Gandhinagar
શ્રી સ્વામિનારાયણ મંદિર, વૃષપુર – બળદિયામાં અષાઢ વદ અમાસ – શ્રી સદ્ગુરુ દિનની હર્ષોલ્લાસભેર ઉજવણી, નિયાણીઓને મહાપ્રસાદ – બ્રહ્મભોજન કરાવ્યું
અષાઢ વદ અમાસના દિવસે ‘દિવાસા’નો તહેવાર આવે છે. ‘દિવાસા’ને હરિયાળી અમાસ પણ કહેવામાં આવે છે. દક્ષિણ ગુજરાતનાં હળપતિ આદિવાસીઓનો દિવાસો મુખ્ય તહેવાર છે.ચોમાસામાં વાવણી કરવામાં આવે છે.અષાઢ મહિનામાં ખેતર લીલુંછમ થઈ જાય છે. હરિયાળી અમાસ ‘દિવાસા’ના દિવસે ખેતરમાં હરિયાળી જોઇ હળપતિઓ આનંદ વ્યક્ત કરવા તૂરી, થાળી, તંબુરો, ભૂંગળ અને ઝારી કાઠી જેવાં વાદ્યો વગાડી ‘ચાળો’ નૃત્ય કરે છે અને રંગેચંગે ‘દિવાસા’ ની ઉજવણી કરે છે.તે દિવસે ઢીંગલી ઉત્સવ પણ મનાવે છે.
‘દિવાસા’ના દિવસથી દિવાળી સુધી શ્રાવણ, ભાદરવો અને આસો મહિનામાં આવતા તહેવારોની શૃંખલાની શરૂઆત થાય છે. એટલે ‘દિવાસા’ને ‘દિવાળીનો દરવાજો ‘ પણ કહેવામાં આવે છે.
શ્રીજી સ્વયંમૂર્તિ જીવનપ્રાણ અબજી બાપાશ્રીના પ્રાગટ્ય ધામ વૃષપુરમાં અષાઢ વદ અમાસ એટલે કે ૮૧ વર્ષ પૂર્વે આજના જ દિવસે સંવત ૧૯૯૯ ના દિને શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ વૃષપુર – કચ્છમાં છત્રી સ્થાને શ્રી સ્વામિનારાયણ ભગવાન, શ્રીજી સ્વયંમૂર્તિ જીવનપ્રાણ અબજી બાપાશ્રી તથા શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીબાપાનાં મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી.
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદોધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતોના સાનિધ્યમાં શ્રી સ્વામિનારાયણ મંદિર, વૃષપુર – બળદિયામાં અષાઢ વદ અમાસ – શ્રી સદ્દગુરુ દિનની ઉજવણી હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે ધૂન, કીર્તન , ધ્યાન, કથા વાર્તા, ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપાના દિવ્ય આશીર્વાદનું શ્રવણ તથા સંસ્મરણ કીર્તન વગેરે આધ્યાત્મિક સભર કાર્યક્રમો યોજાયા હતા.
આ પ્રસંગે પૂજનીય વકતા સંત શિરોમણિ શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામીએ શ્રી સદ્દગુરુ દિનનું મહાત્મ્ય સમજાવતાં જણાવ્યું હતું કે, શ્રી સદ્દગુરુ દિન એટલે સદ્દગુરુઓની સ્મૃતિ અને સદ્દગુરુઓના સંસ્મરણની સાથે જ્ઞાન પ્રકાશનું અનુસંધાન રહેલું છે. શ્રી સદ્દગુરુ દિન દ્વારા જીવાત્માનું પરિપૂર્ણ પોષણ યાને પુષ્ટિકરણ. અને એ રીતે પુષ્ટ અને શુદ્ધ થયેલા જીવાત્માનું શ્રીજીબાપા સ્વામીબાપા સાથે સંયોજન. શ્રી સદ્દગુરુ દિન એટલે જ્ઞાન યજ્ઞ અને ધ્યાન યજ્ઞ. આધ્યાત્મિક માર્ગમાં આગળ વધવા માટે જ્ઞાન યજ્ઞ અને ધ્યાન યજ્ઞ જરૂરી છે.
આ પાવનકારી અવસરે મનુષ્ય રૂપે દર્શન દાન આપતા હતા ત્યારે દર વર્ષે અષાઢી અમાસે શ્રીજી સ્વયંમૂર્તિ જીવનપ્રાણ અબજી બાપાશ્રીના સમયથી ચાલી આવતી પરંપરા નિયાણીઓને – દીકરીઓને બ્રહ્મભોજન આજે પણ કરાવવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પૂજનીય સંતોમાં શ્રી સહજાનંદચરણદાસજી સ્વામી, શ્રી ધર્મવત્સલદાસજી સ્વામી, શ્રી વિવેકભૂષણદાસજી સ્વામી, શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામી, શ્રી નિર્દોષસ્વરુપદાસજી સ્વામી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તથા દેશો દેશના હરિભક્તો આ અણમોલ અવસરનો લ્હાવો હર્ષોલ્લાસભેર લીધો હતો.