Ahmedabad
શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા ટોરન્ટો – કેનેડામાં ઘનશ્યામ મહારાજનો નવમા વાર્ષિક પાટોત્સવની દબદબાભેર ઉજવણી કરાઈ

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિર, ટોરન્ટો – કેનેડા મુમુક્ષુઓનું શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે. કેનેડાનું હૃદય ગણાતા ટોરેન્ટો શહેરના સ્કારબોરો વિસ્તારમાં સ્વામિનારાયણબાપા સ્વામીબાપાની વિશેષ ને વિશેષ કૃપા વર્ષા થઈ છે. સ્વામિનારાયણબાપા સ્વામીબાપાની કૃપાથી શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પંચમ વારસદાર વિશ્વવાત્સલ્યમહોદધિ આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે મંદિર મહેલનું નિર્માણ કરી આપ્યું છે. આપણા સહુમાં સત્સંગનાં સંસ્કાર જળવાઈ રહે અને વિદેશના વિલાસી વાતાવરણમાં પણ સત્સંગ દ્રઢ રહે તે માટે વિદેશની ધરતી પર સર્વ પ્રથમ પગલાં માંડનાર આપણા ક્રાંતદ્રષ્ટા, આર્ષદ્રષ્ટા ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપા. અને ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપાના સાચા વારસદાર એવા વિશ્વવાત્સલ્યમહોદધિ આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે પોતાના આશ્રિતોના જીવનની ફુલવાડીમાં ભક્તિની ફોરમ ફેલાવી છે.
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિર, ટોરન્ટો – કેનેડામાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજનો ભવ્ય નવમો વાર્ષિક પ્રતિષ્ઠોત્સવ યોજાયો હતો. વિશ્વવાત્સલ્યમહોદધિ આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના અવિરત વિચરણથી ટોરન્ટો – કેનેડામાં સત્સંગની અભિવૃદ્ધિ થઈ.
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં “શ્રી સ્વામિનારાયણ મંદિર, ટોરન્ટો – કેનેડામાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજનો નવમા વાર્ષિક પ્રતિષ્ઠોત્સવ” દ્વિદિવસીય મહોત્સવની દિવ્યતા અને ભવ્યતા સભર પરમ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.
આ મહોત્સવ દરમ્યાન શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથ તથા જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રીની વાતોની સમૂહ પારાયાણો, કથાવાર્તા, શ્રી મુક્તજીવન સ્વામીબાપા પાઈપ બેન્ડ – કેનેડાનું પર્ફોમન્સ, ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમ, સમૂહ રાસ, ષોડશોપચારથી, પૂજન, અર્ચન, અન્નકૂટ દર્શન, આરતી, પરમ પૂજ્ય આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજના આશીર્વાદ વગેરે અધ્યાત્મસભર કાર્યક્રમો યોજાયા હતા.
આ દિવ્ય પાવનકારી અવસરે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં સંતો તથા હરિભક્તોએ શ્રી ઘનશ્યામ મહારાજનો ષોડશોપચારથી પાટોત્સવ વિધિ, પૂજન, અર્ચન, અન્નકૂટોત્સવ, આરતી ઉતારવાનો અલભ્ય લાભ લીધો હતો.
આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજે આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે, સ્વામિનારાયણબાપા , સ્વામીબાપાની સ્મૃતિ તાજી ને તાજી રહે તે માટે આપણા વિશ્વવાત્સલ્યમહોદધિ આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે આપણને આ મંદિર મહેલ આપ્યો છે. જો એ ભગવાનની નજરમાં રહીએ એટલે નિયમિત રીતે મંદિર આવીએ, દર્શન, પ્રાર્થના કરીએ, કથાવાર્તા કરીએ, સત્સંગની સેવા કરીએ તો એ દયાળુ પૂર્ણ પુરુષોત્તમ સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનની કૃપામય દ્રષ્ટિ આપણા ઉપર પડતી રહે ત્યારે જ સાચા સેવક થયા કહેવાઈએ અને આવા સાચા સેવક ભગવાનને બહુ ગમે છે. ભગવાનના સાચા સેવકે ભગવાનનું ભજન નિરંતર કરવું. ભગવાનનું ભજન મોક્ષ માર્ગ માટે જરૂરી છે અને હિતકારી છે. પાટોત્સવ પર્વે ટોરન્ટો મહાનગરના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ દિવ્ય અવસરનો લ્હાવો દેશ વિદેશના હરિભક્તોએ દબદબાભેર લીધો હતો.