Gujarat
સંકટની ઘડીમાં સગર્ભા બહેનોની વિશેષ કાળજી
વડોદરા તાલુકાના સીસવા ગામે આરોગ્ય તંત્રએ સતર્કતા અને સંવદેનશીલતા દાખવી સગર્ભા બહેનની કરાવી સલામત સુવાવડ
વડોદરા હાલ અતિ મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે, ત્યારે સંકટની આ ઘડીમાં સગર્ભા બહેનોની વિશેષ કાળજી લેવામાં આવી રહી છે. ભારે વરસાદની સ્થિતિ અને પ્રસૂતિની શક્યતામાં મહિલાને તકલીફ ના પડે તેવી આરોગ્ય તંત્ર કરાયેલી વ્યવસ્થાની સાફલ્યગાથાઓ સામે આવી રહી છે.
વડોદરા તાલુકામાં સીસવા ગામના સગર્ભા બહેન કોમલબેન નાયકની સંભવિત ડિલિવરીની તા. ૨૮-૦૮-૨૦૨૪ હોવાથી સોખડા સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓએ તેમનો ટેલિફોનિક સંપર્ક કર્યો હતો. આ વાતચીત દરમિયાન સગર્ભા બહેને તેમના ઘરની આસપાસ ખૂબ જ પાણી ભરાયા હોવાનું જણાવ્યું હતું.
ટેલિફોનિક વાતચીત દરમિયાન ગંભીરતા સમજીને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સોખડાની એમ્બ્યુલન્સ દ્વારા તા. ૨૫-૦૮-૨૦૨૪ ના રોજ તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને સલામત રીતે આ આરોગ્ય કેન્દ્રમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ બીજા દિવસે એટલે કે તા. ૨૬-૦૮-૨૦૨૪ ના રોજ સાંજે ૪ કલાકે અહીં સલામત રીતે તેમની પ્રસૂતિ કરાવવામાં આવી હતી. ત્રણ દિવસ સુધી પી.એચ.સી-સોખડાના પ્રસૂતિ વિભાગમાં રાખ્યા બાદ તા. ૨૯-૦૮-૨૦૨૪ ને ગુરૂવારના રોજ પ્રસૂતા મહિલાને તેમના રહેઠાણ પર સલામત રીતે પહોંચાડવામાં આવ્યા છે. હાલ માતા તેમજ બાળક બંને સ્વસ્થ છે. આવી વિકટ પરિસ્થિતિમાં પણ ફરજનિષ્ઠા દાખવી પ્રશંસનીય કામગીરી કરનાર આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ અને આરોગ્ય વિભાગનો પ્રસૂતાના પરિવારજનોએ આભાર વ્યક્ત કર્યો હતો.