Gujarat
નાઈરોબીમાં બિરાજમાન “શ્રી ઘનશ્યામ મહારાજ ૭૧ મો પ્રતિષ્ઠોત્સવ”
* આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં હર્ષોલ્લાસભેર ઉજવણી કરાઈ.…
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન – શ્રી સ્વામિનારાયણ મંદિર, નાઈરોબી આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. મંદિર એટલે ભગવાનને રહેવાનું સ્થાન. મંદિર આધ્યાત્મિક, નૈતિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક ,સામાજિક, ધાર્મિક વગેરે પ્રવૃતિઓનું કેન્દ્ર છે. મંદિરો એટલે માનવસુધારણાનું કેન્દ્ર સ્થાન છે.
સ્વામિનારાયણ સંપ્રદાયમાં વિવિધ ઉત્સવ અને મહોત્સવનું આગવું આયોજન કરવામાં આવે છે. કારણ ઉત્સવ મનાવવાથી જીવનમાં ઉત્સાહ અને ઉમંગ આવે છે. સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન અમદાવાદ, વડતાલ, ગઢડા, જેતલપુર, મુળી, ભુજ, માંગરોળ, કારિયાણી, પંચાળા વગેરે અનેક ધામોમાં ફુલદોલોત્સવ, વસંતોત્સવ, એકાદશી, પ્રતિષ્ઠા વગેરે વિવિધ ઉત્સવોના માધ્યમથી મોટા મોટા ઉત્સવ સામૈયા અવારનવાર કરતા. આ ઉત્સવ સામૈયાઓમાં દેશ દેશાંતરથી સંતો હરિભકતો આવીને એક સ્થળે ભેગા થતાં. શ્રી સ્વામિનારાયણ ભગવાનનું દર્શન પૂજન કરતાં. શ્રી સ્વામિનારાયણ ભગવાન પોતાના ત્યાગી ગૃહી તમામ આશ્રિતોને અલૌકિક દિવ્ય સુખ આપતા. પૃથ્વી ઉપર જ અક્ષરધામ ખડું થતું. ભક્તજનો અરસ પરસ મળીને ખુબ આનંદ અનુભવતા. શ્રી હરિના મહિમાની વાતો કરતા. શ્રી હરીને ઉત્સવ સમૈયા બહુ પ્રિય છે. ઉત્સવોના માધ્યમથી એકી સાથે હજારો જીવાત્માઓનું સહેજે સહેજે કલ્યાણ થાય છે.
આ મહોત્સવ કુલ ત્રણ દિવસનો ઊજવવામાં આવ્યો હતો. જેમાં સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રીમુખવાણી – શ્રી રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહ વચનામૃત ગ્રંથ તથા પૂજન, અર્ચન, ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમ, ભકિત સંગીત વગેરે વિવિધ ભક્તિ સભર કાર્યક્રમોનાં આયોજન પણ કરવામાં આવ્યાં હતાં. મહોત્સવનાં તૃતીય દિને મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી તથા પૂજનીય સંતો હરિભક્તોના સાન્નિધ્યમાં સુસજ્જ મંદિર મહેલ શોભી રહ્યો ત્યારે તેનો ૭૧ મો વાર્ષિકોત્સવ હર્ષોલ્લાસભેર ઊજવવામાં આવ્યો હતો. શ્રી સ્વામિનારાયણ મંદિર, નાઈરોબીમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજની ષોડશોપચારથી પૂજાવિધિ, અન્નકૂટોત્સવ, શ્રી મુક્તજીવન સ્વામીબાપાના દિવ્ય આશીર્વાદ, આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજના આશીર્વાદ વગરે અનેકાનેક આધ્યાત્મિક કાર્યક્રમો સુસંપન્ન થયા હતા.
સ્વામિનારાયણબાપા સ્વામીબાપા, વેદરત્ન આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના દિવ્ય દર્શન તથા પરમ પૂજય આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજના પરમ સાનિધ્યે સંતો, ભક્તો અને શ્રદ્ધાળુઓ આધ્યાત્મિક આનંદની અનુભૂતિ પામ્યા હતા. ભારત, કેન્યા, યુગાન્ડા, ટાન્ઝાનિયા, રવાન્ડા, કોંગો, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, ન્યુઝીલેન્ડ, યુરોપ વગેરે દેશ-વિદેશના હજારો હરિભક્તોએ પૂજન, અર્ચન, આરતી, અન્નકૂટ દર્શન, દિવ્ય આશીર્વાદનો લ્હાવો લીધો હતો આ રીતે ત્રિદિનોત્સવની હર્ષોલ્લાસભેર ઉજવણી કરાઈ હતી.