Ahmedabad
ટાન્ઝાનિયામાં શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય સ્વામીજી મહારાજનું પ્રથમ પાવનકારી વિચરણ અને સ્વામીબાપા સમક્ષ ધરાવાયો અન્નકૂટ…
ટારાંગિરે નેશનલ પાર્કના વન્ય પ્રાણીઓને અભયદાન…
ઇસ્ટ આફ્રિકાના ત્રણ દેશોમાંનો એક ટાન્ઝાનિયા દેશ છે. આ દેશમાં અરુશા શહેર આવેલું છે, જે શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર શ્રી મુક્તજીવન સ્વામીબાપા તથા શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના પુનિત પદરેણુથી અનેકવાર પાવન થયું છે.
શ્રી સ્વામિનારાયણ ગાદીના ષષ્ઠ આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ અરુશા – ટાન્ઝાનિયા રાષ્ટ્રમાં સૌ પ્રથમ પાવનકારી વિચરણાર્થે પધારતાં હરિભક્તોએ પરમ ઉમળકાભેર સોલ્લાસપૂર્ણ માલ્યાર્પણ કરી સ્વાગત કર્યું હતું.
અરુશા શહેરમાં આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિરમાં સ્વામિનારાયણબાપા સ્વામીબાપા સમક્ષ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. પૂજન અર્ચન નિરાજન બાદ જીવનપ્રાણ અબજી બાપાશ્રીની વાતોની સમૂહ પારાયણો, સંતવાણી અને શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજના આશીર્વાદ વગેરે અનેકવિધ અધ્યાત્મસભર કાર્યક્રમોનું અનેરું આયોજન કરવામાં આવ્યું હતું. અંતે સહુએ શ્રીજીપ્રભુનો પરમ પ્રસાદ પરમોલ્લાસભેર માણી યથાસ્થાને પ્રસ્થાન કર્યું હતું.
વળી, ટાન્ઝાનિયા રાષ્ટ્રનો છઠ્ઠો સૌથી મોટો રાષ્ટ્રીય પાર્ક – ટારાંગિરે નેશનલ પાર્ક જે મસાઇ સ્ટેપ્પીના ગ્લેડ્સ અને ગ્રેટ રિફ્ટ વેલીના પુલ વચ્ચે આવેલો છે.
ટારાંગિરે નેશનલ પાર્ક, અરુષાથી 120 કિમી દૂર છે. જેનું નામ “ટારાંગીર નદી” પરથી પડ્યું છે. આશ્ચર્યજનક વિશાળ બાઓબાબ વૃક્ષો પર્યટકો માટે અનેરૂં આકર્ષણ છે.
આ નેશનલ પાર્ક 2,850 ચોરસ કિલોમીટરના વિસ્તારને આવરી લે છે અને તેની સ્થાપના 1970 માં કરવામાં આવી હતી.
ઝેબ્રાસ, કેપ બફેલો, વોટરબક, જિરાફ, ઇમ્પાલા, વાઇલ્ડબીસ્ટ, ગઝેલ, એલેન્ડ, ઓલિવ બેબુન, સિંહ, આફ્રિકન જંગલી કૂતરો, ફ્રિન્જ-ઇયર ઓરીક્સ, મધ બેડગર , વોર્થોગ વગેરે વન્યપ્રાણીઓ નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. સૌથી વિશેષ હાથીઓના મોટા ટોળાઓ માટે જાણીતું રહેઠાણ છે. તે સર્વેને અભયદાન અર્પી ને પુનઃ અરુશા પધાર્યા હતા.