Surat
સચિનમાં નિંદ્રા માણી રહેલા પરિવાર પર સ્લેબના પોપડા પડ્યા, 1 વર્ષીય બાળકીનું મોત
સુનિલ ગાંજાવાલા
સુરતના સચિન વિસ્તારમાં નિંદ્રા માણી રહેલા પરિવાર પર સ્લેબના પોપડા પડ્યા હતા. આ ઘટનામાં 1 વર્ષીય બાળકીને ગંભીર ઈજાઓ થતા તેણીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં બાળકીને મૃત જાહેર કરાતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.મળતી માહિતી મુજબ, મૂળ ઉતર પ્રદેશના વતની અને હાલમાં સચિન જીઆઇડીસી વિસ્તારમાં આવેલી રામેશ્વર કોલોનીમાં રાહુલ યાદવ પરિવાર સાથે રહે છે.તેઓ મિલમાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેના પરિવારમાં પત્ની, એક પુત્ર અને 1 વર્ષીય પુત્રી શિવાની હતી. એક રૂમમાં જ આખો પરિવાર રહે છે. દીકરી માતા સાથે બે મહિના પહેલાં જ વતનથી સુરત આવી હતી.
ગતરાત્રીના સમયે ત્રણ માળના મકાનમાં બીજા માળે રૂમમાં આખો પરિવાર સૂતો હતો. પરિવાર નિંદ્રા માણી રહ્યો હતો. આ દરમિયાન રાત્રીના 3 વાગ્યા બાદ એકાએક સિલીંગના પોપડા પડ્યા હતા. જેમાં 1 વર્ષીય બાળકી શિવાનીને ગંભીર ઈજાઓ થઇ હતી. જ્યારે પરિવારના અન્ય સભ્યોને પણ સામાન્ય ઈજાઓ થઇ હતી. પરિવારની બૂમાબૂમથી આસપાસથી લોકો દોડી આવ્યા હતા.બીજી તરફ 1 વર્ષીય બાળકીને માથાના ભાગે ગંભીર થઇ હોય ઈજાગ્રસ્ત હાલતમાં તેણીને તાત્કાલિક સારવાર માટે સિવિલ લઈ જવામાં આવી હતી. જોકે, તેને સારવાર મળે તે પહેલાં જ મોતને ભેટી હતી. પરિવારની એકની એક દીકરીના મોતના પગલે શોકનો માહોલ છવાઈ ગયો હતો.