરી કરાવવી પડી હતી.
સર્જરી બાદ કિંગ ખાન નાક પર બાંધેલી પટ્ટી સાથે એરપોર્ટ પર જોવા મળ્યો હતો. સૂત્રોના મતે, શાહરુખ ખાન હાલમાં મુંબઈમાં પોતાના ઘરે આરામ કરી રહ્યો છે. જોકે, હજુ સુધી શાહરુખની ટીમે એક્ટરના અકસ્માત અંગે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી. આ ઉપરાંત એક્ટરે પણ આ અંગે કોઈ માહિતી આપી નથી.તો બીજી બાજુ ચાહકો સતત શાહરુખના સારા સ્વાસ્થ્યની કામના કરી રહ્યા છે.
શાહરુખ પાસે હાલમાં બે ફિલ્મ જો વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ‘પઠાન’ બાદ હવે શાહરુખ ‘જવાન’માં જોવા મળશે. શાહરુખના ફેન્સ ‘જવાન’ અંગે ખૂબ જ ઉત્સાહિત છે. રસપ્રદ વાત એ છે કે શાહરુખની આ ફિલ્મમાં સાઉથ ઈન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર્સ જોવા મળશે. આ ફિલ્મમાં શાહરુખ ખાન સાથે નયનતારા અને વિજય સેતુપતિ પણ છે. રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટના હેઠળ બનતી આ ફિલ્મ આ વર્ષે 7 સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મને સાઉથના જાણીતા ડિરેક્ટર એટલીએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણનો કેમિયો હોવાની પણ ચર્ચા છે. ‘જવાન’ બાદ શાહરુખ ખાન બોલિવૂડ ડિરેક્ટર રાજકુમાર હિરાનીની ફિલ્મ ‘ડંકી’માં જોવા મળશે.આ ફિલ્મનું શૂટિંગ હજી બાકી છે. આ ફિલ્મ ડિસેમ્બર, 2023માં રિલીઝ થશે. ફિલ્મમાં તાપસી પન્નુ લીડ રોલમાં છે.