Connect with us

Gujarat

શ્રી સ્વામિનારાયણ મંદિર, નાઈરોબી – કેન્યામાં ચાતુર્માસ પ્રારંભે પૂજનીય સંતો અને હરિભકતોએ વિશેષ નિયમો ધારણ કર્યા

Published

on

શાસ્ત્રો અને પુરાણોમાં ચાતુર્માસનો વિશેષ મહિમા વર્ણવાયો છે. ચાતુર્માસ એટલે હરિની ભક્તિ કરવાનો પવિત્ર સમયગાળો.

અષાઢ સુદ અગિયારસના દિવસે શરૂ થતો ચાતુર્માસ કારતક સુદ અગિયારસના રોજ પૂર્ણ થાય છે. શાસ્ત્રો અનુસાર અષાઢ સુદ અગિયારસે ભગવાન શયન કરતા હોવાથી તેને શયની અગિયારસ અથવા દેવપોઢી અગિયારસ પણ કહેવામાં આવે છે જ્યારે કારતક સુદ અગિયારસે ભગવાન જાગતા હોવાથી તેને દેવઉઠી અગિયારસ કહેવામાં આવે છે. આ ચાર મહિના દરમિયાન ભગવાન પોઢી જતા હોવાથી ખાસ કરીને કોઈ માંગલિક કાર્યો કરવામાં આવતા નથી. ચાતુર્માસમાં કર્મયોગીઓ તેમનું કૌશલ્ય વિકાસવીને, ધાર્મિક લોકો વ્રત અને પૂજાપાઠ કરી જ્યારે યોગીઓ સાધના કરીને પોતાના જીવનને ઉન્નતિ અને કલ્યાણના માર્ગે દોરી જાય છે.

Advertisement

જો પ્રકૃતિ સાથે ચાતુર્માસને સાંકળવામાં આવે તો આ સમયમાં વર્ષાઋતુ આવતી હોવાથી નિસર્ગના ખોળે ધરતી રજસ્વલા થતા કુદરત સોળે કળાએ ખીલી ઉઠે છે. આ ચાર મહિના દરમિયાન મનોરમ્ય માહોલ અને પ્રફુલ્લિત ચિત્ત સાથે શાંત વાતાવરણમાં ઈશ્વરની આરાધાના કરવાનું ખાસ કહેવામાં આવ્યું છે. કોઈ માંગલિક કાર્યો ન કરવાના હોવાથી કોઈપણ વ્યક્તિ બાહ્ય જવાબદારીઓથી મુક્ત થઈને ઈશ્વરમાં એકચિત્ત થઈ શકે છે.

આ સમયમાં માણસની ચયાપચયની ક્રિયા એટલે કે પાચન ક્રિયા પણ નબળી પડી જતી હોવાથી આ સમયમાં ઉપાવસનો મહિમા દર્શાવવામાં આવ્યો છે. સૌથી મહત્વની વાત એ છે કે આ સમયમાં આવતી તમામ અગિયારસે નિર્જળા ઉપવાસ કરવામાં આવે છે. પરંતુ કદાચ જો અગિયારસે નિર્જળા ઉપવાસ ન થઈ શકે તો કમસે કમ ત્રણ અગિયારસ દેવપોઢી અગિયારસ, જળજીલણી અગિયારસ અને દેવઉઠી અગિયારસના દિવસે નિર્જળા ઉપવાસ કરવા જ જોઈએ તેમ સંતો કહે છે. આ અગિયારસના દિવસે ઉપવાસ કરવાનું એ મહત્વ છે કે આ પ્રકારના ઉપવાસ કરવાથી જીવનમાં ભરપુર ખુશીઓ આવે છે.

Advertisement

શ્રી સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીના ૭૬,૭૭ અને ૭૮ મા જણાવ્યું છે કે, “ચાતુર્માસમાં સૌ ભક્તોએ વિશેષપણે નિયમ ધારણ કરવા જોઈએ અને જે અસમર્થ હોય તેમણે શ્રાવણ માસમાં તો અવશ્ય વિશેષ નિયમો ધારવા જ જોઈએ. તે નિયમો જણાવતાં કહે છે કે,’ ભગવાનની કથા સાંભળવી તથા વાંચવી, ભગવાનના ગુણનું કિર્તન ગાન કરવું, પંચામૃત સ્નાનથી ભગવાનની મહાપૂજા કરવી, ભગવત્મંત્રનો જપ કરવો, સ્તોત્રમંત્રનો પાઠ કરવો, ભગવાનની પ્રદક્ષિણા કરવી તથા સાષ્ટાંગ નમસ્કાર કરવા. આ આઠ નિયમોમાં ભક્તિયુક્ત થઈને ચાતુર્માસમાં વિશેષપણે ધારવા.’ આ ઉપરાંત ગુરુદેવ જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપાની આજ્ઞા અનુસાર ધ્યાન, એકટાણાં, ધારણા-પારણાં, મંગળા આરતીના નિયમો, સંધ્યા આરતીના નિયમો, એકાદશીના નકોરડા ઉપવાસ વગેરે પણ લઇ શકાય. શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતો અને હરિભક્તોએ ચાતુર્માસના વિશેષ નિયમો ધારણ કરી સર્વોપરી શ્રી સ્વામિનારાયણબાપા સ્વામીબાપાની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!