Panchmahal
ઘોઘંબા તાલુકાની ચોંકાવનારી ઘટના, જનનીએ જ નવજાત શિશુને ખેતરમાં તરછોડી થઇ પલાયન
ઘોર કળિયુગ! અધધધ…. કાળજાની કુખનો કટકો નોંધારો મૂકીને જનેતા જ વેરણ બની. કહેવાય છે કે રામ રાખે તેને કોણ ચાખે?… આજની ઘટના એટલે ઘોઘંબા તાલુકાના બાકરોલ ગામના ચાર રસ્તાની બાજુમાં આવેલા કપાસના ખેતરની કોરમાં એક જ દિવસનું તાજું જન્મેલું નવજાત શિશુ પુત્ર નિરાધાર રજળતું છોડીને જન્મ દેનારી જનેતા વેરણ બની જાય છે. ક્યાં ગઈ ધર્મની વાતો? ક્યાં ગઈ એ પ્રમાણિકતાની વાતો? ક્યાં ગઈ એ પ્રેમની વાતો? ક્યાં ગઈ એ જનની જનેતાની વાતો? થર થર થર કાળજુ કંપાવતી આ ઘટનાને સામાન્ય ગણી શકાતી નથી. જન્મના કલાકોમાં જ તેને જન્મ દેનારી માતા નવજાત શિશુને રજળતું છોડીને ક્યાં ગઈ હશે? તે સ્વાભાવિક રીતે સૌને સહજતાથી પૂછતો સવાલ છે.નવ નવ મહિના સુધી તેને પેટમાં રાખી, પોતાની કુખમાં રાખીને પાલન પોષણ કર્યું છે, ત્યારે સવાલ એ વાતનો છે કે જન્મ દીધા પછી તેને આ બાળક ક્યાં નડતરરૂપ બન્યું હશે.
સમગ્ર ઘટના બાબતે ઘોઘંબા તાલુકાના રાજગઢ પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે.બી.ઝાલા અને તેઓના સ્ટાફને આ વાતની જાણ થતા તાત્કાલિક બાળકની સંભાળ લેવામાં આવી હતી અને તેને રેફરલ હોસ્પિટલ ઘોઘંબા ખાતે દેખભાળ માટે મોકલી આપવામાં આવેલ હતું. માનવતાથી મહેકતા પોલીસ અને આરોગ્ય તંત્રના કર્મચારીઓ દ્વારા નવજાત શિશુની સંપૂર્ણ સંભાળ લઈ તેને યોગ્ય રીતે સુરક્ષિત રાખી હવે પછીની સાર સંભાળ માટે ગોધરા ખાતે મોકલવામાં આવેલ છે. ખરેખર, આ બાબતે નિ: સંતાન દંપતિને પૂછવામાં આવે તો એક બાળકનુ મહત્વ કેટલુ હોય છે તેની ખબર તેને જ હોય છે. પરંતુ આજે કળિયુગે માઝા મૂકી છે ત્યારે આવા ફૂલ જેવા શિશુપુત્રને પોતાની માતાએ નિષ્ઠુર બનીને ત્યજી દે છે. નારી એ તો જગતની નારાયણી ગણાય છે, અને નારીને આંખુ જગત માતા ગણે છે, ત્યારે શું રાક્ષસી વિચાર ધરાવતી ક્રૂર માતાને કોઈ વિચાર ન આવ્યો હોય? કે હું કયું કાર્ય કરી રહી છું? આ બાળકનો ચહેરો જોઈએ છે ત્યારે બાળક તેજસ્વીતાથી પ્રફુલ્લિત દેખાય છે અને આવનાર ભવિષ્યના એક તેજસ્વી તારલાનો અહેસાસ જોવા મળે છે.