Gujarat
કંજરી રામજી મંદિર ખાતે ક્ષત્રિય સમાજ હાલોલ દ્વારા શસ્ત્ર પૂજન તથા મહારેલી
હાલોલ નગર સહિત પંથકમાં આજે આસો સુદ દશમ એટલે વિજયયાદશમી પર્વની ઉજવણી ઉત્સાહભેર રંગેચંગે કરવામાં આવી હતી.અસત્ય પર સત્યનો વિજયના પાવન પર્વ દિને હિંદુ ધર્મના લોકો પોતાના અસ્ત્ર શસ્ત્રની પૂજા અર્ચના પ્રાર્થના કરે છે.જે અંતર્ગત હાલોલ તાલુકાના કંજરી ગામે આજે શનિવારના રોજ કંજરી રામજી મંદિર ખાતે આજના પાવન પર્વના દિને હાલોલ સહિત તાલુકાના શ્રી સમસ્ત ક્ષત્રિય સમાજ તેમજ સર્વ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.અને રામજી મંદિરના મહંત શ્રી રામ શરણદાસજી મહારાજની પ્રેરણાથી અને તેમની પ્રેરક ઉપસ્થિતિમાં તેમજ સ્થાનિક ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમારની હાજરીમાં ક્ષત્રિય તેમજ સર્વ સમાજના લોકોનો સમૂહ શસ્ત્ર પૂજન શાસ્ત્રોક વિધિવત વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કંજરી સ્ટેટ યુવરાજ મયુરઘ્વજસિંહજી પરમાર,ભાજપાના જિલ્લા મહામંત્રી મયંકકુમાર દેસાઈ, હાલોલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શિતલભાઈ પટેલ તેમજ ભાજપા અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કંજરી રામજી મંદિર ખાતે સમૂહ શાસ્ત્રો પૂજન બાદ ઉપસ્થિત સર્વ સમાજના લોકો મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે નીકળેલ શોભા યાત્રામાં પોતાના પરંપરાગત વેશભૂષામાં જોડાયા હતા.જ્યારે આ રેલી હાલોલના મુખ્ય માર્ગો ઉપર ફરી અરાદ રોડ ત્રણ રસ્તા ખાતે આવેલા મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરવામાં આવી હતી ત્યારબાદ રેલી આગળ વધી નગરના વિવિધ વિસ્તારોમાં થઈ કંજરી રોડ પર આવેલ અક્ષર પાર્ટી પ્લોટ ખાતે રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું.