Surat
સુરતના કતારગામ વડલા સર્કલ પાસે બસ પાર્કીંગની જગ્યામાં શ્રાવણીયો જુગાર રમતા વૃદ્ધ બસ પાર્કીંગ સંચાલક સહિત છ ઝડપાયા

સુનિલ ગાંજાવાલા
સુરત ક્રાઈમ બ્રાન્ચે કતારગામ વડલા સર્કલ પાસે બસ પાર્કીંગની જગ્યામાં શ્રાવણીયો જુગાર રમતા વૃદ્ધ પાર્કીંગ સંચાલક સહિત છ ને ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂ.2.41 લાખ, છ મોબાઈલ ફોન મળી કુલ રૂ.2.89 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.ક્રાઈમ બ્રાન્ચને વૃદ્ધ પાર્કીંગ સંચાલક પાસેથી વ્હીસ્કીની ત્રણ બોટલ પણ મળતા અલગથી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મળેલી બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે ગત બપોરે કતારગામ વડલા સર્કલ પાસે આમંત્રણ રેસ્ટોરન્ટની બાજુની ગલીમાં આવેલા રાજુભાઈ ગજેરાના પતરાવાળી શેડવાળી બસ પાર્કીંગની જગ્યામાં રેઈડ કરતા ત્યાં ખુલ્લી જગ્યામાંજુગાર રમતા છ વૃદ્ધ અને આધેડ મળ્યા હતા.
ક્રાઈમ બ્રાન્ચે બસ પાર્કીંગ સંચાલક રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ ગોપાલભાઈ ગજેરા ( ઉ.વ.62, રહે.202, સાંત્વન હાઈટસ, હાથી મંદિરની સામે, કતારગામ, સુરત ) સહિત છ ને શ્રાવણીયો જુગાર રમતા ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂ.2,41,300, રૂ.48 હજારની મત્તાના છ મોબાઈલ ફોન મળી કુલ રૂ.2,89,300 નો મુદ્દામાલ કબજે કરી આ અંગે ગુનો નોંધ્યો હતો.ક્રાઈમ બ્રાન્ચને રેઈડ દરમિયાન બસ પાર્કીંગ સંચાલક રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ ગજેરા પાસેની કાળા કલરની પ્લાસ્ટીકની થેલીમાંથી રૂ.495 ની મત્તાની વ્હીસ્કીની ત્રણ બોટલ પણ મળી હતી.તે અંગે પૂછતાં રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈએ પોતાને દારૂ પીવાની ટેવ હોય ઘણા દિવસો અગાઉ દમણ ગયા હતા ત્યારે ત્યાંથી લાવ્યાની કબૂલાત કરી હતી.ક્રાઈમ બ્રાન્ચે આ અંગે અલગથી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.