Gujarat
યુવાનોને સંશોધનાભિમુખ થવા માટે પ્રેરતી રાજ્ય સરકારની શોધ યોજના
છેલ્લા ત્રણ વર્ષમાં વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીના ૨૩૧ યુવાનોને સહાય આપી સંશોધનનું આર્થિક ભારણ હળવું કરાયું
સમાજોપયોગી અને ગુણવત્તાયુક્ત સંશોધન કરવામાં આર્થિક સહાય મેળવી રહ્યા મ. સ. યુનિવર્સિટીના યુવાન સંશોધકો
રાજ્યના યુવાનોને સંશોધન ક્ષેત્રે પ્રોત્સાહિત કરી તેને કારકીર્દિને વેગ આપવા માટે ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી શોધ યોજનાનો છેલ્લા ત્રણ વર્ષમાં ૨૩૧ છાત્રોને લાભ મળ્યો છે. મહારાજ સયાજી રાવ યુનિવર્સિટી ઓફ બરોડાના આ છાત્રો સમાજોપયોગી અને ગુણવત્તાયુક્ત સંશોધન કરવામાં આર્થિક સહાય મેળવી રહ્યા છે.
રાજ્ય સરકાર દ્વારા નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાતના માધ્યમથી સ્કીમ ફોર ડેવલપિંગ હાઇક્વોલિટી રિસર્ચ નામની યોજના મૂકી છે. જેને મિતાક્ષરમાં શોધ નામે ઓળખવામાં આવે છે. મ. સ. યુનિવર્સિટીના છાત્રોને આ યોજનાનો લાભ સારી રીતે મળી રહ્યો છે.
યુવા સંશોધકોને શું લાભ આપવામાં છે ? તેની માહિતી આપતા શોધ યોજનાના નોડેલ અધિકારી ડો. પ્રશાંત મુરુમકરે જણાવ્યું કે, કોઇ છાત્ર એક વખત પીએચ. ડી. માટે નોંધણી કરે એ બાદ આ સહાય આપવામાં આવે છે. જેમાં પીએચ. ડી. કરી રહેલા યુવાનને પ્રતિ માસ રૂ. ૧૫ હજારનું સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે. પાંચેક વર્ષ પહેલા પીએચ. ડી.ના છાત્રો માટે આવી કોઇ રાજ્ય સરકારમાં અધ્યયતાવૃત્તિની જોગવાઇ નહોતી. પણ, રાજ્ય સરકાર દ્વારા શોધ યોજના અમલમાં મૂકવાથી યુવાનો સંશોધનાભિમુખ થયા છે.
રૂ. ૧૫ હજારની ફેલોશીપ તો ખરી જ ! સાથે છાત્રોને પોતાના સંશોધન માટે ખરીદવાના થતાં પુસ્તકો, ઉપકરણો માટે કન્ટીજન્સી એક્પેન્સ પેટે એક વર્ષના રૂ. ૨૦ હજાર એમ બે વર્ષ માટે રૂ. ૪૦ હજાર રૂપિયા આપવામાં આવે છે. વળી આ ખર્ચમાં ફિલ્ડ વર્ક માટે કરાતા પ્રવાસને પણ આકારી શકાય છે. આમ, શોધ યોજનાથી યુવાન સંશોધકોનું આર્થિક ભારણ સાવ હળવું કરી નાખ્યું છે.
આ યોજનામાં સંશોધકે ઓનલાઇન એપ્લિકેશન કરવાની રહે છે. જેમાં તેની શૈક્ષણિક કારકીર્દિના પ્રમાણપત્રો સાથે સંશોધનની ટૂંકીરૂપ રેખા આપવાની રહે છે. એ બાદ જે તે વિષયના નિષ્ણાંત પાસે એ રૂપરેખા ચકાસવા માટે મોકલવામાં આવે છે. નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત દ્વારા નક્કી કરવામાં આવેલા માપદંડોના આધારે આવેદક યુવાનને શોધ યોજનાનો લાભ મળવાપાત્ર છે કે કેમ ? એ નક્કી કરવામાં આવે છે. યુનિવર્સિટી કક્ષાએ છાત્રની પસંદગી થયા બાદ નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત દ્વારા એ સિનોપ્સીસને બુદ્ધિની એરણ ઉપર ચઢાવવામાં આવે છે. બાદમાં ત્યાંથી આખરી પસંદગી થાય છે. પૂર્ણકાલિન સંશોધન માટે જ આ અધ્યયતાવૃત્તિ આપવામાં આવે છે.
વર્ષ ૨૦૧૯માં કુલ ૬૮ યુવાનોએ કરેલી અરજીમાંથી ૪૯ યુવાનોને શોધ યોજનાનો લાભ મળ્યો હતો. એવી રીતે ૨૦૨૦માં ૧૭૬ છાત્રો પૈકી ૧૩૨, ૨૦૨૧માં ૭૬ પૈકી ૫૦ છાત્રોને આ યોજનાનો લાભ આપવામાં આવ્યો છે. ૨૦૨૨માં યુનિવર્સિટી દ્વારા ૩૮ યુવાનોની પસંદગી કરવામાં આવી છે. આ વર્ષોમાં કુલ રૂ. ૪૫ લાખની સહાય યુવાન સંશોધકોને આપવામાં આવી છે.
મ. સ. યુનિવર્સિટીના બાયોકેમેસ્ટ્રી વિભાગ, ઝૂઓલોજી વિભાગ, ફાર્મસી વિભાગ, એપ્લાઇડ કેમેસ્ટ્રી વિભાગમાં આશાસ્પદ સંશોધન થઇ રહ્યા છે. જેમ કે, ફાર્મસી વિભાગમાં સ્મૃતિભ્રંશના રોગ માટે નવા મોલેક્યુલ્સનું સંશોધન થઇ રહ્યું છે.