Vadodara
શહેરમાં રાજ્ય કક્ષાની નહેરૂ હોકી ચેમ્પીયનશીપનો પ્રારંભ
રાજ્યના વિવિધ જિલ્લાઓના ૪૮૫ ખેલાડીઓનો મેળાવડો, તા. ૧૭ સુધી મેચો ચાલશે
વડોદરામાં વિજેતા થનારી ટીમો રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે
વડોદરા શહેરના માંજલપૂર રમતગમત સંકુલ ખાતે સ્પોર્ટસ ઓફ ગુજરાત અને જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરીના યજમાન પદે રાજ્ય કક્ષાની જવાહરલાલ નહેરૂ હોકી ચેમ્પીયનશીપનો પ્રારંભ થયો છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના ૪૮૫ ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે. આ સ્પર્ધા તા. ૧૭ સપ્ટેમ્બર સુધી ચાલવાની છે.
આ સ્પર્ધા ૨૯ ટીમ સબ જુનિયર કેટેગરીમાં અને ૩૦ ટીમ જુનિયર બોયઝ કેટેગરીના નોકઆઉટ રાઉન્ડમાં રમાઇ રહી છે. અહીં વિજેતા થનારી ટીમ રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. સબ જુનિયર બોયઝ (અ-૧૫)ની મેચો તા. ૧૨થી ૧૪ સપ્ટેમ્બર અને જુનિયર બોયઝ (અ-૧૭)ની મેચો તા. ૧૫થી ૧૭ સપ્ટેમ્બર સુધી ચાલવાની છે.
રાજ્ય કક્ષાની આ સ્પર્ધાનો પ્રારંભ કરાવવા માટે પહોંચયેલા કલેક્ટર અતુલ ગોરે ખેલાડીઓને ખેલદિલીની ભાવના રાખવાની શીખ આપતા કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે, ખેલ મહાકુંભ જેવા અભિયાન થકી રાજ્યના યુવાનોમાં રમતગમત પ્રવૃત્તિને પ્રચલિત કરવાનો સફળ પ્રયાસ કર્યો હતો, જેના પરિણામો આજે આપણને જોવા મળી રહ્યા છે. રાજ્યના ખેલાડીઓ આજે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ કાઠું કાઢી રહ્યા છે.
તેમણે ઉમેર્યું કે, રાષ્ટ્રીય કક્ષાએ રમતગમતના વિકાસ માટે સ્કૂલ ગેમ્સ, ખેલો ઇન્ડિયા જેવા અભિયાનો થકી રમતગમત પ્રવૃત્તિને આગળ વધારવામાં આવી રહી છે. હવે ભારતમાં ઓલ્મ્પિક રમાડવાની પણ ક્ષમતા ઉભી થઇ છે અને એ કક્ષાની ભૌતિક સુવિધાઓ ખેલાડીઓ માટે ઉભી કરવામાં આવી રહી છે.
આ વેળાએ હોકી ગુજરાતના રાજેન્દ્ર શેલાર, જિલ્લા રમતગમત વિકાસ અધિકારી ક્રિષ્ના પંડ્યા, જિલ્લા રમતગમત અધિકારી દિનેશ કદમ્બ, કોચ પ્રેમિલા જેકોબ સહિત વિવિધ જિલ્લાના પ્રશિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.