Gujarat
કેન્યામાં હિન્દ મહાસાગર તટે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું
મોમ્બાસા – કેન્યા હિન્દ મહાસાગર તટે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પૂજનીય સંતોની નિશ્રામાં “શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ” અંતર્ગત ગ્રંથ શિરોમણિ “શિક્ષાપત્રી” સમૂહ પાઠ, સત્સંગ પોષક શિબિર – પ્રાતઃ પૂજા તેમજ શ્રી હરિકૃષ્ણ મહારાજનું પંચામૃતથી અભિષેક તેમજ સમુદ્ર સ્નાન …. મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતો પૂર્વ આફ્રિકાના રાષ્ટ્રોમાં સત્સંગ પ્રચારાર્થે પધાર્યા છે. પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતોના સાનિધ્યમાં મોમ્બાસા – કેન્યા હિન્દ મહાસાગર તટે *”શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ” અંતર્ગત ગ્રંથ શિરોમણિ “શિક્ષાપત્રી” સમૂહ પાઠ, સત્સંગ પોષક શિબિર – પ્રાતઃ પૂજા તેમજ શ્રી હરિકૃષ્ણ મહારાજનો પંચામૃતથી અભિષેક – સમુદ્ર સ્નાનનું ભવ્યતા અને દિવ્યતાસભર આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષાપત્રી એટલે મનુષ્યોએ પોતાનું જીવન કેવી રીતે જીવવું તેનો માર્ગ દેખાડી આપતું અણમોલ શાસ્ત્ર. શ્રી સ્વામિનારાયણ ભગવાને ગાગરમાં સાગર ભરી દીધો છે. શ્રી સ્વામિનારાયણ ભગવાને ૧૯૮ વર્ષ પહેલાં શિક્ષાપત્રી લખી હતી. જેમાં ૩૬૫ શાસ્ત્રોનો સાર રહ્યો છે. શિક્ષાપત્રી શ્રીજીમહારાજે પોતાના આશ્રિતોને ઉદ્દેશીને લખી છે. પરંતુ સમાજના સૌ કોઇ માટે અતિ ઉપયોગી અને લાભકારક છે. સ્વંય શ્રી સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં લખ્યું છે કે ‘શિક્ષાપત્રી લખવાનું કારણ તે સર્વે એકાગ્ર મને કરીને ધારવું આ શિક્ષાપત્રી સર્વના જીવને હિતની કરનારી છે અને મનુષ્યમાત્રને મનવાંછિત ફળની દેનારી છે અને જે શિક્ષાપત્રી પ્રમાણે વર્તશે તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષએ ચાર પુરુષાર્થની સિદ્ધિને નિશ્ચે પામશે.
શિક્ષાપત્રીમાં સ્પષ્ટ આદેશ આપેલ છે કે, જે બાઇ ભાઇ આ શિક્ષાપત્રી પ્રમાણે નહીં વર્તે તો તે અમારા સંપ્રદાય થકી બાહેર છે. મોમ્બાસા – કેન્યા હિન્દ મહાસાગર તટે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પૂજનીય સંતોનાં સાનિધ્યમાં સત્સંગ પોષક શિબિર તેમજ શ્રી હરિકૃષ્ણ મહારાજનું પંચામૃતથી અભિષેક વિધિ તેમજ પ્રાતઃ પૂજા ભકિતભાવપૂર્વક પરમ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સંત શિરોમણિ શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામીએ શિક્ષાપત્રીનું મહાત્મ્ય સમજાવતાં જણાવ્યું હતું કે, શિક્ષાપત્રીની રચના શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વયં ૧૯૮ વર્ષ પહેલાં મહા સુદ પંચમીના રોજ સંવત ૧૮૮૨ માં કરી હતી. સંવત ૨૦૮૨ મહા સુદ પાંચમના રોજ ૨૦૦ વર્ષ પૂર્ણ થશે એટલે કે “શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ” અંતર્ગત શિક્ષાપત્રી સમૂહ પાઠ પારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષાપત્રી એટલે જીવન જીવવાની જડીબુટ્ટી. તેમજ તેઓએ સત્સંગ શિબિરમાં પૂજાનું માહાત્મ્ય સમજાવતાં જણાવ્યું હતું કે, પૂજા એક આવશ્યક સંસ્કાર માનવામાં આવે છે અને તેના વિના વ્યક્તિને શાંતિ મળતી નથી. પૂજા કરવાથી મનને શાંતિ મળે છે અને શરીરને અનેક અવરોધોથી મુક્તિ મળે છે. તે ભગવાન સાથે જોડાણનો એક માર્ગ છે.અને ભક્ત અને ભગવાન વચ્ચે અનન્ય સંબંધ બનાવવામાં મદદ કરે છે.
સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રીમુખવાણી વચનામૃત અને શિક્ષાપત્રીમાં પોતાના આશ્રિતોને નિત્યપૂજા કરવાની આજ્ઞા કરેલ છે. ભગવાનની પ્રાતઃપૂજા સાથે શરૂ થયેલો દિવસ પ્રસન્નતાથી પસાર થાય છે. ઈશ્વર આરાધનાનો સર્વોત્તમ કાળ બ્રાહ્મમુહૂર્ત છે, આથી સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાને પોતાના આશ્રિતોને સૂર્યોદય પહેલા ઉઠવાની આજ્ઞા આપીને તેમના આધ્યાત્મિક અને દૈહિક આરોગ્યનું જતન કર્યું છે. ભગવાન પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરવા, જીવાત્માના મોક્ષ માટે, અંતઃકરણની શાશ્વત શાંતિ માટે અને પરમાત્માના દિવ્ય સુખની અનુભૂતિ માટે પ્રાતઃપૂજા કરવી અનિવાર્ય છે. આ પ્રસંગે પૂજનીય સંતોમાં સંત શિરોમણિ શ્રી સહજાનંદ સ્વામી, શ્રી હરિકેશવદાસજી સ્વામી તથા શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામી તથા મહાનુભાવો, નાના મોટા આબાલવૃદ્ધ હરિભક્તોની ઉપસ્થિતિમાં ૨૧૨ શ્લોકો ધરાવતી શિક્ષાપત્રીનું સમૂહમાં વાચન, પૂજન, આરતી, શ્રી હરિકૃષ્ણ મહારાજનો પંચામૃતથી અભિષેક તથા આરતી ઉતારી હતી. આ અવસરનો લ્હાવો સ્થાનિક હરિભક્તોએ પરમ ઉલ્લાસભેર લીધો હતો.