Chhota Udepur
ગ્રામ વિકાસ, આંગણવાડી, સ્વચ્છતાની બાબતોમાં એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ અંતર્ગત કવાંટ અને નસવાડી તાલુકાના વિકાસ માટે ખાસ આયોજન
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
ભારત સરકારના નીતિ આયોગ દ્વારા નક્કી કરાયેલા એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ કાર્યક્રમ અંતર્ગત વિકસિત થનારા તાલુકાઓ તરીકે વેગવાન બનાવવા માટે વિશેષ ભાર મૂકાઈ રહ્યો છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લાના એસ્પિરેશનલ બ્લોક તરીકે નસવાડી અને કવાંટ તાલુકાઓને ગુજરાતના અન્ય ૧૩ તાલુકાઓ સાથે એબીપી કેટેગરીમાં લેવામાં આવ્યા છે. આવા તાલુકા ભારતમાં કૂલ ૫૦૦ જેટલા છે જેને અન્ય તાલુકાઓની સમાન કક્ષામાં લાવવા માટે ખાસ આયોજન પૂર્વક રણનીતિ બનાવવામાં આવી છે.
એબીપી હેઠળ આજે જીલ્લા સેવા સદન ખાતે વીસી હોલમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગાંધીનગરથી મનીષા ચન્દ્રા, કમિશનર, ગ્રામીણ વિકાસ વિભાગ અને સેક્રેટરી પંચાયત ગ્રામીણ આવાસ અને ગ્રામીણ વિકાસ, સચિવાલય તેમજ કે.કે નિરાલા, કમિશનર, મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ સેક્રેટરી બાળ વિકાસ વિભાગ, સચિવાલયના સંયુક્ત અધ્યક્ષસ્થાને આ બેઠક યોજવામાં આવી હતી. જેમાં આરોગ્ય, શિક્ષણ, સ્વચ્છતા વગેરે બાબતોને લઈને સંબંધિત અધિકારીઓએ ગાંધીનગરથી આવેલા સેક્રેટરીઓ સમક્ષ પ્રેજન્ટેશન રજુ કર્યું હતું તેમજ આંકડાકીય માહિતી આપી હતી.
એસ્પીરેશનલ બ્લોક પ્રોગ્રામ હેઠળ સ્વાસ્થ્ય, શિક્ષણ, કૃષિ, બેઝીક માળખાકીય સુવિધાઓ, સામાજિક વિકાસ જેવી બાબતો પર ખાસ ભાર આપવામાં આવ્યો છે, આ બાબતોને લઈને કેટલાક સુચકાંકો નિર્ધારિત કરવામાં આવ્યા છે જેને આધારે આ બંને તાલુકાઓનું મૂલ્યાંકન કરી કેટલી પ્રગતિ થઈ છે તેનો સારાંશ કાઢવામાં આવે છે. આ અંગે સુશ્રી મનીષા ચંદ્રાએ જણાવ્યું હતું કે આવા તાલુકામાં પ્રાંત અધિકારી નોડલ ઓફિસર તરીકે કાર્ય કરશે અને દરેક બાબતોને ઝીણવટ પૂર્વક તપાસી તેને આધારે તેનું મૂલ્યાંકન કરવામાં આવશે, આ એક ધીમી પ્રક્રિયા છે પરંતુ ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે આવા તમામ તાલુકાઓનો વિકાસ ખુબ જરૂરી છે. તાલુકાના તમામ ગામ સુધારશે, તેની આર્થિક સ્થિતિ સુધારશે, આંગણવાડીની બહેનો, સ્વ સહાય જૂથોની બહેનોને ટ્રેનિંગ આપી તેઓ આ દેશની બ્રાન્ડ એમ્બેસેડર બનશે, એક બીજાને હેન્ડ હોલ્ડીંગ સપોર્ટ મળવો ખુબ જરૂરી છે. બહેનોના લગ્ન ૧૮ વર્ષ પછી જ થાય, દરેક સગર્ભાની ડીલીવરી હોસ્પિટલ કે પીએચસી પર થાય, બહેનો ગ્રામ પંચાયત, તાલુકા પંચાયતમાં ભાગ લે આ બધું વિકાસ માટે ખુબ જરૂરી છે. બહેનોની કેપેસીટી બિલ્ડીંગ માટે ટ્રેનિંગ આપવામાં આવે.
આ બેઠકમાં પોતાના ઈનપુટ આપતા કે.કે નિરાલા એ જણાવ્યું હતું કે દર વર્ષે પ્રત્યેક આંગણવાડીને રૂપિયા ૮૫૦૦ મળે છે આ રકમ કોઈ પણ કાર્ય માટે તેઓ ખર્ચી શકે છે. છોટાઉદેપુર જિલ્લાને નંબર ૧ બનાવવા માટે દરેક સુચકાંકોમાં ઉચ્ચ ગુણાંક મેળવવા જરૂરી છે. આંગણવાડીમાં સગર્ભા બહેનો અને ધાત્રી માતાઓને ટીએચઆર (ટેક હોમ રાશન) આપવામાં આવે છે તે બહારના ડોક્ટર દ્વારા લખી આપવામાં આવતા શક્તિના પાઉડર કરતા પણ સારા અને અસરકારક હોય છે. પણ આપણને મફતમાં મળતી વસ્તુઓની ગુણવતા નથી દેખાતી. આમ બંને સેક્રેટરીઓ એ સંયુક્ત બેઠકમાં છોટાઉદેપુર જિલ્લાને દરેક ક્ષેત્રોમાં આગળ નીકળવાની સંભાવના રહેલી છે તેવું જણાવ્યું હતું.
બેઠક પૂર્ણ થયા બાદ ગાંધીનગરથી આવેલા બંને અધિકારીઓ કવાંટ તાલુકાના આથાડુંગરી ગ્રામ પંચાયતની મુલાકાત લીધી હતી જ્યાં ગામ લોકોએ પરંપરાગત રીતે મહેમાનોનું સ્વાગત ઢોલ નગારાથી કરીને દરેક અધિકારીઓને લાલ પાઘડી પહેરાવી હતી. આથાડુંગરી ગામમાં પણ સુશ્રી મનીષા ચંદ્રાએ ગામ લોકોને પોતાના ગામને સમગ્ર દેશ માટે આદર્શ ગામ બનાવવા માટે પ્રેરણા આપી હતી. આ મુલાકાત બાદ વિકસિત તાલુકાઓ માટે ફરી તમામ પેરામીટરથી ચકાસવામાં આવશે અને ગાંધીનગરથી ગુજરાતના તમામ એસ્પીરેશનલ તાલુકાના જે તે જીલ્લાના અધિકારીઓ સાથે મુખ્ય સચિવ વિડીયો કોન્ફરન્સથી માહિતી લેનારા છે