Ahmedabad
“શ્રી નીલકંઠવર્ણી સ્મૃતિ યાત્રા” ભવ્યતા સાથે અન્નકૂટ, પૂજન – અર્ચન આધ્યાત્મ સભર ઉત્સવ યોજાયો…
શ્રી નીલકંઠવર્ણી ૭ વર્ષની વન વિચરણની યાત્રામાં લગભગ અઢી વર્ષ નેપાળમાં રહીને સર્વે સ્થાનોને તીર્થત્વ બક્ષ્યું છે. શ્રી નીલકંઠવર્ણીએ ૧૨ વર્ષની કોમળ વયે નગાધિરાજ હિમાલયના હિમાચ્છાદિત પર્વતો નીલગિરિ અને ધવલગિરિ પાસે ચાતુર્માસમાં – ચાર મહિના મુક્તિનાથ – પુલ્હાશ્રમમાં તપની મુદ્રા – એક પગે ઊભા રહીને બે હસ્ત ઊર્ધ્વ રાખીને ઉગ્ર તપશ્વર્યા કરી હતી. તે તપોભૂમિના પાવન દર્શન માટે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાને “શ્રી નીલકંઠવર્ણી સ્મૃતિ યાત્રા”નું આયોજન કર્યું હતું.
જેમાં આફ્રિકા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, યુરોપ, ભારત સહિતના ૬૩૦ કરતાં વધુ સંતો હરિભક્તોનો વિશાળ સમુદાય સાથે મુક્તિનાથ – પુલ્હાશ્રમ પહોંચ્યાં હતા. ૧૨,૫૦૦ ફીટની ઊંચાઈ પર આવેલા પુલ્હાશ્રમમાં ઠંડા ભેજવાળા વરસાદી વાતાવરણની પરવા કર્યા વગર સૌએ ભક્તિ મહિમાએ સહિત મુકિતનાથમાં પ્રયાણ કર્યું. પુલ્હાશ્રમમાં શ્રી નીલકંઠવર્ણીને પાલખીમાં બિરાજમાન કરી ધૂન ભજન ઓચ્છવ કરતાં શ્રી નીલકંઠવર્ણી મહારાજે તપશ્ર્ચર્યા કરી એ છત્રી સ્થાનમાં પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજે શ્રી નીલકંઠવર્ણી મહારાજનું પુષ્પહાર પહેરાવી પૂજન , અર્ચન કર્યું હતું. ત્યારબાદ સૌ સંત હરિભક્તોએ સાથે મળી જનમંગલ સ્તોત્રની ભગવાનની સ્મૃતિએ સહિત સ્તુતિ કરી અક્ષત – પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યાર બાદ મુક્તિનાથ – પુલ્હાશ્રમમાં શ્રી નીલકંઠવર્ણી મહારાજની સમક્ષ ભવ્યતા અને દિવ્યતા સભર અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.
અન્નકૂટ આરોગતા શ્રી નીલકંઠવર્ણી મહારાજની આરતી ઉતારી હતી તથા સંતો હરિભક્તો મંડળે સહિત પણ આરતી ઉતારવાના દિવ્ય લ્હાવા લીધા હતા. અને ત્યારબાદ સહુ હરિભક્તોએ દિવ્ય અન્નકૂટની પ્રસાદી ગ્રહણ કરી અને ભગવાનની દિવ્ય સ્મૃતિએ સહિત તથા મહિમાએ સહિત” શ્રી નીલકંઠવર્ણી સ્મૃતિ યાત્રા”માં સૌભાગ્યશાળી બન્યા હતા. આ ઐતિહાસિક અને અવિસ્મરણીય અવસરના સાક્ષી દેશ વિદેશના અને નેપાળ વાસીઓ બન્યા હતા.