Gujarat
શ્રી સ્વામિનારાયણ મંદિર – સુખપર શ્રી ઘનશ્યામ મહારાજ દશાબ્દિ મહોત્સવની ભકિતભાવ સહ ઉમળકાભેર સમાપન…
ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના ભૂજ તાલુકામાં આવેલું મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર, સુખપર અનેક મુમુક્ષુઓનાં આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની નિશ્રામાં શ્રી સ્વામિનારાયણ મંદિર, સુખપર શ્રી ઘનશ્યામ મહારાજ દશાબ્દિ મહોત્સવનું ત્રિદિવસીય આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રી ઘનશ્યામ મહારાજ દશાબ્દિ મહોત્સવના મૂર્ધન્ય – અંતિમ દિને શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની નિશ્રામાં શ્રી ઘનશ્યામ મહારાજને ષોડશોપચારથી પૂજન – અર્ચન, ભવ્ય અન્નકૂટ ધરાવી નિરાજન – આરતી ઉતારવામાં આવી હતી.
આ પાવનકારી મૂર્ધન્ય દિને શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી મહારાજે આશીર્વાદમાં જણાવ્યું હતું કે, ભગવાનમાં અનન્ય નિષ્ઠા અને દ્રઢ આશરો રાખી મનુષ્ય જીવનને સાર્થક કરવું જોઈએ તો જ જીવનમાં શાશ્વત શાંતિ, અવિચળ સુખની પ્રાપ્તિ થાય છે. જીવનમાં બેઠા આનંદની પ્રાપ્તિ થાય છે.
ત્યારબાદ શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ – સુખપરના નાનાં મોટા આબાલવૃદ્ધ સૌ હરિભક્તોએ પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજને ભકિતભાવના ઉમળકાભેર પુષ્પમાળા તથા પુષ્પાંજલિ અર્પણ કરી આ મહોત્સવને ભકિતભાવના ઉમળકાભેર સમાપન કરવામાં આવ્યો હતો. આ દિવ્ય અણમોલ અવસરનો લ્હાવો કચ્છ, વડોદરા, પંચમહાલ, સુરત, દાહોદ વગેરે ગુજરાતના તથા ભારતના અન્ય રાજ્યોના તેમજ આફ્રિકા, અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા વગેરે દેશ વિદેશના હરિભક્તોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હર્ષોલ્લાસભેર લીધો હતો.
સં. શિ. ગુરુપ્રિયદાસજી સ્વામી