Vadodara
“ગરવી ગુર્જરી ” થીમ પર રાજ્ય લેવલનું હસ્તકલા હાટ
વડોદરા શહેરના અકોટા અતિથિ ગૃહ ખાતે ગુજરાત સ્ટેટ હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લી. દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ૭ દિવસીય એટલે કે તારીખ ૨૫ જુલાઈ થી લઈને ૩૧ જુલાઈ સુધી પ્રદર્શન – જીવંત નિદર્શન સહિત વેચાણ અર્થે ગરવી ગુર્જરી થીમ પર હસ્તકલા હાટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાંથી અનેક વિવિધતા સભર કલાકારીનું નિદર્શન સહ પ્રદર્શન સાથે વેચાણ માટે પ્લેટફોર્મ ઉભું કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતના કલાકારો દ્વારા અનેકાવિધ કારીગરાઈ જીવંત થવા પામી છે અને ઘણી અવનવી કલાઓને પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે.
ગુજરાત રાજયની કલાકારીની વાત કરીએ તો આ હસ્તકલા એક્ઝિબિશનમાં પટોળા, બાંધણી, એમ્બ્રોઇડરી, વરલી, બ્લોક પ્રિન્ટીંગ, પેચ વર્ક, મેટલ વર્ક, અજરખ, એન્ટિક ફેબ્રિક જવેલરી, નખ ચિત્ર કલા, મિરર વર્ક, મોતી કામ, વિન્ટેજ હેન્ડી ક્રાફટ, ઢાબુ પ્રિન્ટ તેમજ કચ્છી કલાકારી જેવી કે આહીર,જત, મુતવા, પાકો જેવી જાણી-અજાણી કેટલીયે કારીગરાઇનો મેળાવડો જામ્યો છે.
અમે વર્ષોથી પટોળા વર્કમાં મોટેભાગે સાડી અને દુપટ્ટા બનાવીએ છીએ. આ કામમાં અમારી માસિક આવક ૨૫ થી ૩૦ હજાર જેટલી મળી રહે છે. આ જ પ્રોડક્ટ જો બજારમાં ખરીદવા જાઓ ત્યારે તેનો ભાવ રૂ. ૧૫૦૦ થી ૨.૫ લાખ જેટલો હોય છે જ્યારે એ જ પ્રોડકટ અમારી પાસેથી સીધા વેચાણ દ્વારા અથવા એક્ઝિબિશનમાં અમે રૂ. ૫૦૦ થી ૮૫ હજાર માં જ ભાવ હોય છે. આમાં ફક્ત લેનાર અને વેચનાર વચ્ચે કોઈ થર્ડ પર્સન આવતું જ નથી એટલે ગ્રાહકો માટે આ પ્લેટફોર્મ ફાયદાકારક નીવડે છે એમ સુરેન્દ્રનગરથી પોતાના પટોળા લઈને વેચાણ અર્થે ભાગ લેનાર મહેશભાઈ ગોહિલે જણાવ્યું હતું.
૫૪ વર્ષીય નસીમ મલેક કે જેઓ સુરતના રહેવાસી અને ગાંધીનગરથી ફેશન ડિઝાઇનિંગનો કોર્સ કરેલો છે. તેઓ પોતે કરેલા ફેશન ડિઝાઇનિંગ કોર્સને પોતાના વ્યવસાય સાથે સાંકળીને અનેકવિધ પ્રકારના મોતીકામ, એન્ટિક જવેલરી, હેન્ડ એમ્બ્રોઇડરી અને મીરરવર્ક વડે આકાર આપે છે. આ ઉપરાંત તેઓ વિન્ટેજ હેન્ડી ક્રાફટ તરીકે વર્ષો જુના કપડાં કે વર્ષો જૂની કલાકારીને નવો ઓપ આપીને ફરીથી રજૂ કરે છે. જેમાં દેશભરના કાપડ પણ હોય છે જેમાં કર્ણાટકથી કાપડ વધુ આવતું હોય છે એમ તેઓનું કહેવું છે. એમની જોડે તેમની સગી બહેન મુબીનાબીબી મલેક જેઓની ઉંમર ૫૦ વર્ષ છે તેમજ અન્ય ૨૫ જેટલી બહેનો આ કાર્યમાં તેઓને મદદરૂપ બની રોજગારી મેળવે છે. અમે શરૂઆતમાં ઘણું સ્ટ્રગલ કર્યું હતું અને આજે અમને ૬ થી ૭ લાખના નફા સાથે વાર્ષિક ૨૦ લાખની આવક અમને મળી રહે છે નસીમ મલેકએ વધુમાં ઉમેર્યું હતું.
કચ્છ-ભુજથી આવેલ કાંતિલાલ ગરવા કે જેઓ કચ્છમાં એક એનજીઓના પ્રમુખ છે તેઓ જણાવે છે કે, કચ્છમાં કુલ ૧૬ પ્રકારની એમ્બ્રોઇડરી હોય છે જેમાંથી અમે ફકત ૪ પ્રકારની જ એમ્બ્રોઇડરી વર્ક કરીએ છીએ જેમાં આહીર, જત, મુતવા અને પાકો જેવા ૪ પ્રકારની એમ્બ્રોઇડરી હોય છે.આ એમ્બ્રોઇડરીના નામ વર્ષો જૂની કોમ્યુનિટીના નામ પરથી રાખવામાં આવ્યા છે કારણ કે એમ્બ્રોઇડરી એ મૂળે તે કોમ્યુનિટી નું વર્ક હતું. સંપૂર્ણ કામ હેન્ડ વર્કથી જ કરવામાં આવે છે. અમારી પાસે ૨૦૦૦ જેટલી બહેનો કામ અર્થે આવીને કોટી, બેગ, સ્કર્ટ, કુર્તા, ગાઉન, ડ્રેસના કાપડ જેવા કાપડ પર એમ્બ્રોઇડરી કરીને રોજગારી મેળવી રહી છે. આમ, આ ગરવી ગુર્જરી એક્ઝિબિશન ખરેખર સમસ્ત ગુજરાતનું કલાદર્શન કરાવતું પ્લેટફોર્મ બની ગયું છે. જેમાં અલગ અલગ જિલ્લા, અલગ અલગ સમાજ અને અલગ અલગ કલાકારીનો સુમેળ જોવા મળે છે.
- સમગ્ર ગુજરાતના કલાકારોનું સંગમ સ્થળ એટલે ગરવી ગુર્જરી હસ્તકલા એક્ઝિબિશન
- ઉત્પાદક અને ગ્રાહક વચ્ચે સીધો સંપર્ક કરાવતું સ્થળ એટલે હસ્તકલા એક્ઝિબિશન