Ahmedabad
શ્રી સ્વામિનારાયણ મંદિર, ડેલાવર, યુએસએમાં ઘનશ્યામ મહારાજના નવમા પાટોત્સવ સાથે ગુરુપૂર્ણિમાની પરમોલ્લાસભેર ઉજવણી કરાઈ…..
ડેલાવર અમેરિકા રાષ્ટ્રનો દ્વિતીય ક્રમાંકનું સૌથી નાનું રાજ્ય છે અને સૌથી ગીચ વસ્તીવાળા પૈકીનું એક છે. રાષ્ટ્રનાધ ફર્સ્ટ સ્ટેટ –ડેલાવર રાજ્ય જે ધ ડાયમંડ સ્ટેટ, બ્લુહેનસ્ટેટ, સ્મોલ વન્ડર નામોથી સુપ્રસિદ્ધ રાજ્યમાં આવેલા શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિરનો નવમો પાટોત્સવ ઊજવાયો હતો. શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજની અધ્યક્ષતામાં શ્રી ઘનશ્યામ મહારાજનો નવમો પાટોત્સવ તથા ગુરુપૂર્ણિમાની દબદબાભેર–પરમોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. આ બંને પાવનકારી અવસરે કીર્તનભક્તિ, સંતવાણી, અબજીબાપાની વાતોની સમૂહ પારાયણ, ષોડશોપચારથી પૂજન, અર્ચન, પાટોત્સવ વિધિ, ધ્વજારોહણ, અન્નકૂટ દર્શન, કેકકટીંગ સેરેમની, મહાપ્રસાદ આદિ વિભિન્ન ધાર્મિકતાસભર કાર્યક્રમો સુસંપન્ન થયા હતા.
ભારતીય સંસ્કૃતિમાં અને તેમાં પણ ખાસ કરીને હિંદુ ધર્મના લોકોમાં ગુરુનો મહિમા ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. ગુરુ શબ્દ બે શબ્દોનો બનેલો છે. ગુ અંધકાર અને રુ પ્રકાશની યુતિ છે. આમ, ગુરુ એટલે અજ્ઞાનરૂપી અંધકારથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જનારી શક્તિ. ગુરુ એ એવું સરોવર છે જેના સાન્નિધ્યમાં વ્યક્તિ ફક્ત જ્ઞાન જ નથી અર્જિત કરતો પણ જીવનમાં આવનાર મહત્ત્વના સમય વિશે અને એ સમયને કેવી રીતે પસાર કરવો એ વિશે પણ આત્મબળ પ્રાપ્ત કરે છે. ગુરુ હિંમત આપે છે કે કોઈપણ કસોટીથી ડરો નહીં એ તમારા સારા માટે થતી હોય છે. આપણી ભારતીય સંસ્કૃતિ આટલી જે ઉચ્ચ સ્થાને છે એ સ્થાનને જાળવી રાખવામાં ગુરુજનોનો ફાળો ખૂબ જ મહત્ત્વનો રહ્યો છે અને રહેશે. ગુરુ તો જ્ઞાન – વિવેકથી છલોછલ ભરેલો ચરુ. એ ચરુમાંથી જેટલો ખજાનો તમે અર્જિત કરવા સમર્થ બનો એટલો કરી લેવો જોઈએ. કારણ ગુરુનો આવો મહિમાનો લાભ જે તે સમયે ન લેનારને ઘણી વાર પસ્તાવાનો વારો આવે છે, પણ ત્યારે ઘણું મોડું થઈ જાય છે.
ગુરુપૂર્ણિમા એક હિન્દુ તહેવાર છે જે આધ્યાત્મિક અને શૈક્ષણિક શિક્ષકોને સમર્પિત છે. હિન્દુઓ ગુરુપૂર્ણિમાના દિવસે પરંપરાગત રીતે તેમના ગુરુજીના આશીર્વાદ લે છે તથા તેમનો આભાર વ્યક્ત કરે છે. ગુરુપૂર્ણિમા ગુજરાતી મહિનાની અષાઢ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. ગુજરાતીઓ આ દિવસે તેમના ગુરુજીના આશીર્વાદ લેવા માટે પહોંચી જાય છે, હવે આ પરંપરા વિદેશોમાં સ્થાયી થયેલા ગુજરાતીઓમાં પણ જોવા મળી છે. અમેરીકામાં, ડેલાવર ખાતે આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિરમાં પણ ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નાના ભુલકાથી માંડીને મોટી ઉંમરના હરિભક્તોએ ભક્તિભાવ પૂર્વક ભાગ લીધો હતો.
શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિર ડેલાવરમાં સ્વામિનારાયણબાપા સ્વામીબાપા, વેદરત્ન આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના દિવ્ય સાનિધ્યમાં તથા પ્રવર્તમાન આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રીની અધ્યક્ષતામાં આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વભરમાં શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનનાં મંદિરોમાં વૈદિક મંત્રોના શાંતિપાઠ સહ ગુરુ પૂજન, ગુરુ સ્તુતિ, ગુરુ મહાત્મ્ય, ગુરુના ગુરુત્વનું ગૌરવ સદૈવ ગગનગોખે ગુંજતું રહે તે સાધનામાં લાગી રહેવાની હાકલ કરવામાં આવી હતી.
આવા દિવ્ય પાવનકારી અવસરે પરમ પૂજ્ય આચાર્ય સ્વામીશ્રી મહારાજે આશીર્વાદમાં જણાવ્યું હતું કે, સમર્થ ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપાનું વચન એ આપણો મંત્ર. એ વચનમાં વિશ્વાસ આવે તો જ કામ થાય. જેના પર ભગવાનની દયા હોય તેને વચનમાં વિશ્વાસ આવે તો જ માલ મનાય. કરોડો રૂપિયા ખર્ચતા જે ભગવાનની પ્રાપ્તિ ન થાય તે પ્રાપ્તિ આપણને આપણા ગુરુદેવ શ્રી જીવનપ્રાણ સ્વામીબાપાએ કરાવી છે. એ કેટલી બધી દયા કહેવાય.
આ કારણ સત્સંગમાં સ્વામીબાપાએ જન્મ આપ્યો છે તે ખરેખર દયા કરી છે તો હવે ક્યારેય આપણને આપણા જીવનમાં કુસંગ ન લાગે તેનું ધ્યાન રાખવાનું છે. સૌથી વધારે મનનો કુસંગ જીવ ને નડે છે. જો મનની માનેલી સમજણ મૂકી દઈને ભગવાન તથા મોટાએ જે રાહ ચીંધ્યો હોય, આજ્ઞા કરી હોય તે પ્રમાણે વર્તાય, તે જ ભક્તિ કહેવાય. ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ કહ્યું છે કે, “ભગવાન રાખે તેમ રેહવું; દેખાડે તે જોવું; અને કહે તેમ કરવું” આ સૂત્રનો બરાબર અમલ થાય તો કોઈ પણ પ્રકારનું દુઃખ ન રહે. વળી, આપણને ગુરુદેવ શ્રી મુકજીવન સ્વામીબાપાએ શ્રી સ્વામિનારાયણ ગાદી આપી છે તેની જેમ જેમ વધારે ને વધારે પુષ્ટિ થાય તેવા પ્રયત્ન કરતા રહીયે તો સત્સંગને ઘર માન્યું કહેવાય અને તો જ ભગવાનને પ્રગટ અને પ્રત્યક્ષ જાણ્યા કહેવાય તો જ આપણે સાચા અર્થમાં ગુરુનું પૂજન કર્યું કહેવાય. આવા દિવ્ય પાવનકારી અવસરનો લાભ દેશ વિદેશના હરિભક્તોએ ભક્તિભાવ પૂર્વક દબદબાભેર પરમોલ્લાસભેર લીધો હતો.