Surat
અડાજણ માં જર્જરિત એપાર્ટમેન્ટનો સ્લેબ ધરાશાયી લોકો માં નાસભાગ
સુનિલ ગાંજાવાલા
સુરતનાં પાલનપુર જકાતનાકા વિસ્તારમાં જર્જરિત ઈમારતમાં દાદરનો સ્લેબ ધરાશાયી થતાં ભારે નાસભાગ મચી હતી. આ દુર્ઘટનાને પગલે એક બાળકીને સામાન્ય ઈજા પહોંચી હતી, બીજી તરફ ફાયર વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને એપાર્ટમેન્ટમાંથી લોકોને ખસેડી બિલ્ડીંગ ખાલી કરાવી દીધી હતી. પાલિકાએ એપાર્ટમેન્ટ સીલ કરાવી દીધું હતું.સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પાલનપુર જકાતનાકા વિસ્તારમાં શાકભાજી માર્કેટની પાછળ આવેલા વિશ્વાસ વિનાયક બિલ્ડિંગમાં ત્રીજા માળે દાદરનો સ્લેબ અચાનક ધરાશાયી થઈ ગયો હતો.
આ દુર્ઘટનાને પગલે ફ્લેટ હોલ્ડરોમાં ભાગદોડ મચી ગઈ હતી. સ્લેબનો ભાગ ધરાશાયી થતાં એક બાળકીને સામાન્ય ઈજા પહોંચી હતી. બાળકીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ ઘટના અંગે જાણ કરાતા ફાયર બ્રિગેડનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો.જર્જરિત થઈ ચૂકેલી ઈમારતને રિપેર કરવા માટે પાલિકાએ નોટિસ પણ આપી હતી. જોકે, તેને રિપેર કરાવવા માટે ફ્લેટ હોલ્ડર્સની આળસને પગલે ત્રીજા માળના દાદરનો સ્લેબ ધરાશાયી થઈ હતી. ધડાકાભેર સ્લેબ પડતાં આસપાસના વિસ્તારમાં પણ લોકો ગભરાઈને બહાર આવી ગયા હતા. એપાર્ટમેન્ટમાં વસવાટ કરતાં પરિવારોને ખાલી કરાવી પાલિકાએ બિલ્ડીંગને સીલ મારી દીધું હતું.